Aapnu Gujarat
બ્લોગ

નિર્મલા સીતારમણ કડવી ગોળી આપશે કે પિપરમિન્ટ

તારીખ પાંચમી જુલાઈએ રજૂ થનાર કેન્દ્રીય બજેટની શરૂઆત ૨૨ જૂનના રોજ નાણાં વિભાગમાં હલવા સેરેમની સાથે થઈ.તેના બીજા જ દિવસે વડા પ્રધાને દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ તેમજ નાણાં વ્યવસ્થાપનના નિષ્ણાતો સાથે વિચાર-વિમર્શ કર્યો.આમ તો અગાઉની સરકાર પણ નરેન્દ્ર મોદીની જ હતી અને એનું વચગાળાનું બજેટ પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પિયુષ ગોયલે નાણા મંત્રી તરીકે રજૂ કર્યું.અંદાજપત્ર એ કોઈ મહેતાજીના હિસાબકિતાબનું સરવૈયું નથી.
અંદાજપત્ર સરકારની આર્થિક તેમજ અન્ય નીતિઓ અને તે દિશામાં કામગીરી કરવા માટે જરૂરી નાણાકીય સાધનોની વ્યવસ્થા અંગે વાત કરે છે.પિયુષ ગોયલે અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે લોકસભાની ચૂંટણીઓ ક્ષિતિજે ડોકાઈ રહી હતી એટલે સ્વાભાવિક રીતે જ એનો ઝોક મધ્યમ વર્ગ તેમજ ગ્રામીણ અર્થવ્યવસ્થાના ચાલકબળ એવા ખેડૂતને રાજી કરવા તરફ હતો.
આ અંદાજપત્ર રજૂ કરતા પિયુષ ગોયલે ૨૦૧૭-૧૮ની રાજકોષીય ખાધ ૩.૫ ટકા સામે ૨૦૧૮-૧૯નો અંદાજ ૩.૪ ટકા અને ૨૦૧૯-૨૦નો અંદાજ પણ ૩.૪ ટકા મૂક્યો હતો.
બીજું કે કરંટ એકાઉન્ટ ડેફિસીટ ૨.૬ ટકા અંદાજવામાં આવી હતી.૨૦૧૮-૧૯ માટેનો જીડીપી વૃદ્ધિ દર ૭ ટકા થવાનું અનુમાન હતું.સરેરાશ ક્રૂડ ઑઇલના ભાવ ૬૯.૫ ડૉલર રહેવાનો અંદાજ હતો. આમ ફેબ્રુઆરી ૨૦૧૯માં અર્થવ્યવસ્થા સંબંધિત જે માપદંડો રજૂ કરવામાં આવ્યા હતા તેમાં એક પ્રકારનો આશાવાદ જોવા મળતો હતો.નિર્મલા સીતારામણ નાણાં મંત્રી તરીકે પોતાનું પહેલું અંદાજપત્ર રજૂ કરશે ત્યારે પરિસ્થિતિનું ચિત્ર બદલાયું છે.તાજેતરમાં જ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નરે ૩થી ૬ જૂન વચ્ચે થયેલી નાણાકીય નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં ચિંતાનો સૂર વ્યક્ત કરતા જણાવ્યું તેમ ભારતીય અર્થવ્યવસ્થા સ્પષ્ટપણે પોતાના વિકાસની ગતિને ગુમાવી રહી છે.તેને પુનઃગતિમાં લાવવા એક નિર્ણાયક નાણાકીય નીતિ અપનાવવાની જરૂર છે.
જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. ફિંચે ભારતની આર્થિક વૃદ્ધિ, મૅન્યુફૅક્ચરિંગ અને કૃષિ ક્ષેત્રે નબળી કામગીરીને કારણે વર્ષ ૨૦૧૯-૨૦ માટે જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને ૬.૬ ટકા મૂકાયો છે.
રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ કહ્યું છે કે ગત બે ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિની ઝડપ નોંધનીય રીતે નબળી પડી છે.સાથોસાથ નબળું ચોમાસું અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવ પણ ચિંતા કરાવે તેવા છે.રિઝર્વ બૅન્કે આ મહિનાની શરૂઆતમાં સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે.આ પ્રકારે જાન્યુઆરી ૨૦૧૯ બાદ અત્યાર સુધીમાં રિઝર્વ બૅન્ક દ્વારા રેપો રેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કરાયો છે.