Aapnu Gujarat
ગુજરાત

રિડેવલપમેન્ટ ઈચ્છુક ૧૦૦૦ સોસાયટીનો માર્ગ મોકળો થયો

અમદાવાદ સહિત રાજ્યભરમાં રપ વર્ષ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ માટેના કાયદા અંગેનું નોટિફિકેશન જાહેર થતાંની સાથે જ રિડેવલપમેન્ટ ઈચ્છતી ૧૦૦૦થી વધુ સોસાયટીનો માર્ગ મોકળો થયો છે. રિડેવલપમેન્ટના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર નવી સ્કાયલાઇન ઊભી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો બીજીબાજુ, રિડેવલપમેન્ટના ઓઠા હેઠળ બિલ્ડર લોબી, તેમના મળતીયાઓ અને સોસાયટીના હોદ્દેદારો રિડેવલપમેન્ટ પ્રોજેકેટમાં સભ્યોને અંધારામાં રાખી કયાંક ફાયદો ના ઉઠાવી જાય તેવા ગંભીર સવાલો પણ હવે ઉઠી રહ્યા છે. કારણ કે, બિલ્ડરો અને સોસાયટીના આગળ પડતા હોદ્દેદારો બંધબારણે બેઠક કરી સોદાબાજી કરી નાંખે તો સભ્યોને સસ્તામાં ન્હાઇ નાંખવાનો વારો આવે. આ સંજોગોમાં સોસાયટીના દરેક સભ્યે રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં બહુ સજાગ અને સાવધાન રહેવું જોઇએ તેવી સ્થિતિ બની છે. શહેરના નવરંગપુરા, પાલડી, નારણપુરા અને વાસણા, બોડકદેવ, બોપલ, સેટેલાઇટ, આંબાવાડી, થલતેજ, નારણપુરા, ગોતા, સરખેજ, મકરબા, વેજલપુર, માણેકબાગ, શિવરંજની, નહેરુનગર વિજય, કોમર્સ છ રસ્તા, મેમનગર, મણિનગર, નરોડા, ખોખરા સહિત પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં લગભગ ૧૦૦૦ હાઉસિંગ સોસાયટી એવી છે, જયાં રિડેવલમેન્ટની શકયતાઓ ચકાસાઇ રહી છે. આ વર્ષે શહેરની પૂર્વ અને પશ્ચિમની મળીને પ૦૦ જેટલી સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જઈ શકે છે, સાથે પ૦૦ જેટલી સોસાયટીઓ આ અંગે વાટાઘાટ કરી શકે છે, જો કે, રિડેવલપમેન્ટ વાયેબલ નથી, કેમ કે રિડેવલપમેન્ટમાં કોન્ટ્રાક્ટર કે ડેવલપર પાસે જગ્યા ટ્રાન્સફર થાય ત્યારે અને તે જગ્યા મેમ્બરને પાછી મળે ત્યારે આ બંને ટ્રાન્ઝેક્શનમાં ૧૮ ટકા બે વાર જીએસટી ભરવો પડે. જૂની પ્રોપર્ટી પર જીએસટી અંગેની કોઈ સ્પષ્ટતાની જોગવાઈ હાલમાં નથી. બીજું બિલ્ડર કે ડેવલપર જ્યારે જે તે મિલકતધારક સાથે એગ્રીમેન્ટ કરે ત્યારે સ્ટેમ્પડ્‌યૂટી ભરવી પડે. આ ડ્‌યૂટી માત્ર નવાં મકાન વેચાય એટલે કે મેમ્બરની મિલકત સિવાયની મિલકતનું નવું વેચાણ થાય ત્યારે જ લાગવી જોઈએ. રિડેવલપમેન્ટમાં ૪૦ ટકા એમિનિટીઝ કે સગવડ આપવાની હોય ૪૦ ટકા જગ્યા આપવાની થાય તો પ્રોજેક્ટ વાયેબલ ન બને એટલું જ નહીં જૂની અને નવી એફએસઆઈ માર્જિન હોય તેની રકમ કોણ ભરે તે સ્પષ્ટતા પણ સરકાર દ્વારા કરવામાં આવી નથી. ગાહેડ, ક્રેડાઇ સહિતની સંસ્થાઓ દ્વારા તો, રાજ્ય સરકારને ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવી રિડેવલપમેન્ટ પોલિસી અપનાવવામાં આવે તેવી વિનંતી કરી છે. રિડેવલપમેન્ટમાં કેટલીક કાયદાકીય ગૂંચ પણ છે. અશાંતધારા વિસ્તારમાં આવતી સોસાયટીઓને ઘણી મુશ્કેલી પડે તેમ છે. અશાંતધારાની જોગવાઈ મુજબ ધર્મ-જાતિનું સંતુલન ખોરવાય તો તેવી સોસાયટીઓનું શું કરવું તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આવા વિસ્તારમાં પણ ઘણી સોસાયટીઓ છે, જે રિડેવલપમેન્ટમાં જવા માગે છે. રિડેવલપમેન્ટના ફાયદાની સાથે સાથે મોટી દહેશત અને જોખમ એ છે કે, બિલ્ડરો-ડેવલપર જે તે સોસાયટીના આગળ પડતા ચાર-પાંચ હોદ્દેદારો સાથે બેઠક કરી આખી સોસાયટીનો પ્રોજેકટ હાથ પર લઇ લે અને આ ચાર-પાંચ હોદ્દેદારોને સાચવી લે એટલે કે, તેમના મકાનોમાં વધુ જગ્યા, એકથી વધુ મકાન કે ફલેટ અને અન્ય ફાયદા અપાવી તેઓને હાથ પર લઇ લે, જેથી સોસાયટીના બાકીના સભ્યો સાથે તેમને બહુ માથાકૂટ કરવી ના પડે.
આવા કિસ્સામાં જો સભ્યો સજાગ કે સાવધાન ના રહે તો, તેમને સસ્તામાં ન્હાઇ નાંખવાનો વારો આવે અને તેમને તેમના મકાનની ધારી કિંમત કે જૂના મકાન પ્રમાણે જગ્યા કે, ફાળવણી ના મળે તેવી પણ શંકા છે. આ સંજોગોમાં હવે રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો પણ સભ્યોના હિતને લઇ બહુ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે જનજીવન સંપૂર્ણ ઠપ થયું

aapnugujarat

अहमदाबाद जिले में पिछले २ वर्ष में ४.४१ लाख दस्तावेजों का रजिस्ट्रेशन

aapnugujarat

वडोदरा में बाढ़ के १७ दिन बाद भी नहीं मिली सहायता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1