Aapnu Gujarat
ગુજરાત

કાળઝાળ ગરમીમાં અમદાવાદ શહેરમાં વધુ ૩૦ બોરનું નિર્માણ થશે

ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે શહેરીજનો તોબા પોકારી ઊઠ્‌યા છે. ગરમીના પ્રકોપને લઇ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં જળસંકટ ઊભું થયું છે ત્યારે અમદાવાદમાં પણ પાણીની સમસ્યા સર્જાય તેવી દહેશત પ્રવર્તી રહી છે. સાબરમતી નદીમાંથી મળતો પાણીનો પુરવઠો આગામી દિવસોમાં ઘટે તેવી શક્યતા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ હવે નવા જળસંકટને પહોંચી વળવા શહેરમાં વધુ ૩૫ બોર બનાવવાનો નિર્ણય કર્યો છે. શહેરીજનોના જળસંકટના નિવારણ માટે અમ્યુકો તંત્ર દ્વારા નવા બોર સંદર્ભે હવે ઝડપથી કામગીરી પણ હાથ ધરાઇ છે. ગયા ઉનાળાની સીઝન દરમ્યાન અમ્યુકો તંત્ર દ્વારા શહેરમાં ૩૦ નવા બોર બનાવાયા હતા. નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા રાસ્કા કેનાલ, જાસપુર, કોતરપુર વગેરે સ્રોતથી મહી અને નર્મદાનાં સરફેસ વોટર ઉપરાંત બોર આધારિત પાણી પૂરું પડાય છે. પ્રતિ નાગરિક ૧૪૦ લિટર પાણી પૂરું પાડવા માટે તંત્ર દ્વારા શહેરમાં પ૮૦થી વધુ બોર ચલાવાઇ રહ્યા છે. શહેરમાં ઉનાળાની ત્વચાને દઝાડે તેવી ગરમી પડવા લાગતાં પાણીની બૂમ પણ પડવા લાગી છે. અનેક વિસ્તારમાં લોકોને પાણી પૂરું પાડવા તંત્રનાં ભાડેથી મેળવાયેલાં ટેન્કર દોડી રહ્યાં છે, જોકે પાણીની તંગી અનુભવતા વિસ્તારોની દૃષ્ટિએ આ ટેન્કર ઓછાં પડતાં હોઇ નાગરિકોને મોંઘા ભાવે ખાનગી ટેન્કર બોલાવવાં પડે છે. તંત્ર દ્વારા દરરોજ રાસ્કામાંથી ર૦૦ એમએલડી, જાસપુરમાંથી ર૭૦ એમએલડી, કોતરપુરમાંથી ૭પ૦ એમએલડી ઉપરાંત સત્તાવાળાઓને જે તેે વિસ્તારની પાણીની ટાંકી સાથે જોડાયેલા ર૮૦ બોર અને છૂટાછવાયા વિસ્તારને પાણી પૂરું પાડતા ર૮૮ બોર મળીને કુલ પ૬૮ બોર આધારિત પાણી પણ મેળવવું પડે છે. બોર આધારિત પાણી પુરવઠામાં પાણીની ટાંકી સાથે જોડાયેલા બોરમાંથી રોજનું ૧૪૦ એમએલડી અને છૂટાછવાયા વિસ્તારમાં પાણી પૂરું પાડતા બોરમાંથી રોજનું ૧૦પ એમએલડી મળીને કુલ ર૪પ એમએલડી પાણી મળતું હોઇ આ તમામ બોર ચલાવવા પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી દર મહિને રૂ.૮ કરોડ ખર્ચાઇ રહ્યા છે. ગયા ઉનાળાની સરખામણીમાં ચાલુ વર્ષે દર મહિને તંત્ર દ્વારા લાઈટબિલમાં રૂ. ૨૦ થી ૨૫ લાખ વધારે ચૂકવાઈ રહ્યા છે, જોકે એનર્જી સેવિંગ્સના ઉપાય કરવાથી લાઈટબિલમાં ખાસ્સો ઘટાડો થયો હોવાનો દાવો પણ તંત્રનો છે. છેલ્લાં બે ચોમાસાં મહદ્‌અંશે નિષ્ફળ નીવડ્‌યાં હોઇ ગયા ઉનાળાની સરખામણીમાં આ ઉનાળામાં પાણીનાં તળ અંદાજે ૧પ થી ર૦ ફૂટ ઊંડાં ઊતર્યાં હોઇ ૪૦૦ ફૂટની ઊંડાઇથી પાણી મળી રહ્યું છે, જેના કારણે હવે એક બોર બનાવવા માટે રૂ. ર૦ લાખનો ખર્ચ થઈ રહ્યો છે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આદેશથી ગયા ઉનાળામાં નાગરિકોને પાણી પૂરું પાડવા માટે ૩૦ નવા બોર બનાવાયા હતા, જ્યારે આ ઉનાળામાં ર૪ નવા બોર પૈકી ર૧ બોર ધમધમવા લાગ્યા છે અને ત્રણ બોર નિર્માણના વિવિધ તબક્કામાં છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આદેશથી વધુ ર૧ નવા બોર બનાવવાની તૈયારીઓ થઇ રહી છે. આમ, આ ઉનાળામાં નવા કુલ ૩પ બોર બનશે. નવા બનનારા બોર્ડમાં મ્યુનિ. કોર્પોરેશનમાં ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટા એવા નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ સાત બોર બની રહ્યા છે, જ્યારે પશ્ચિમ ઝોન સહિતના અન્ય ઝોનમાં જે તે વિસ્તારની જરૂરિયાત મુજબ ત્રણથી ચાર બોર બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શહેરના ખાડિયા, કાલુપુર, નિકોલ, નારોલ, ઈન્દ્રપુરી, ગોમતીપુર અને વસ્ત્રાલ જેવા વોર્ડમાં સરફેસ વોટર મેળવવાથી હજુ સુધી બાકાત રહેલા વિસ્તારના નાગરિકોને બોરનું પાણી મળતું પણ થઈ ગયું છે.

Related posts

એસ.ટી.ના કર્મચારીઓના પ્રશ્નોનો ૫ સપ્ટેમ્બર સુધી ઉકેલવામાં નહી આવે તો આંદોલન થશે

editor

મુખ્યપ્રધાન રૂપાણીનો મહત્વનો નિર્ણય, ભાડૂઆતો બનશે માલિક

editor

૨૦૨૨ સુધી દરેક પરિવાર પાસે ઘર હશે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1