Aapnu Gujarat
ગુજરાત

મગફળી બાદ હવે તુવેરમાં ભેળસેળને લઈ ચકચાર

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાક પૈકીના તુવેરની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેશોદ ખાતેથી હલકી ગુણવત્તાની તુવેર ઘૂસાડવામાં આવી હોવાનું જાણવામાં આવતા જેતપુર ખાતેના સરકારના ગોડાઉનમાંથી આ જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગે બુધવારે આ બાબતે તપાસ કરતા ૩૨૪૧ કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના મળી આવ્યા હતા. રાજ્યમાં ખૂબ જ ચગેલા મગફળી કાંડ બાદ ફરી એક વાર ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેરમાં હલકી ગુણવત્તાનું સમગ્ર કૌભાંડ સામે રાજયભરમાં ફરી એકવાર જોરદાર ખળભળાટ મચી ગયો છે. તુવેર કૌભાંડના પર્દાફાશને પગલે સરકારી તંત્ર અને અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. આ સમગ્ર કૌભાંડમાં ગ્રેડર સહિત સાત જણાં સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, વિવાદ વધતાં અને ખેડૂતઆલમમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળતાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ સમગ્ર મામલે તટસ્થ તપાસ અને કાર્યવાહી કરવાની તેમ જ જે કોઇ આ કૌભાંડમાં સંડોવાયેલા હશે, તેઓને છોડવામાં આવશે નહી તેવી ખાતરી ઉચ્ચારી હતી. મગફળીકાંડ બાદ હવે તુવેર કૌભાંડ સામે આવતાં અને આ સમગ્ર કૌભાંડ ખેડૂતોના નામે આચરાયુ હોવાનો ખુલાસો થતાં સમગ્ર રાજયના ખેડૂતઆલમમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ખેડૂતોએ આજે તંત્રના અધિકારીઓને આડા હાથે લીધા હતા. બીજીબાજુ, તુવેર કૌભાંડમાં ગોટાળો સામે આવતાં આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ હરકતમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ૩૨૪૧ કટ્ટામાંથી ૧૦૪૨ કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના રિજેક્ટ થયા છે, જ્યારે અન્ય કટ્ટામાં કઈ પણ સમસ્યા નથી. જામકંડોરણા ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને રાદડિયાએ જણાવ્યું હતું કે, તુવેરની ખરીદીમાં કે તેના ભાવની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી છે. કોઈપણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની ૩-૪ ગાડી તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ કસૂરવાર વ્યક્તિને સરકાર છોડશે નહીં. મંત્રી રાદડિયાએ ઉમેર્યું કે, નબળી તુવેરની ખરીદી કરી તેને ઘૂસાડવામાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને સરકાર દ્વારા છોડાશે નહીં. હાલના તબક્કે ગ્રેડર સહિત ૭ સામે ગુનો દાખલ કરાયો છે અને તપાસમાં જે કોઈ વ્યક્તિના નામ આવશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ વર્ષે રાજ્યસરકારે, અનેક પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે જેમાં મગફળીની પારદર્શક રીતે પ્રક્રિયા ખરીદી કરી અને ૧૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે ૪.૫ લાખ મેટ્રેકિ ટન ખરીદી કરવામાં આવી છે. સરકાર દ્વારા ગ્રેડિંગમાં સેમ્પલ લેવામાં આવે છે અને તે પાસ થાય તેની જ ખરીદી કરવામાં આવે છે. રાજ્યના કેશોદ સેન્ટર પરથી જે તુવેર ઘૂસાડવામાં આવી હતી તેની ક્વોલિટીને રાજ્યસરકારે જ કેન્સલ કરી છે, મારી જાણકારીમાં ત્રણથી ચાર ગાડી જ રિજેક્ટ કરી છે જેથી આમાં કૌભાંડનો ક્યાંય પ્રશ્ન નથી આવતો. પુરવઠા વિભાગના એમ.ડી મનિષ ભારદ્વાજ પણ તાત્કાલિક કેશોદ પહોંચ્યા હતા પરંતુ તેમને પણ ખેડૂતોના આક્રોશનો ભોગ બનવું પડયુ હતું.

Related posts

आफ्रिकन डेवलपमेन्ट बैंक की बैठक में डेलिगेट्‌स को फाफडा, जलेबी, ढोकला खिलाया जाएगा

aapnugujarat

અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકના સરકારી છાત્રાલયમાં ઓનલાઈન અરજીથી પ્રવેશ મળશે

editor

ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામને તોડી પડાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1