Aapnu Gujarat
બ્લોગ

મોડર્ન ટેકનોલોજીની આડઅસર

હાલમાં આપણે ટેકનોલોજી ક્રાંતિનાં તબક્કામાં જીવી રહ્યાં છીએ ઝડપથી આપણી આસપાસનું જીવન બદલાઇ રહ્યું છે નવી નવી ટેકનોલોજી આવી રહી છે અને તેના માટે માનવજાત ઘેલી થઇ રહી છે.વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક લીડર્સ આપણને ડ્રાઇવર લેસ કાર, વધારે ઉન્નત વર્ચ્યુઅલ રિયાલિટી, ઝડપી વાહન વ્યવહાર, કોમર્શિયલ સ્પેસ ફલાઇટ વગેરે વગેરેનાં સપના બતાવી રહ્યાં છે.જો કે તેની સામે કેટલાક લોકો ચેતવણી પણ ઉચ્ચારી રહ્યાં છીએ અને આ ઘેલછાનો ભોગ ન બનવા અપિલ કરી રહ્યાં છીએ કારણકે વાસ્તવિકતા તો એ છે કે આ મોટાભાગની ટેકનોલોજી અપ્રાકૃતિક છે અને ઘણી રીતે ખતરનાક છે, આધુનિક ટેકનોલોજી આપણી જીવન પ્રણાલિને વેરવિખેર કરી રહી છે અને એવી સમસ્યાઓને જન્મ આપી રહી છે જેનો ઉકેલ આપણી પાસે નથી.
હાલમાં ડ્રાઇવરલેસ કારનો આઇડિયા વિશ્વનાં દરેક દેશમાં હોટ ફેવરિટ બની રહ્યો છે અને વિશ્વની મોટાભાગની કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે હવે તો ગુગલે પણ તેમાં ઝંપલાવ્યું છે જો કે તે સલામત છે કે નહી તે દિશામાં વિચારવાની જરૂરિયાત છે આ ઉપરાંત તે નૈતિકતાનો મુદ્દો પણ ઉપસ્થિત કરે છે.જ્યારે વાત વાહનની આવે છે ત્યારે અકસ્માતો અંગે પણ વિચાર કરવો જરૂરી છે કારમાં ડ્રાઇવર હોય ત્યારે તે રસ્તે ચાલતા રાહદારી અને કારમાં બેઠેલી વ્યક્તિ બંનેનો વિચાર કરીને કામ કરે છે પણ જ્યારે વાત મશીનની આવે ત્યારે તે માનવીની જેમ વર્તશે તે કહી શકાય નહી કારણકે તેના માટે તો કારમાં બેઠેલી વ્યકિતની સલામતી જ પ્રથમ હોય છે.જો કે કેટલાક નિષ્ણાંતો તેને બહુ મોટી સમસ્યા ગણાવતા નથી તેમનાં માટે જો કોઇ માથાનો દુખાવો હોય તો તે છે હેકર્સ જે આ પ્રકારની કાર પર કબ્જો કરીને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
વર્ચ્યુઅલ રિયાલિટી હાલમાં સૌથી વિકસતું ક્ષેત્ર છે ઘણી કંપનીઓ આ દિશામાં કામગિરી કરી રહી છે જેમાં માત્ર ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો જ સમાવેશ થતો નથી ઓક્યુલસ રિફ્ટ જેવી કંપની તો મેડિકલ ક્ષેત્રમાં કામગિરી કરી રહી છે જે તબીબો અને નર્સોને કોઇપણ પ્રકારનો ખતરો ઉઠાવ્યા વિના કામગિરી કરવાનું પ્રશિક્ષણ આપી રહી છે.જો કે વાત જ્યારે ગેમિંગ ઇન્ડસ્ટ્રીની આવે છે ત્યારે કેટલાક લોકો તેના ખતરા વિશે આગાહ કરતા ચેતવણી આપે છે કે તેનાથી ઘણી માનસિક બિમારીઓનો જન્મ થઇ શકે છે.હાલમાં જ કેટલીક ઘટનાઓ એવી બની છે જેમાં ગેમની ઘેલછામાં લોકોએ જીવન ગુમાવ્યા છે આ એ લોકો હતા જેઓ લાંબો સમય સુધી ખાવાપીવાની ચિંતા કર્યા વિના ગેમમાં લાગેલા રહ્યાં હતા.લોકો ગેમમાં એટલા રચ્યા પચ્યા રહે છે કે તેમને પોતાના આરોગ્યની પણ ચિંતા રહેતી નથી.આ પ્રકારની વ્યક્તિઓ વાસ્તવિકતા સાથે નાતો ગુમાવી દેતા હોય છે તેઓ ગેમ અને વાસ્તવ વચ્ચેનો ફરક કરવો જ ભૂલી જતાં હોય છે.
