Aapnu Gujarat
ગુજરાત

ધમકી આપનાર મઘુ શ્રીવાસ્તવને ખુલાસો કરવા ચૂંટણી પંચનો આદેશ

વડોદરામાં મતદાન દરમ્યાન મતપેટીમાં જો ભાજપનું કમળ ના ખીલ્યું તો, મતદારોને ઠેકાણે પાડી દેવાની ખુલ્લેઆમ ધમકી આપી લુખ્ખાગીરી કરનારા ભાજપના ધારાસભ્ય અને સંસદીય સચિવ મધુ શ્રીવાસ્તવને ભારે વિવાદ અને હોબાળા બાદ આખરે ચૂંટણી પંચે શો-કોઝ નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં લેખિતમાં ખુલાસો કરવા ફરમાન કર્યું છે. જેને લઇને હવે રાજકારણ જબરદસ્ત રીતે ગરમાયું છે. ચૂંટણી પંચની કાર્યવાહી બાદ ભાજપના ધારાસભ્યની મુશ્કેલી વધી છે અને જો તેમની વિરૂધ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની વાત સાબિત થશે તો તેમની વિરૂધ્ધ વિધિવત્‌ ફરિયાદ સહિતની કાર્યવાહી પણ થઇ શકે છે. વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં તાજેતરમાં વાઘોડિયા ખાતે જાહેરસભા યોજાઇ હતી. આ જાહેરસભામાં સંસદીય સચિવ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વાઘોડિયામાં રહેતા બહારના મતદારોને ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરી ધમકી આપી હતી કે, જો કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઇશ. બીજીબાજુ, મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થતાં લોકોમાં આ પ્રકારની લુખ્ખી ધમકી આપનાર ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ અને ફિટકાર વરસી રહ્યો છે. જેની સીધી અસર પરિણામો પર પડવાની અને ભાજપને મોટો ફટકો પડવાની શકયતા પણ રાજકીય વિશ્લેષકો વ્યકત કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા ખાતેની પ્રચારસભામાં બેફામ વાણીવિલાસ કરતાં જણાવ્યું હતું કે, બધા જ બુથની અંદર કમળનું નિશાન નીકળવું જોઈએ. જો કમળના નિશાન નહીં નીકળે, તો કાન ખોલીને સાંભળી લેજો ગેરકાયદેસર રહેતા લોકોને ઠેકાણે પાડી દઇશ. હું લડતો નથી. દાદાગીરી કરીને કહું છું. તમોને વર્ષોથી પાલવી રહ્યાં છીએ. પાણી, ડ્રેનેજ, લાઇટ વગેરેની સુવિધા પૂરી પાડી રહ્યા છીએ. તમે વેરો પણ ભરતા નથી અમને ખબર છે. આ વખતે પણ કમળ ખીલવાનું છે. તેમાં બે મત નથી અને હિંદુસ્તાનની ગાદી પર નરેન્દ્ર મોદી જ બેસવાના છે. તેમાં પણ બે મત નથી. ભાજપને સત્તા ઉપર બેસતા કોઇ રોકી શકશે નહીં. આ પ્રકારે નિર્દોષ નાગરિકો અને મતદારોને ખુલ્લેઆમ ધમકી આપી લુખ્ખાગીરી કરવાના ભાજપના ધારાસભ્યના વલણને લઇ હવે લોકોમાં જોરદાર આક્રોશ અને ફિટકાર વરસી રહ્યો છે.
લોકોએ આક્રોશ વ્યકત કર્યો હતો કે, ભાજપ હવે લોકોને ડરાવવાની અને ધમકી આપવાની રાજનીતિ બંધ કરી દે..પાટીદારોને ભાજપે આ રીતે ભોગ બનાવ્યા છે પરંતુ હવે રાજયની જનતા કંઇ ડરવામાં કે તેની ધમકીને તાબે થનારી નમાલી જનતા નથી, આ ગુજરાતની ખમીરવંતી અને બહાદુર પ્રજા છે, જે ચૂંટણીમાં ભાજપને તેની જ ભાષામાં જોરદાર જવાબ આપશે. જો કે, હવે સમગ્ર મામલે જોરદાર વિવાદ અને હોબાળો સર્જાતાં આખરે ચૂંટણી પંચને હરકતમાં આવવુ પડયું હતું. ચૂંટણી પંચે આજે મધુ શ્રીવાસ્તવને શોકોઝ નોટિસ ફટકારી તેમનો ખુલાસો માંગ્યો છે. જેને પગલે ચૂંટણીનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ગોધરાની ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ

editor

પંચમહાલમાં બોટ પલટી જતાં ચારના મોત

editor

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ૧૬ અનાથ-નિરાધાર બાળકોને નાણાકીય સહાય

editor

Leave a Comment

UA-96247877-1