Aapnu Gujarat
ગુજરાત

તાપી, ભાવનગર, છોટાઉદેપુર, બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પાણી માટે વલખા

છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમં સૂરજ દાદા પોતાનો પ્રકોપ બતાવી રહ્યા છે. બીજી તરફ ગરમીની સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. કચ્છમાં પાણીની સાથે સાથે ઘાસચારાની પણ સમસ્યા છે. આ ઉપરાંત તાપી, ભાવનગર, છોટાઉદેપુર, બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ભાવનગર જિલ્લામાં તો એવું ગામ છે જ્યાં લોકો અને પશુઓ માટે પાણીનો સ્ત્રોત એકમાત્ર કૂવો છે. આ ઉપરાંત અનેક ગામોમાં એવું દુષિત પાણી આવે છે કે તેનાથી ચા પણ નથી બનાવી શકાતી.ઉકાઇ ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો બચ્યો છે. ડેમ પર નિર્ભર લોકો પાણીની આગામી સમસ્યાની લઇને ફફડી ઉઠ્યા છે. ડોલવણ ગામના સ્થાનિક ગીતાબેન ગામીત જણાવે છે કે, અમારે ત્યાં ૧૭ વર્ષતી પાણીની સમસ્યા છે. ગામના કૂવામાં પણ પાણી નથી. વાપરવાનું તો છોડો પરંતુ અહીં તો પીવાના પાણીની પણ સમસ્યા છે. સોનગઢના એક સ્થાનિક રેહાનાબેન ગામિત કહે છે કે, સવારથી જ લોકોએ પાણી માટે રઝળવું પડે છે. ગામની મહિલાઓએ એક એક કિલોમીટર દૂર પાણી માટે જવું પડે છે.દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની વાત કરવામાં આવે તો ડેમની સપાટી ૨૯૪.૩ ફૂટ છે. ડેમમાં ૧૪.૭૫ ટકા જ પાણીનો લાઇવ સ્ટોક છે. હાલ ડેમમાંથી પીવા માટે પાણી છોડવામાં આવે છે. અધિકારીઓના કહેવા પ્રમાણે ચોમાસા સુધી ડેમમાંથી પીવા માટે પાણી પહોંચાડી શકાશે. પરંતુ જો ચોમાસું ખેંચાશે તો મુશ્કેલી પડી શકે છે. ભાવનગર જિલ્લામાં પણ પાણી માટે પોકાર થઈ રહ્યો છે. અહીં ૩૫૦૦ની વસ્તી ધરાવતા કુડા ગામમાં પાણીના સ્ત્રોત ફક્ત એક કૂવો જ છે. સ્થાનિકો કહે છે કે અમારે પીવા માટે તેમજ પશુઓ માટે ફક્ત એક જ કૂવો છે. ગામના લોકોએ પૈસા આપીને પાણી ખરીદવું પડે છે. કુડા ગામના સરપંચ રઘુભાઈ કહે છે કે અમારા ગામ સુધી ચાર કિલોમીટર પાઇપ લાઇન નાખેલી છે, પરંતુ પાંચ વર્ષથી એમ જ પડી રહેવાને કારણે તેમાં ભંગાણ થઈ ગયું છે.ભાવનગર જિલ્લામાં ૬૬૧ પૈકી ૪૪૪ ગામમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર કે.કે. બોડારના જણાવ્યા પ્રમાણે અમે અહીં ફ્લોટિંગ પ્લેટફોર્મ ગોઠવ્યું છે. શૈત્રુંજી ડેમમાંથી પમ્પિંક કરીને પાણીને બહાર લાવવામાં આવશે. આગામી દિવસોમાં કોઈ તકલિફ નહીં પડે.છોટાઉદેપુરમાં હાલ ટેન્કરનું રાજ ચાલી રહ્યું છે. અહીં મહિલાઓએ પાણી માટે ’પદયાત્રા’ કરવાની નોબત આવી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વડગામ, માલુવસાહત, ગધેર વસાહતમાં હાલ ટેન્કરથી પાણી આવે છે. ટેન્કર આવતા જ અહીં લાઇનો લાગે છે. ટેન્કર ન આવે તેવા કિસ્સામાં મહિલાઓ બે કિલોમીટર દૂર જઈને બેડા વડે પાણી ભરે છે. આ જિલ્લામાં આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે. અહીં અમુક ગામમાં આવતું પાણી એટલું દુષિત છે કે તેનાથી ચા બનાવવામાં આવે તો તે પણ ફાટી જાય છે.ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનસાકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો તળિયા દેખાઈ ગયા છે. આવી પરિસ્થિતિને કારણે પશુપાલકો, ખેડૂતો અને લોકોની હાલત કફોડી બની છે. જિલ્લાના દાંતીવાડા ડેમમાં ફક્ત ૭.૯૧ ટકા પણી છે, સિપુ ડેમમાં ફક્ત ૯ ટકા પાણી છે, મોકેશ્વર ડેમમાં ફક્ત ૧૪ ટકા પણી બચ્યું છે. પાંચ લાખથી વધારે હેક્ટર જમીન વાવેતર લાયક હોવા છતાં જિલ્લામાં માત્ર ૨.૪૩ લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે.છેલ્લી ત્રણ ચૂંટણીથી દાંતીવાડા ડેમમાં સરકાર પાણી છોડવાની વાતો કરે છે, પરંતુ હજુ સુધી મંજૂરી નથી મળી. દાંતીવાડા ડેમ અધિકારી એ.ઝેડ. રજુબના જણાવ્યા પ્રમાણે, નર્મદાની પાઇપલાઇનમાં હાલ પાણી આવતું નથી. આ પાણી ક્યારે આવતે તેની કોઈ ખબર નથી. વાવ, થરાદની હાલત ખૂબ જ ખરાબ બની છે. મહિલાઓએ ત્રણથી ચાર કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે.
નવસારી જિલ્લાની હાલત એવી છે કે ગામડાઓમાં જ નહીં પરંતુ શહેરમાં પણ લોકો પાણી માટે લાઇન લગાવી રહ્યા છે. પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાલાયક ન હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. વોર્ડ નંબર ૧, ૭ અને ૮ના રહીશો દુષિત પાણીથી પરેશાન છે. સ્થાનિકો કહી રહ્યા છે કે છ મહિનાથી આ સમસ્યા છે, પરંતુ મત લેવા માટે રાજકારણીઓ લાઇનો લગાવે છે, પરંતુ અમે પાણી માટે લાઇનો લગાવીએ છીએ તે કોઈને નથી દેખાતું.વોટર વર્ક્સ ચેરમેન, ત્રિભોવન ચાવડાએ જણાવ્યું કે, નવસારી નગરપાલિકાએ છ બોર બનાવ્યા હતા, જેમાંથી ત્રણ બોરમાં સારું પાણી આવ્યું છે જ્યારે ત્રણ બોરમાં ખરાબ પાણી આવે છે. હાલ આ પાણીને મિક્સ કરીને આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જ્યાં સમસ્યા છે ત્યાં પાણીને ફિલ્ટર કરીને આપવામાં આવી રહ્યું છે.

Related posts

વિજય બાદ હવે મુખ્યમંત્રી કોણ તેની પર સૌની નજર : ભાજપ મોવડીમંડળ દ્વારા ટૂંકમાં જ નિર્ણય લેવાશે

aapnugujarat

અમદાવાદીઓ સુધરી ગયા

aapnugujarat

મોદી લોકોને ભાવનાત્મકરીતે ગુમરાહ કરે છે : રાજીવ શુકલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1