હાલમાં ડ્રોનનો ઉપયોગ દરેક દેશમાં બહુ સામાન્ય રીતે થઇ રહ્યો છે અને બહુ ટુંકા ગાળામાં તે આપણાં જીવનનો હિસ્સો બની રહેશે તેવું લાગી રહ્યું છે.આ સાધન ઘણી રીતે મદદગાર સાબિત થઇ શકે છે દુર્ગમ સ્થળોએ કામગિરી બજાવતા સૈનિકોને સાધન સહાય કરી શકાય છે જીવન જરૂરી વસ્તુઓ ઝડપથી મેળવી શકાય છે.જો કે ડ્રોન આપણી આસપાસ ઉડતા રહે તો તે ઘણી સમસ્યાઓને જન્મ આપનાર બની રહે છે.યમનનાં એક ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોનનો બહુ વ્યાપક ઉપયોગ થતો હતો ત્યાંના લોકોએ ફરિયાદ કરી હતી કે તે તેમનાં માથા પર ફરતા રહેતા ડ્રોનનાં અવાજને કારણે ત્રાસી ગયા છે.તેમનો દાવો હતો કે તેના કારણે તેમને ક્યારેક તો પાગલપનનાં દૌરા પણ પડે છે તેવામાં આ સાધનનાં વધારે પડતા ઉપયોગ અંગે વિચારવાનું જરૂરી બની જાય છે.
હાલમાં ઉર્જા ઉત્પાદન દરેક દેશ માટે ચર્ચાનો વિષય છે ત્યારે પવન અને સૌર ઉર્જાને ઉત્તમ માનવામાં આવે છે.મોટાભાગની સરકારો તેના નાગરિકોને સોલાર અને વાઇન્ડ પાવર માટે પ્રોત્સાહન આપે છે કારણકે તે પ્રદુષણરહિત છે.જો કે આ ટેકનોલોજીનાં પણ તેના કેટલાક ગેરફાયદા છે અને તેનો વિચાર કરનારા આ ટેકનોલોજીનાં વધારે પડતા ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી રહ્યા છે.તેઓ કંપનીઓને આ ટેકનોલોજીનાં કારણે જન્મનાર સમસ્યાઓનો ઉકેલ લાવવા પર વિચાર કરવા જણાવી રહ્યાં છે.આ સોલાર અને વાઇન્ડ ફાર્મનાં કારણે મોટાભાગની પ્રાણી સૃષ્ટિ ખાસ કરીને પક્ષીઓને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે.
વાઇન્ડ પાવર ફાર્મમાં તો મોટામોટા પંખાઓ ફરતા રહે છે જે પક્ષીઓનો નાશ કરી શકે છે તો સોલાર ફાર્મમાં પણ તેની ચળકતી સપાટી જોઇને પક્ષીઓ તેને તળાવ કે સરોવર સમજીને તેની તરફ ખેંચાઇ આવે અને મોતને ઘાટ ઉતરે તે શક્યતાઓ છે.આ સમસ્યાઓનાં ઉકેલ માટે કેટલાક ઉપાયો સુચવાયા છે પણ હકીકત એ છે કે તે અસરકારક સાબિત થયા નથી.
આમ તો હજી મોટાભાગના દેશોમાં નાગરિકો વિમાનમાં મુસાફરી કરે તેટલી સમૃદ્ધિ નથી કેટલાક લોકો જ વિમાનની મુસાફરી કરી શકે છે પણ હાલ તો સ્પેસ ફલાઇટની વાતો ચાલી રહી છે.ઘણા દેશો પોતાના સેટેલાઇટ લોન્ચ કરી રહ્યાં છે અને ઘણી ખાનગી કંપનીઓએ આ દિશામાં કામગિરી શરૂ કરી છે તેમનું લક્ષ્ય માનવીને સ્પેસની યાત્રા કરાવવાનું છે.વર્જિન ગેલેકટીકને કેટલીક સમસ્યાઓ નડી હતી પણ તેમ છતાં તે આ દિશામાં કામ કરી રહી છે તો ઇલોન મસ્કની સ્પેસ એકસે સ્પેસમાં એક કાર્ગો મોકલ્યો હતો.નજીકનાં ભવિષ્યમાં તે અવકાશયાત્રિઓને અને ત્યારબાદ સામાન્ય નાગરિકોને પણ સ્પેસમાં મોકલવાની યોજના ધરાવે છે.જો કે આ દિશામાં કેટલીક સમસ્યાઓ પણ છે જેની તરફ ધ્યાન આપવાની જરૂરિયાત છે કારણકે દરેક વ્યક્તિ માટે અવકાશની યાત્રા શક્ય નથી કારણકે શારીરિક અને માનસિક રીતે ફીટ વ્યક્તિ જ અવકાશની સફર ખેડી શકે છે તે કારણ જ છે કે નાસા પણ તેના અવકાશયાત્રિઓને માત્ર છ મહિના જ અવકાશમાં રહેવાની મંજુરી આપે છે.વધારે સમય અવકાશમાં રહેવાને કારણે હાડકા નબળા પડી જાય છે તેના કારણે દૃષ્ટિની શક્તિ પણ ક્ષીણ થઇ શકે છે.આ ઉપરાંત અન્ય આરોગ્ય વિષયક સમસ્યાઓ ઉદ્‌ભવી શકે છે.નાસા અને અન્ય કંપનીઓ અને નિષ્ણાંતો પણ આ સમસ્યા પ્રત્યે સાવચેત છે.
