Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધો- ૧ માં ૭૮૯૭ અને આંગણવાડીમાં ૩૪૭૪ ભૂલકાંઓનું નામાંકન : ધો- ૯ માં પણ ૪૦૦૬ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ, ૨૦૧૭ ની થયેલી રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા, રાજ્યકક્ષાએથી ફાળવાયેલા અન્ય વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ઉક્ત ત્રણ દિવસ દરમિયાન નર્મદા જિલ્લાનાં ૭૪૨ ગામોની ૬૮૨ પ્રાથમિક શાળા અને ૭૭ માધ્યમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધો- ૧ માં ૩૯૭૪ કુમાર અને ૩૯૨૩ કન્યા સહિત કુલ- ૭૮૯૭ ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાયો હતો. તેવી જ રીતે ધો- ૧ માં ૬ કુમાર અને ૧ કન્યા સહિત કુલ- ૭ ભૂલકાંઓને પુનઃ શાળા પ્રવેશ અપાયો હતો. તદ્ઉપરાંત આંગણવાડીમાં ૧૭૮૧ કુમાર અને ૧૬૯૩ કન્યા સહિત કુલ- ૩૪૭૪ ભૂલકાંઓનું નામાંકન કરાયું હતું. તેવી જ રીતે ધો- ૯ માં ૨૧૦૨ કુમાર અને ૧૯૦૪ કન્યા સહિત કુલ- ૪૦૦૬ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો, જેમાં ૧૯ કુમાર અને ૧૬ કન્યા સહિત કુલ- ૩૫ વિકલાંગ બાળકોના નામાંકનનો પણ સમાવેશ થાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ઉંડાણના આદિવાસી વિસ્તારમાં સર્જાયેલો અદમ્ય ઉત્સાહનો માહોલ બરકરાર જોવા મળ્યો હતો. અને આ ઉજવણી દરમિયાન વાલીઓ તેમના બાળકો સાથે શાળા પ્રવેશ માટે ખૂબ જ ખુશખુશાલ મિજાજમાં જે તે ગામની શાળાઓ તરફ ઉત્સાહભેર જઇ રહેલા જણાતાં હતાં. તેની સાથોસાથ ગામનાં વિદ્યાપ્રેમી દાતાઓએ પણ ત્રિદિવસીય ઉજવણી દરમિયાન પોતાની યથાશક્તિ મુજબ દાનનો અસ્ખલિત પ્રવાહ જારી રાખ્યો હતો, જેના પરિણામે ઉક્ત દિવસોમાં દાતાઓ તરફથી રૂા.૪૨,૩૦૬/- ની રોકડ રકમ અને રૂા. ૫,૪૮,૫૩૪/- ની કિંમતની ચીજવસ્તુઓના રૂપમાં દાન મળી કુલ- રૂા.૫,૯૦,૮૪૦/- નું દાન પ્રાપ્ત થયું હતું. તદ્ઉપરાંત ૧૫ જેટલી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં મંત્રીશ્રી, સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ ઉપરાંત રાજ્યકક્ષાએથી વરિષ્ઠ અધિકારીઓ / મહાનુભાવોમાં એડીશનલ ડી.જી.પી. શ્રી તીર્થરાજ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવશ્રી ડૉ. ધનંજય દ્વિવેદી, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, વન સંરક્ષક સર્વશ્રી સી.કે. સોનવણે, શ્રી ડી.ટી. વસાવડા અને ડૉ. એચ. આર. પ્રબુધ્ધ, નાયબ વન સંરક્ષક શ્રીમતી રાજ સંદીપ અને સુશ્રી નીશા રાજ, મદદનીશ વન સંક્ષકશ્રી સાદીક મુજાવર, સામાન્ય વહિવટ વિભાગના ઉપસચિવશ્રી સપના વી. રણા, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીના લીગલ ઓફિસરશ્રી એ.એસ. પટેલ, રાજ્ય-રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષકો, જિલ્લાના સ્થાનિક અમલીકરણ અધિકારીઓ વગેરેએ સહિતનાં અધિકારીઓએ તેમના સંબધિત વિસ્તારની ગામોની શાળાઓમાં આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં પ્રેરક હાજરી આપીને પ્રવેશપાત્ર ભૂલકાંઓ-વિદ્યાર્થીઓને રંગે-ચંગે શાળા પ્રવેશ કરાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આંગણવાડીમાં ભૂલકાંઓ માટે રકમડાનું વિતરણ પણ કરાયું હતું તદ્ઉપરાંત જે તે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સરગવા-ફળનાં ઝાડનું વૃક્ષારોપણ કરાયું હતું.

Related posts

ઓખીની અસર હેઠળ ગુજરાતના ૭૪ તાલુકામાં વરસાદ નોંધાયો

aapnugujarat

CM Rupani marks his presence at the second high level meeting of NITI Aayog in Mumbai

aapnugujarat

દાહોદમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી

editor

Leave a Comment

UA-96247877-1