Aapnu Gujarat
ગુજરાત

પે એન્ડ યુઝની તીવ્ર અછત વચ્ચે પગલા સામે સવાલો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા નાગરિકો માટે પબ્લિક યુરિનલ, કોમ્યુનિટી ટોઇલેટ બનાવવામાં આવે છે, પરંતુ શહેરનાં અનેક પબ્લિક યુરિનલ એટલી હદે ગંદાં હોય છે કે ત્યાં પગ મૂકી શકાતો નથી. પબ્લિક યુરિનલનાં વોશ બેસિન, પાઇપ વગેરે ઉખાડનારાં અસામાજિક તત્ત્વો પણ તેની ગંદકી માટે એટલાં જવાબદાર છે. જો કે સત્તાવાળાઓનું પે એન્ડ યુઝ-ટોઇલેટમાં પણ આયોજન આડેધડ જ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ સાત ઝોન પૈકી પૂર્વ ઝોનની તો પે એન્ડ યુઝના મામલે સદંતર ઉપેક્ષા કરાઇ છે. નિકોલ, વિરાટનગર, ગોમતીપુર, ઓઢવ, વસ્ત્રાલ, ભાઇપુરા-હાટકેશ્વર, અમરાઇવાડી અને રામોલ-હાથીજણ એમ શહેરના કુલ ૪૮ વોર્ડ પૈકી આઠ વોર્ડનો સમાવેશ ધરાવતા પૂર્વ ઝોનની પે એન્ડ યુઝના મામલે પણ તંત્રના અણઘડ આયોજનનાં કારણે ઉપેક્ષા કરાઇ છે. સમગ્ર પૂર્વ ઝોનમાં ફક્ત અને ફક્ત પાંચ પે એન્ડ યુઝ છે. આમ, શહેરમાં પે એન્ડ યુઝની ટોઇલેટની તીવ્ર અછત વચ્ચે અમ્યુકો તંત્રની દંડનીય કાર્યવાહીને લઇ હવે સવાલો અને ચર્ચા ઉઠી રહ્યા છે. વસ્ત્રાલ વોર્ડના એક મહિલા કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરપર્સનપદે રહી ચૂક્યાં છે અને આ જ વોર્ડના પુરુષ કોર્પોરેટર અત્યારે હેલ્થ કમિટીનું ચેરમેનપદ શોભાવી રહ્યા છે તેમ છતાં પે એન્ડ યુઝ માટે સત્તાધીશો યોગ્ય આયોજન કરી શક્યા નથી. મેગા સિટી અમદાવાદનું કુલ ક્ષેત્રફળ ૪૬૬ ચોરસ કિમીનું છે અને વસ્તીનો વિસ્ફોટ સતત થઇ રહ્યો હોઇ અત્યારે ૬પ લાખ લોકો શહેરમાં વસવાટ કરે છે. તેમ છતાં શહેરને સ્માર્ટ સિટી બનાવવાનાં બણગાં ફૂંકતા સત્તાવાળાઓની દીર્ઘદૃષ્ટિના અભાવે હાલમાં સમગ્ર શહેરમાં માત્ર ૧૮૦ પે એન્ડ યુઝ છે એટલે કે શહેરીજનો માટે દર અઢી કિલોમીટરના ક્ષેત્રફળમાં ફક્ત એક પે એન્ડ યુઝ છે. આ પે એન્ડ યુઝની ઝોનવાઇઝ વિગત તપાસતાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૪૯, દક્ષિણ ઝોનમાં, ૪પ પશ્ચિમ ઝોનમાં ૩૯, ઉત્તર પશ્ચિમ ઝોનમાં રપ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૭ પે એન્ડ યુઝ છે. બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા આગામી જૂન મહિનામાં ટ્રાફિક પોલીસ સાથે મળીને ગંદકી, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, જાહેરમાં પેશાબ કરનાર કે થૂંકનાર નાગરિક પાસેથી સ્થળ પર જ આકરો દંડ વસૂલવાની જાહેરાત કરાઇ છે. તંત્ર દ્વારા આદત બદલો, શહેર બદલો ઝુંબેશ શરૂ કરનાર છે ત્યારે તેની સાથે-સાથે નાગરિકોને પે એન્ડ યુઝ જેવી સારી સુવિધા આપવી પણ એટલી જ જરૂરી છે. છેલ્લા સાત દિવસમાં શહેરમાં પેશાબ કરનારા ૧૦પ નાગરિકો પાસેથી રૂ.૧૦,૬૦૦નો દંડ ફટકારતાં તંત્રની લાલ આંખથી શહેરને ગંદું-ગોબરું કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જાહેરમાં થૂંકવા કે પેશાબ કરનાર સામે રૂ.૧૦૦નો દંડ લેવાઇ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસની દેશમાં પહેલી વખત જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરાઇ છે. આ ટીમ આગામી તા.૧૦ જૂનથી પચાસ ઇ-રિક્ષામાં ફરીને શહેરના તમામ ૪૮ વોર્ડમાં સઘન ચકાસણી હાથ ધરાશે, જોકે અગાઉ સત્તાવાળાઓએ ધૂમ્રપાન (સ્મોકિંગ) વિરોધી ઝુંબેશને જોરશોરથી શરૂ કરી હતી. જાહેરમાં ધૂમ્રપાન કરતા લોકોને તંત્રે દંડ્‌યા હતા. ખારીકટ કેનાલ વિસ્તારમાંથી પણ ધૂમ્રપાનના મામલે નાગરિકો પાસેથી રૂ.ર૦૦ સુધીનો દંડ વસૂલ્યો હતો. જો કે હવે જાહેરમાં ધૂમ્રપાન કરનારા દંડાતા નથી. તંત્ર દ્વારા સ્મોકિંગ વિરોધી ઝુંબેશને પડતી મુકાઇ છે. સ્મોકિંગ વિરોધી ઝુંબેશ હેઠળ તમાકુ નિયંત્રણ અધિનિયમ-ર૦૦૩ અંતર્ગત શહેરીજનો સામે દંડાત્મક કાર્યવાહી કરાતી હતી. હવે આ કાયદા હેઠળ જાહેરમાં થૂંકનાર કે જાહેરમાં પેશાબ કરનાર સામે કાર્યવાહીને વધુ ઉગ્ર બનાવવાની હોઇ બે-ત્રણ મહિનામાં સ્મોકિંગ વિરોધી ઝુંબેશની જેમ ઝુંબેશ પણ પડતી મુકાશે કે શું તેવી ચર્ચા છે.

Related posts

३५ हजार फर्जी कंपनी ने डिपॉजिट किए १७ हजार करोड़

aapnugujarat

વકીલોની વિવિધ માંગને લઇ બીસીઆઇની મોદીને રજૂઆત

aapnugujarat

ઝરવાણી ધોધને પ્રવાસન સ્થળ બનાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1