છેલ્લી એક સદીમાં વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિએ અનેક પરિવર્તન આણ્યા છે અને તે કારણે પૃથ્વી પહેલા જેવી રહી નથી.એક સમયે વાહન વ્યવહાર અને દુર દેશોની યાત્રાઓ માટે વહાણો યોગ્ય સાધન હતા પણ ત્યારબાદ વિમાનની શોધ થઇ અને લોકોએ તેનો ઉપયોગ કરવો શરૂ કર્યો હાલ તો વાહનવ્યવહારનાં મામલે ક્રાંતિ જ આવી ગઇ છે અને બધુ ઘણું ઝડપી બની ચુક્યુ છે.જો કે તે આપણાં પર્યાવરણને બહુ નુકસાન પહોંચાડી રહ્યુ છે તેના તરફ કોઇનું ધ્યાન જતું નથી.પ્રકાશ અને અવાજનાં પ્રદુષણને કારણે ઘણી મુશ્કેલીઓનો જન્મ થયો છે.થોડા દાયકાઓ પહેલા અવાજનું પ્રદુષણ અસ્તિત્વ જ ધરાવતું ન હતું કારણકે ત્યારે હવામાં વિમાનો ઉડતા ન હતા કે ના તો આપણી આસપાસ વિશાળ પાવર પ્લાન્ટ હતા.ત્યારે વાતાવરણ શુદ્ધ અને શાંત હતું.ત્યારે તો રાત્રિનાં સમયે વ્યસ્ત શહેરો પણ શાંત થઇ જતા હતા.હાલમાં એ સ્થિતિ ફરી બહાલ થાય તે શક્ય નથી.
ઇલોન મસ્ક બહુ મેધાવી વ્યક્તિ છે જે ઇલેક્ટ્રોનિક કાર પર કામ કરી રહ્યાં છે અને લોકોને ચેતવણી આપી રહ્યાં છે કે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સી માનવજાત માટે નુકસાનકારક સાબિત થશે.તે પોતાની સ્પેસ કંપની માટે સોલાર પાવર પર પણ કામ કરી રહ્યાં છે.તે લોસ એન્જલસથી સાન ફ્રાંસિસ્કો વચ્ચે એક વિશાળ ટ્યુબનું નિર્માણ કરવા માંગે છે જેમાં તે લોકોેને ૮૦૦ માઇલ પ્રતિકલાકની ઝડપે સફર કરાવવા માંગે છે.જો કે તેમની યોજના પેપર પર તો અદભૂત લાગે છે પણ કેટલાકે તેની સામે વાંધાઓ ઉઠાવ્યા છે.તેમનું કહેવું છે કે માણસ આટલી ભયંકર ઝડપનો આદિ નથી તે તેને સહન કરી શકે નહી ભલેને તે સીધી દિશાની મુસાફરી કેમ ન હોય.તેમાં જો ટ્યુબમાં સહેજ પણ ખામી આવે તો તે ભારે તબાહીનું કારણ બની શકે છે.જો કે મસ્કે માત્ર પાંચ માઇલ પ્રતિકલાકની ઝડપે સફર કરાવવાની પણ ઓફર મુકી છે જે લોકોને હાલ તો યોગ્ય લાગી રહી છે અને તે જોવા માંગે છે કે મસ્ક તેના પર કેટલી ઝડપે કામ કરે છે.
થ્રીડી પ્રિન્ટરની વાતો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે પણ આ દિશામાં હજી જોઇએ તેટલું કામ થયું નથી.તેનું એક કારણ એ પણ છે કે આ ટેકનોલોજી હાલ દરેકને પરવડે તેટલી સસ્તી નથી.કેટલીક કંપનીઓ આ મશીનનો કઇ રીતે કોમર્સિયલ ઉપયોગ થઇ શકે તે દિશામાં કામ કરી રહી છે.
