Aapnu Gujarat
ગુજરાત

ગેસ ગળતર : આરવી ડેનીમના આરોપી માલિકોની અટકાયત

શહેરના નારોલના રાણીપુર ગામ નજીક આવેલી આર વી ડેનીમ કંપનીમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ ગળતરના કારણે ચાર કર્મચારીઓની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં બે જણાંની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. વટવા પોલીસે આ અંગે કસૂરવાર કંપની અને તેના જવાબદારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આર વી ડેનીમના આરોપી માલિકો વિનોદ અરોરા અને નિપુણ અરોરાની ધરપકડ કરી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, નારોલના રાણીપુર ગામ પાસે આવેલી આર વી ડેનીમ કંપનીમાં શનિવારે બપોરે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં સાત જેટલા કર્મચારીઓને ગૂંગળામણની અસર થતાં તેઓને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાયા હતા. જો કે, એક વ્યકિતને ગંભીર અસર થતાં તેનું મોત નીપજયું હતું. વટવા પોલીસમથકમાં આ બનાવ અંગે કંપનીના માલિક સહિત પાંચ જણા વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. દરમ્યાન આજે સવારે ફરીવાર કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતાં કર્મચારીઓ સહિત સ્થાનિક લોકોમાં ભારે ફફડાટની લાગણી સાથે ભાગદોડ મચી ગઇ હતી. આજની ગેસ ગળતરની ઘટનામાં વધુ ચાર વ્યકિતઓને અસર પહોંચતા તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. કંપની દ્વારા આ સમગ્ર પ્રકરણમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું કારણ કે, આખીય ઘટનામાં ફાયરબ્રિગેડ કે જીપીસીબી સહિતના સત્તાવાળાઓને સત્તાવાર જાણ સુધ્ધાં કરાઇ ન હતી. એટલું જ નહી, ગેસ ગળતરથી અસર પામનાર કર્મચારીઓના પરિવારજનોને પણ કોઇ જાણ કરાઇ ન હતી. જેને પગલે પરિવારજનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી. બીજીબાજુ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા કંપનીને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી જીપીસીબી સત્તાવાળાઓ દ્વારા આ મામલામાં કંપનીના માલિક સહિતના જવાબદારો સામે કોઇ કાર્યવાહી નહી થતાં જીપીસીબીના વલણ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજની ગેસ ગળતરની ઘટનાને લઇ વટવા પોલીસ ફરી હરકતમાં આવી હતી અને આખરે કંપનીના આરોપી માલિક વિનોદ અરોરા અને નિપુણ અરોરાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આ સમગ્ર પ્રકરણમાં વધુ વિગતો મેળવવાની દિશામાં તપાસ જારી રાખી છે.

Related posts

અમદાવાદમાં મોબાઈલ ચોર ટોળકી પકડાઈ

aapnugujarat

अहमदाबाद में बुजुर्ग ने सुसाइड कर लिया

editor

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ આઠના મોત નિપજ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1