ભાજપ પ્રમુખ અમિત શાહે પાર્ટીના દિલ્હી યુનિટના વર્કરો અને નેતાઓને મળવા માટેની તેમની યોજના હાલ પુરતી મોકૂફ કરી દીધી છે. કેરળ અને પશ્ચિમ બંગાળ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાના ઇરાદાથી આ યોજના પડતી મુકી દેવામાં આવી છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, અમિત શાહ જૂનના મધ્યમાં શહેર યુનિટના નેતાઓને મળનાર હતા પરંતુ આ કાર્યક્રમ હવે મોકૂફ કરી દેવામાં આવ્યો છે. કારણ કે તેઓ રાજકીયરીતે વધારે મહત્વપૂર્ણ ગણાતા પશ્ચિમ બંગાળ અને કેરળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા આ બંને રાજ્યોમાં પાર્ટીની સ્થિતિ વધારે મજબૂત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
દિલ્હી યુનિટના નેતાઓ અને વર્કરો સાથે હવે મિટિંગ ક્યારે થશે તે સંદર્ભમાં કોઇ નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આજે વિગત આપતા કહ્યું હતું કે, ૧૪ અને ૧૫મી જૂનના દિવસે અમિત શાહને મળવાનો કાર્યક્રમ હતો પરંતુ હવે કેરળ અને બંગાળમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રાથમિકતાના પરિણામ સ્વરુપે તેમાં સુધારો કરાયો છે. દિલ્હીમાં આ બેઠક હાલ પુરતી મોકૂફ કરાઈ છે. અમિત શાહે ૨૯મી એપ્રિલના દિવસે ઓલ ઇન્ડિયા ટુરની શરૂઆત કરી દીધી હતી. આગામી લોકસભાની ચૂંટણી પહેલા દેશના જુદા જુદા ભાગોમાં પાર્ટીની સ્થિતિને મજબૂત કરવાના હેતુસર આ પ્રવાસ શરૂ કરાયો હતો. ભાજપ કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જોરદાર તાકાત દર્શાવવા માટે તૈયાર છે. ૨૦૧૪ની ચૂંટણીમાં આ બંને રાજ્યોમાં પાર્ટીનો દેખાવ નબળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીની લહેર હોવા છતાં આ બંને રાજ્યોમાં ૨૦૧૪ની ચૂંટણીમાં નિરાશાજનક દેખાવ રહ્યો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, કેરળ, ઓરિસ્સા અને તેલંગાણામાં ૧૦૨ લોકસભા બેઠક પૈકી ભાજપન માત્ર ચાર બેઠક મળી હતી. આવી સ્થિતિમાં આ ચારેય રાજ્યોમાં ભાજપે હવે તમામ તાકાત લગાવી દીધી છે.
પાછલી પોસ્ટ