૨૦૧૮-૧૯ના આખા વર્ષ દરમિયાન આર્થિક વિકાસ દર સતત ઘટતો રહ્યો છે.પહેલા ત્રિમાસિક ગાળામાં ૮.૫ ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં ૭.૪ ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૬.૬ ટકા જેટલો જીડીપી વિકાસ દર તથા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાના અનુમાન મુજબ ચોથા ત્રિમાસિક ગાળામાં ૬.૧થી ૬.૫ ટકા જેટલો નીચે રહી શકે છે.જોકે, વાસ્તવિક પરિસ્થિતિ જોતા આ અનુમાન કરતાં પણ વિકાસ દર ઘણો નીચો રહેશે એવું લાગે છે.
છેલ્લા બે વર્ષમાં પહેલી વખત ભારતનો વિકાસ દર ચીનના વિકાસ દર કરતાં પાછળ રહી ગયો છે એટલે કે ભારત પાસેથી દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો દરજ્જો છીનવાઇ ગયો છે.બીજી બાજુ ભારતીય અર્થવ્યવસ્થા ’મિડલ ઇન્કમ ટ્રેપ’માં ફસાઈ રહી હોવાનો ભય સેવવામાં આવી રહ્યો છે.
આવકની દૃષ્ટિએ ભારતમાં પિરામીડની ટોચ પર બેઠેલા લગભગ ૧૦ કરોડ લોકોની ખરીદ શક્તિને કારણે ઉભી થતી માગમાં ઘટાડો આવી રહ્યો છે.આ પરિસ્થિતિને સુધારવા માટે અને નવા રોકાણ તેમજ રોજગારી ઊભી થાય તે માટેના ઉપાયો જરૂરી છે.ભારતને ’મિડલ ઇન્કમ ટ્રેપ’ અર્થવ્યવસ્થામાં ફસાવનાર પરિબળોમાં મહદંશે જીડીપી ઉત્પાદનના પર એકમ દીઠ વધતી જતી મજૂરીની કિંમત, મજૂરોનું શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર અને કંઈક અંશે અછત, ઉત્પાદકતા વૃદ્ધિમાં નજીવો સુધારો, માનવસંસાધનો અને રિસર્ચમાં અપૂરતું રોકાણ જેવાં કારણો જવાબદાર છે.
નાણાં મંત્રી ભારતીય અર્થવ્યવસ્થાને ’મિડલ ઇન્કમ ટ્રેપ’માંથી ઉગારવા માટે કેવો બુસ્ટર ડોઝ આપે છે તે જોવાનું રહે છે.પિયુષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કૃષિ સંબંધી વસ્તુઓની ઘટતી કિંમતો તેમજ ૨૦૧૭-૧૮ બાદ ખાદ્ય પેદાશોના ભાવમાં ઘટેલો ફુગાવો, બન્ને કારણે ખેડૂતની આવક ઓછી થઈ છે.
વારંવાર વિભાજિત થતી કૃષિ જમીનને કારણે ખેડૂતનું ખેતર વધુમાં વધુ નાનું થતું જાય છે એ પણ ખેડૂતની ઘટતી જતી આવકનું કારણ છે.આ માટે અનેક પગલાની સાથોસાથ ખેડૂત ખાતેદારને વર્ષે ૬૦૦૦ રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અન્વયે ચૂકવવાની જાહેરાત કરી છે.
ખેડૂતની આવક ઘટતી જાય છે તે હકીકત છે.સરકારે સરકારે ૨૦૨૨ સુધીના પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે કૃષિ ઉત્પાદન ઉપર પર લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતોને ખેતી પરવડતી થાય તે માટેની જાહેરાતો થઇ છે.
મૂળ મુદ્દો આ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચના વિઝન ૨૦૩૦ રિપોર્ટમાં આપવામાં આવેલી વિગત મુજબ ૨૦૩૦ સુધીમાં ખેતરનું સરેરાશ ક્ષેત્રફળ જે ૧૯૬૦માં ૨.૬૯ હેક્ટર્સ હતું તે ૨૦૩૦માં ઘટીને પૉઇન્ટ ૦.૩૦ હેક્ટર્સ એટલે કે માત્ર ત્રણ હજાર ચોરસમીટર થઈ જશે.આ ઘટતી જતી સરેરાશ ક્ષેત્રફળ ખેતીને વધુને વધુ બિન-પોષણક્ષમ બનાવવાના છે.આની સામે ૨૦૫૦ સુધીમાં આપણા દેશની વસ્તી ૧૬૫ કરોડને આંબી જશે ત્યારે અત્યારના અંદાજે ૨૮૦ મિલિયન ટન અનાજના ઉત્પાદનની સરખામણીમાં ૩૩૩ મિલિયન ટનનું ઉત્પાદન જરૂરી બનશે.આમ આ દેશની અન્ન સુરક્ષા માટે ખેડૂતનો ખેતીમાં રસ જળવાઈ રહે અને એને કારણે ગ્રામ અર્થવ્યવસ્થા ધબકતી રહે, બંને જરૂરી છે.