જો કે થોડા સમયમાં થ્રીડી પ્રિન્ટર કદાચ દરેકને ઉપલબ્ધ થઇ શકે છે.જો કે થ્રીડી પ્રિન્ટરની સાથે તેની સાથે સંકળાયેલ સમસ્યાઓ પર પણ લોકો વિચાર કરી રહ્યાં છે.થ્રીડી પ્રિન્ટરમાં મોટાભાગે જે પ્લાસ્ટીક ફિલામેન્ટનો ઉપયોગ થાય છે ખાસ કરીને તેની ચિપમાં તે પર્યાવરણ માટે ભારે હાનિકારક છે.આમેય હાલમાં પ્લાસ્ટીક આખા વિશ્વની સમસ્યા બની ચુક્યું છે ત્યારે તેનો ઉપયોગ ઘટાડવાની લોકોને અપિલ કરાઇ રહી છે ત્યારે થ્રીડી પ્રિન્ટરનો ઉપયોગ પણ પર્યાવરણ માટે તો હાનિકારક જ સાબિત થાય તેમ છે.
લેસર ટેકનોલોજીનો હાલમાં વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે ખાસ કરીને રમકડાઓમાં તેનો ઉપયોગ ભારે હાનિકારક સાબિત થાય તેમ છે.છોકરાઓમાં કેટલીક વસ્તુઓની હાનિકારતા અંગે જાગૃત્તિ હોતી નથી તેવામાં આ લેસરનાં રમકડા તેમનાં માટે પણ નુકસાનકારક સાબિત થાય તેમ છે તેનાથી તેમની જ આંખોને નુકસાન થઇ શકે છે.લેસરનાં કિરણો દુર સુધી સફર કરી શકે છે તેવામાં તે હવામાં ઉડતા વિમાનોનાં પાયલોટને પણ નુકસાન પહોંચાડી શકે છે.આ કારણ જ અમેરિકામાં તો વિમાન તરફ લેસર કિરણો ફેંકવા એ ગંભીર ગુનો માનવામાં આવે છે.કેટલાક દેશોમાં તો તેના રમકડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આપણે પણ જો આ પ્રકારના રમકડા ઘરમાં રાખતા હોઇએ તો બાળકોને એ સુચન આપવું જોઇએ કે તેઓ તે કોઇ કાર, પ્લેન કે વ્યક્તિનાં ચહેરાને નિશાન ન બનાવે.
બહુ ટુંકાગાળામાં ઇન્ટરનેટે ક્રાંતિ આણી છે.હાલ તો ઇન્ટરનેટ એક વળગણ બની ચુક્યું છે દરેક હાથમાં મોબાઇલ આવી ગયા બાદ લોકો સતત પોતાનો ફોન ચેક કરતા હોવાનું જોવા મળી રહ્યું છે.તેના વિના નાતો સવાર પડે છે ના તો તેના વિના રાત પડે છે.આ ટેકનોલોજીએ લોકોને એક સાથે સાંકળવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.કોઇપણ માહિતી સેકન્ડમાં મળી જતી હોય છે.જો કે દરેક બાબતની જેમ સાઇડ ઇફેક્ટ હોય જ છે તેવી જ રીતે ઇન્ટરનેટ પણ અનેક સમસ્યાઓ માટે કારણરૂપ બની રહ્યું છે.ટેકનોલોજીનો ઉપયોગ સારા માણસો જ્યારે સારા ઉદ્દેશ્ય માટે કરે ત્યારે તે આશિર્વાદરૂપ બની જાય છે પણ જ્યારે બિમાર માનસિકતા ધરાવતા લોકોનાં હાથમાં તે આવી જાય ત્યારે તે ઘણી સમસ્યાઓને જન્મ આપનાર બની રહે છે.આ પ્રકારનાં લોકો માટે ઇન્ટરનેટ તેમનાં ફાયદાનું સાધન બની રહે છે અને તે કારણે જ અનેક પ્રકારની છેતરપિંડી, સાયબર અપરાધ વધી રહ્યાં છે.લોકોનું માઇન્ડ વોશિંગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે લોકો ઇન્ટરનેટ વડે આતંકવાદીઓની ભરતી કરતા હોવાનું કે લોકોને પોતાની વિચારધાર તરફ વાળવા માટે તેનો ઉપયોગ કરતા હોવાની વાત નવી નથી.

Related posts

ભારતમાં ભયાનક દુકાળ, ૪૭ ટકા પ્રજાને અસર

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ચૂંટણી એટલે રાજકારણ : કલમ-૩૫૬નો ઉપયોગ પક્ષીય રાજકારણ : શિડ્યુલ્ડ કાસ્ટસ ફેડરેશનના કાર્યકર્તાની સભાને સંબોધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1