Aapnu Gujarat
ગુજરાત

વયોવૃદ્ધ પટેલને લાફો મારનાર રાવળનું નામ ફરી ચર્ચામાં રહ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના બલદાણા ગામે આજે એક જાહેરસભા દરમ્યાન હાર્દિક પટેલને લાફાવાળી ઘટના બાદ સાણંદમાં કોંગ્રેસમાં વર્ષોથી સમર્પિત ૮૪ વર્ષના એક વયોવૃધ્ધ પટેલને લાફા મારનાર અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉલ્ટાનું મંત્રીપદની લ્હાણી પામનાર કોંગ્રેસના પ્રદેશ મંત્રી ગૌતમ રાવળનો કિસ્સો ફરી જોરદાર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. એકબાજુ, કોંગ્રેસ પટેલોને લોકસભા ચૂંટણીમાં નજીક લાવવાની અને તેમની વોટબેંક કોંગ્રેસના ખાતામાં લાવવાની વાતો કરે છે ત્યારે બીજીબાજુ, ખુદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જ સાણંદમાં આ વયોવૃદ્ધ પટેલને લાફા મારનાર ગૌતમ રાવળને સાથે ફેરવી રહ્યા હોઇ કોંગ્રેસની શાખ પર દાવ લાગી હોવાના હવે ગંભીર સવાલો લોકસભા ચૂંટણી ટાણે ઉઠી રહ્યા છે. હાર્દિકની ઘટના બાદ ફરી એકવાર કોંગ્રેસના વર્તુળોમાં ઉઠેલી જોરદાર ચર્ચા મુજબ, સાણંદના ગૌતમ રાવળને પ્રદેશનું મંત્રીપદ આપવાનું હતું ત્યારે પટેલ વયોવૃદ્ધનું લાફા પ્રકરણ રજૂ કરી અનેક સ્થાનિક સંનિષ્ઠ કોંગીજનોએ રાવળને મંત્રીપદ આપવાથી કોંગ્રેસની બદનામી થશે અને ઘોર ખોદાશે તેવી દહેશત વ્યકત કરી હતી. કારણ કે, સાણંદની જે સંસ્થાઓનું મંડળ ગૌતમ રાવળ પડાવી લેવાની પેરવી કરી રહ્યો છે તે સંસ્થાઓનો ઇતિહાસ અત્યંત ગૌરવભર્યો છે. સાણંદના સ્વાતંત્ર્ય સેનાની શાંતિભાઇ પટેલે સમગ્ર જીવન સમર્પિત કરી ઉભી કરેલી જડીબા હાઇસ્કૂલ અને હોસ્ટેલ સહિતની તેને સંલગ્ન સંસ્થાઓની સેવાકીય કામગીરી સુવિખ્યાત છે. ૧૦૦ વીઘા જેટલી કિંમતી જમીન પણ સંસ્થા પાસે ઉપલબ્ધ છે ત્યારે આવી પ્રતિષ્ઠિત સંસ્થાનું મેનેજમેન્ટ પરસેવાનું ટીપુંય પાડયા વિના પડાવી લેવા રચાયેલા ષડયંત્રમાં વરવી ભૂમિકા ભજવનાર ગૌતમ રાવળને કાયદાકીય રીતે પછડાય મળતાં તેની કમાન છટકી હતી અને થોડા મહિનાઓ પહેલાં જ વર્ષો જૂના ટ્રસ્ટી અને કોંગીજન ૮૪ વર્ષીય વયોવૃધ્ધ બાલુભાઇ પટેલને લાફા ઝીંકી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેની સાણંદ પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી અને ખુદ ગૌતમ રાવળને કોર્ટમાંથી આ સમગ્ર મામલામાં જામીન લેવાની ફરજ પડી હતી. એટલું જ નહી, અગાઉ પણ ગૌતમ રાવળ વિરૂધ્ધ ગુનાઓ નોંધાયેલા છે ત્યારે પાટીદાર વૃધ્ધને લાફો મારનારા અને ગુનાહીત માનસ ધરાવનારી વ્યકિત પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને એવું તે શું હેત ઉભરાયું કે, તેને સાથે ફેરવી રહ્યા છે..લોકસભાની ચૂંટણીને લઇ પ્રચાર કાર્ય ચરમસીમાએ છે ત્યારે હાર્દિક પર લાફાવાળી ઘટના બાદ ગૌતમ રાવળનું લાફાવાળું પ્રકરણ એટલા માટે ચર્ચામાં આવ્યું કારણ કે, એકબાજુ, કોંગ્રેસ પાટીદારોને સાથે લાવવાની વાત કરી તેમના મતો લેવાની વેતરણમાં છે ત્યારે બીજીબાજુ, વયોવૃદ્ધ પટેલને લાફો મારનારા વ્યકિતને ખુદ પ્રદેશ પ્રમુખ ચાવડા જ પોતાની સાથે ફેરવી રહ્યા છે, તેને લઇને હવે જોરદાર સવાલો ઉઠી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આ પ્રકારના વલણને લઇ કોંગ્રેસની બે મોંઢાની વાત ખુલ્લી પડી જાય છે. કારણ કે, એકબાજુ, અડવાણીની અવગણના પર આંસુ સારનાર અને હાર્દિક પટેલને લાફા બાદ કોંગ્રેસમાં હિંસાને કોઇ સ્થાન નથી તેવી ગુલબાંગો પોકારનાર અમિત ચાવડા ખુદ મહેનત પરસેવાની કમાણીથી ઉભી કરાયેલી શૈક્ષણિક સંસ્થાઓનું મેનેજમેન્ટ પડાવી લેવાના પેંતરા રચનાર અને વયોવૃધ્ધ પટેલને લાફો ઝીંકનાર ગૌતમ રાવળને શિક્ષા કરવાને બદલે મંત્રીપદની લ્હાણી કરી જાતે જ નવા વિવાદને છેડી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓનું આવું વલણ લોકસભા ચૂંટણી ટાણે ફાયદાના બદલે કયાંક બહુ મોટુ નુકસાન ના કરાવી દે તેવી જોરદાર ચર્ચા પણ ખુદ કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં જ જોરશોરથી ચાલી રહી છે.

Related posts

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત લાખોનો કરેલ ખર્ચ કોરોકટ

editor

રૂ.૨૬૦ કરોડનું ફુલેકું : વિનયની ક્લિપમાં સુત્રધાર મુકેશ કટારાનો ઉલ્લેખ

aapnugujarat

CM launches “Smart Gujarat for New India Hackathon’’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1