Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

શનિ અમાવસ્યાના દિવસે મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

આજે શનિવાર, ચૈત્રી અમાસ એટલે કે, સૂર્યપુત્ર શનિદેવની અમાવસ્યાને લઇ શહેરના વિવિધ શનિમંદિરોમાં શનિ મહારાજના ભવ્ય પૂજન, હોમ-હવન અને મહાઆરતી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શહેરના દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિરમાં આજે શનિદેવ અમાવસ્યાની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું. દૂધેશ્વરના શનિમંદિર, ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર સહિતના અનેક શનિદેવ અને હનુમાનજી મંદિરોમાં આજે શનિ અમાવસ્યાને લઇ ભવ્ય મહાઆરતી અને હોમ-હવન, યજ્ઞનું આયોજન કરાયું હતું. તો શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શનિમંદિરોમાં શનિ અમાવસ્યાની ભવ્ય ઉજવણી ઉપરાંત, તેલ અભિષેક અને વિશેષ પૂજા-મહાઆરતીનું આયોજન કરાયું હતું. આજે શનિદેવ અને પિતૃઓની કૃપા મેળવવાનો મહામૂલો અવસર હોઇ હજારો શ્રધ્ધાળુ શનિભક્તો શનિમંદિર અને હનુમાનજી મંદિરોમાં ઉમટયા હતા. તો બીજીબાજુ, પિતૃતર્પણ માટે લોકો નર્મદા ઘાટે મોટી સંખ્યામાં ઉમટયા હતા. શહેરના દૂધેશ્વર વિસ્તારમાં ધોબીઘાટ પાસેના અતિપ્રાચીન શનિમંદિરમાં આજે સૂર્યપુત્ર શનિ અમાવસ્યા ઉજવણીનું વિશેષ આયોજન કરાયું હતું. ૧૦૮ વર્ષ જૂના શનિમંદિરના મહારાજ લાલચંદજી ભાર્ગવ અને રવિ મહારાજે જણાવ્યું હતું કે, દૂધેશ્વર સ્થિત આ શનિમંદિર અતિપ્રાચીન અને અનન્ય મહાત્મ્ય ધરાવે છે. આજે શનિ અમાવસ્યા નિમિતે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ શનિ મહારાજના દર્શનાર્થે ઉમટયા હતા. આજે શનિદેવને ખાસ પ્રકારે મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આજે સવારે ૧૦-૦૦ વાગ્યાથી રાત્રે ૧૧-૦૦ વાગ્યા સુધી શનિદેવને ૧૦૮ આહુતિ આપવાનો ભવ્ય હોમ-હવન અને યજ્ઞ યોજાયો હતો. ત્યારબાદ બપોરે ૧૨-૦૦ વાગ્યે શનિ મહારાજની ભવ્ય મહાઆરતી યોજાઇ હતી. ઉપરાંત, શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શનિકથા સહિતના પૂજા-કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારે ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે તેમ જ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ખડોલ શનિધામ ખાતે પણ શનિ અમાવસ્યા નિમિતે શનિ મહારાજના મહાઆરતી અને હોમ-હવન સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. તો, અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર, એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પર આવેલા મારૂતિનંદન મંદિરમાં આવેલ શનિમંદિરમાં પણ શનિ મહારાજની શનિ અમાવસ્યાની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હતું. આજે શનિભકતોએ શનિ મહારાજને શ્રધ્ધાળુ ભકતો તેલ, અડદ, સરસીયુ તેલ, તલ, ઇન્દ્રજવ, નીલમ, કામલી, કાળા વસ્ત્રો, ગોળ-ચણા, લોખંડ અર્પણ કરી તેનું દાન કર્યું હતું. કારણ કે, તેનો અનેરો મહિમા છે. શનિદેવ એ ન્યાયના દેવતા છે. શનિ મંદિરોમાં ઓમ્‌ શં શનૈશ્વરાય નમઃ ના મંત્રો ગુંજી ઉઠયા હતા. આજે શનિવાર, અમાસ અને શનિ અમાવસ્યાનો શુભ યોગ હોઇ તેમ જ શનિદેવ અને પિતૃઓની કૃપા મેળવવાનો મહામૂલો અવસર હોઇ શનિભક્તોની શનિ મંદિરો અને હનુમાનજી મંદિરોમાં ભારે ભીડ જામી હતી અને મોડી રાત સુધી શ્રધ્ધાળુઓએ શનિદેવના દર્શન માટે શનિમંદિરો અને હનુમાનજી મંદિરોમાં લાંબી લાઇનો લગાવી દર્શન માટે પડાપડી કરી હતી. તો, પિતૃતર્પણ માટે અને પિતૃઓની કૃપા તેમ જ આશીર્વાદ મેળવવા માટે નર્મદા ઘાટે ભીડ જોવા મળી હતી.

Related posts

દિયોદર ખાતે ઉતર ગુજરાત ભારત વિકાસ પરિષદ ૨૦૧૯ દ્વારા દિયોદર ખાતે ભારત કો જાનો સ્પર્ધા તેમજ પ્રશ્ન મંચ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

SC rejects Asaram Bapu’s bail plea for Sexual assault case in Gujarat

aapnugujarat

गृहमंत्री बनने के बाद ३० जून को कश्मीर जाएंगे अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1