એ ન ભૂલવું જોઈએ કે આજે પણ કૃષિ અને ગ્રામ અર્થવ્યવસ્થા આ દેશમાં ૫૦ ટકા કરતાં વધુ રોજગારી પૂરી પાડે છે અને ૫૦ ટકા કરતા વધુ બજાર ધરાવે છે.ગ્રામ્ય અર્થવ્યવસ્થાને ધબકતી રાખવી તેમજ અન્ય સુરક્ષા જાળવી રાખવી અને એ માટે કૃષિની જમીનોનું જે ટુકડાઓમાં વિભાજન થઈ રહ્યું છે તેમાંથી બહાર કાઢીને દેશના કૃષિ અર્થતંત્રને બેઠું કરવા માટેનો પ્રયાસ એ માત્ર નિર્ધાર જ નહીં, નક્કર પગલાં માગી લે છે.
ખેડૂતની આવક બમણી કરવાની વાત, વધારેલા ટેકાના ભાવ, અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેમાં અત્યાર સુધીનાં પગલાં તાત્કાલિક રાહત ભલે પૂરી પાડે પણ ખેડૂતને ખેતી તરફ આકર્ષીને જકડી રાખી શકે નહીં.નિર્મલા સીતારમણ આ દિશામાં નક્કર જાહેરાતો કરે અને એ માટેનું બજેટ ફાળવે તે જરૂરી બનશે.
વડા પ્રધાને પાણી માટે આગામી સમયમાં આ દેશમાં કટોકટી સર્જાશે તેવી ચિંતા વ્યક્ત કરી છે તે સકારણ છે.૧૯૫૧માં આપણી પાસે માથાદીઠ ૫૧૦૦ ઘન મીટર પાણી હતું તે ઘટીને માથાદીઠ ૧૨૦૦ ઘન મીટર પાણી થયું છે.આ સરેરાશ છે. દેશમાં જળ સંસાધનોની વહેંચણી એકસરખી નથી.ગંગા, જમના, બ્રહ્મપુત્રા અને મેઘનાના તટપ્રદેશોમાં દેશનું બે તૃતિયાંશ ભાગનું પાણી છે, પણ વસતિ એક તૃતિયાંશ છે.આમ દેશની ૬૬ ટકા વસ્તી પાસે માત્ર ૩૩ ટકા પાણી છે.આ કારણથી મોટા ભાગનાં રાજ્યો પાસે પાણીની ઉપલબ્ધિ ૧૦૦૦ ઘનમીટર કરતાં ઘણી ઓછી છે.વરસાદ ગ્લૉબલ વૉર્મિંગ અને અન્ય કારણોસર ઓછો થતો જાય છે.તમે ભારતના નકશામાં ઉપરથી નીચે તરફ સીધી લાઈન દોરો તો તે જેટલા રાજ્યમાંથી પસાર થાય તેટલાં રાજ્યોમાં એકાદ અપવાદને બાદ કરતા વોટર સ્ટ્રેસની પરિસ્થિતિ છે.આ પ્રશ્ન અપૂરતા જળસંસાધનો, પ્રાપ્ત જળસંસાધનોમાં પ્રદૂષણ, વધતી જતી વસતિ તેમજ વપરાશને કારણે વકરવાનો છે.ત્યારે વડા પ્રધાને જે શુભ આશયથી જળશક્તિ મંત્રાલયની રચના કરી છે તેને ખરેખર સત્તા અને નાણાં બન્ને આપવા પડશે.
જળસંચય, વૉટર ઑડીટ અને જળ બચાવ માટે આ બજેટ કોઈ નક્કર જાહેરાતો લઈને આવે તેવી અપેક્ષા રાખી શકાય.મોટા બંધો થકી જ જળ સંગ્રહની વાત કરીએ તો ચીનની ૧૦૦૦ ઘનમીટર પ્રતિ વ્યક્તિની સરેરાશ સામે ભારતની સરેરાશ માત્ર ૨૦૦ છે.તેને વધારીને કેવી રીતે જળ સુરક્ષા ઊભી કરવી તે દિશામાં ચોક્કસ યોજનાઓ સાથે નાણાકીય જોગવાઈ આ બજેટમાંથી અપેક્ષિત છે.તાજેતરમાં ૧૫ જૂન ૨૦૧૯ના રોજ ભૂજ ખાતે યોજાયેલ લઘુ ઉદ્યોગ ભારતીના રજત જયંતી વર્ષની ઉજવણીમાં જવાનું થયું.નાના, વધુ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાં પ્રવર્તમાન માંદગીનો દર તેમજ વર્કિંગ કૅપિટલ એટલે કે ચાલુ મૂડી માટેની એની મથામણ આજે પણ ચિંતાનો વિષય છે.કેન્દ્ર સરકારે માઇક્રો, સ્મોલ ઍન્ડ મિડિયમ ઍન્ટરપ્રાઇસિઝ ડિપાર્ટમૅન્ટ માત્ર નાના વેપારીઓ અને નાના ઉદ્યોગસાહસિકો માટે છેક ૨૦૦૬માં રચ્યું.પણ દોઢ દાયકાની લાંબી સફરમાં આ મંત્રાલય લઘુ અને નાના ઉદ્યોગો માટે આક્રમકતાથી કામ કરીને કંઈક ઉકાળ્યું હોય તેવું દેખાતું નથી.દોઢ દાયકાની લાંબી મુસાફરી પછી પણ તેની ઉપયોગિતા આંશિક રીતે જ આ વિભાગ સંતોષે છે, જેને હેન્ડ હૉલ્ડીંગ એટલે કે મોટાભાઈ તરીકેનું કામ કહેવાય તેવું કંઈ થતું નથી.દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનનો ૩૫ ટકા હિસ્સો આ ક્ષેત્રમાંથી મળે છે. દેશમાં થતી કુલ નિકાસની ૪૫ ટકા કરતાં વધુ નિકાસ નાના અને લઘુ ઉદ્યોગોમાંથી આવે છે.૧૧ કરોડ કરતાં વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે આ ક્ષેત્ર ધબકતું થાય તે માટે પૂરી સૂઝબૂઝ અને નિર્ધાર સાથે પગલાં લેવાં પડશે.આ ક્ષેત્રને પીડતું અધિકારીરાજ અને લગભગ શોષણ કહી શકાય તે હદે તેમની પાસેથી કસોકસ ભાવ કરીને માલ ખરીદ્યા પછી પેમેન્ટ માટે ટટળાવતા મહાકાય ઉદ્યોગોને કારણે આ ક્ષેત્રમાં પેસી ગયેલી માંદગી દૂર કરવી.તેમજ આવું એકમ બંધ પડવાને કારણે જે મોટી રકમ ડેડ એસેટ્‌સમાં ફસાયેલી પડી છે એમાંથી રસ્તો કાઢી આ ક્ષેત્રને ધબકતું કરવા માટે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મંત્રાલય કરીને ૨૦૦૬થી બેસી રહેવું યોગ્ય નથી.
ભારતમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ સાઈઝ ઈન્ડસ્ટ્રી પુનઃ ધબકતી થાય અને એની માંદગીમાંથી બહાર આવે.જીડીપી વિકાસ તેમજ રોજગારીમાં ફાળો આપે તે દિશામાં જતી નાણાંકીય નીતિ અને સાથે સરકારની અન્ય નીતિઓ અને વ્યવસ્થાનો સુમેળ સાથેની જાહેરાત આ બજેટમાં થાય તેવી અપેક્ષા અયોગ્ય નહીં કહેવાય.જેવી રીતે અત્યારે થઈ રહ્યું છે તેમ ભારતમાંથી વિદેશી રોકાણકારો તેમનું રોકાણ પાછું ના ખેંચે અને શેરબજાર ઘેરી મંદીની દહેશતમાં બહાર આવે તે દિશામાં આ બજેટ કેવી નીતિઓ લઈને આવે છે તેના પર દેશના અનેક રોકાણકારો મીટ માંડીને બેઠા છે.
શેરબજાર માટે એવું કહેવાય છે કે ’સ્ટૉક માર્કેટ ઇઝ અ બૅરોમિટર ઑફ ધ ઇકૉનોમી’ મજબૂત અને ધબકતું શેરબજાર, સુદૃઢ અને આરોગ્યપ્રદ અર્થવ્યવસ્થાનો સંકેત આપે છે અને એ રીતે વિકાસનું મોટું ઉદ્દીપક બને છે.ભારત સરકાર પોતે પણ આંતરમાળખાકીય પ્રોજેક્ટ તેમજ અન્ય રીતે આ બજેટ થકી કેટલા પ્રમાણમાં નાણાકીય પુરવઠો બજારમાં નાખવા માંગે છે તે સામે સૌની મીટ છે.શેરબજાર ધબકતું રહે તો કેન્દ્ર સરકારને પણ પોતે કરવા ધારેલ ડિસઇન્વેસ્ટમૅન્ટમાં સરળતાના તેમજ વધુ ફાયદો રહેશે એમાં કોઈ શંકા નથી.

Related posts

વિપક્ષી એકતાનો ફૂગ્ગો, ટાંચણીથી દૂર રાખવો રહ્યો

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપવાનાં મહત્વનાં કારણો

aapnugujarat

મુંબઈમાં દરિયાના વધી રહેલા સ્તરે નવી ચિંતા ઉભી કરી : રિસર્ચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1