Aapnu Gujarat
ગુજરાત

છ મહિલા લેફ્ટી. કમાન્ડરોએ દરિયા દ્વારા વિશ્વ પ્રવાસ કર્યો

ભારતીય નેવીની છ મહિલા લેફટનન્ટ કમાન્ડર અને એક લેફ્ટનન્ટ મળી કુલ છ સભ્યોની ટીમે એક નાનકડી માત્ર હવાથી ચાલતી બોટ મારફતે સતત ૨૫૪ દિવસ સુધી દરિયાઇ સફર કરી સમગ્ર વિશ્વમાં પાંચ દેશો, વિષુવવૃત્તને બે વખત પસાર કરવાનો અને ચાર ઉપખંડોમાં ૨૧,૬૦૦ નોટિકલ માઇલ્સ એટલે કે, અંદાજે ૫૦ હજાર કિલોમીટર કરતાં પણ વધુની યાત્રા કરી અનોખો સાહસિક વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. સમગ્ર વિશ્વમાં ભારતીય નેવી એ એવી પ્રથમ આર્મી છે, કે જેની છ મહિલા ક્રુ મેમ્બર્સ દ્વારા આ અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો છે. આ સાથે જ તે એશિયાની સૌપ્રથમ ક્રુ મેમ્બર્સ પણ બની ગઇ છે કે જેમણે આ અથાગ સાહસભરી દરિયાઇ સફર ખેડી હોય. ભારતીય નેવીની આ છ મહિલા લેફટનન્ટ કમાન્ડરના સાહસથી પ્રભાવિત થઇ ખુદ નેશનલ જિયોગ્રાફિ ચેનલે પણ ભારતીય નેવીનો સંપર્ક કરી ભારતીય નેવીની આ જાંબાઝ મહિલા ક્રુ મેમ્બર્સની સફર અને તેમના સાહસને લઇ તારિણી નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરી છે, જેનો પ્રિમીયર નેશનલ જિયોગ્રાફિ ચેનલ પર તા.૮મી માર્ચ,૨૦૧૯ના રોજ રાત્રે ૯-૦૦ વાગ્યે પ્રસારિત થશે. તો હોટસ્ટાર પણ આ ફિલ્મ ઉપલબ્ધ બનશે. ભારતીય નેવીની આ છ મહિલા ક્રુ મેમ્બર અને જાંબાઝ લેફટનન્ટ કમાન્ડર વર્ટિકા જોષી(સ્કીપર), પ્રતિભા જામવાલ, ઐશ્વર્યા બોદ્દાપતી, પી.સ્વાતિ, એસ.વિજયાદેવી અને પાયલ ગુપ્તા આજે અમદાવાદની મહેમાન બની હતી અને શહેરની કોલેજ માઇકાની મુલાકાત લઇ યંગસ્ટર્સ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ સાહસ અને ઝંઝાવાત સામે ટકી રહેવાની અને લડત આપવાની એક અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. ભારતીય નેવીની મહિલા લેફટનન્ટ કમાન્ડર વર્ટિકા જોષીએ જણાવ્યું હતું કે, આ અમારી જીંદગીની યાદગાર અને કદીયે ના ભૂલી શકાય તેવી સફર હતી, જે અમે ૨૫૪ દિવસની સતત સફર દરિયામાં એક નાનકડી બોટમાં કરી છે. દરિયાના તોફાન, વાવાઝોડા અને ઝંઝાવાત, વરસાદ, એક લઘુત્તમ અને માઇનસ તાપમાન સહિતના અનેક પડકારો અને અંતરાયો વચ્ચે અમે ૨૫૪ દિવસની દરિયાઇ સફરમાં પાંચ દેશો, વિષુવવૃતને બે વાર પસાર કરવાનો, ચાર ઉપખંડોમાં અને ત્રણ સમુદ્રોમાં નાનકડી બોટ ચલાવવાનું સાહસ ખેડવાની અમે આ સિધ્ધિ સર કરી છે.
સૌથી વધુ પડકારજનક અમારા માટે પેસિફિક દરિયાની સફર હતી, કારણ કે, તે દરિયો બહુ તોફાની અને ઘાતક હોય છે. અમારી બોટ માત્ર હવા આધારિત ચાલતી હોવાના કારણે અમુક દિવસો તો એવા હતા કે, અમે દરિયાના ચારેબાજુ પાણી વચ્ચે એકની એક જગ્યાએ જ ફસાયેલા રહ્યા હતા અને પછી હવા શરૂ થયા બાદ અમે આગળ સફર શરૂ કરી હતી. તા.૧૦ સપ્ટેમ્બર,૨૦૧૭એ અમારી આ દરિયાઇ સફર ગોવાથી શરૂ થઇ હતી અને તા.૨૧ મે,૨૦૧૮ના રોજ સફર પૂર્ણ થઇ હતી. ૨૫૪ દિવસ દરિયામાં ચારેબાજુ પાણી વચ્ચે સફરના કારણે કાઢવાના કારણે જીવનમાં પીવાના પાણી, નમકથી લઇ ખાવા-પીવાની ચીજવસ્તુ સહિતની તમામની કિંમત અમને સમજાઇ ગઇ હતી. આ એક જોરદાર પડકારજનક અને સાહસિક સફર હતી, જે યાદગાર અને કદીય ભૂલાય નહી તેવી રહી હતી. ભારતીય નેવીની આ છ જાંબાઝ મહિલા લેફટનન્ટ્‌ કમાન્ડરે આજની યુવતીઓ અને મહિલાઓએ સામાજિક સંદેશો આપતાં જણાવ્યું હતું કે, કોઇપણ સપના સાકાર કરતી વખતે જે તે વ્યકિતએ અંતરાયોનો સામનો કરવો પડે છે. અનેક વખતે આ અંતરાયો તમને પાછા પાડશે અને પ્રતીતિ કરાવશે તે હાંસલ કરી શકાય તેમ નથી પરંતુ આ અંતરાયોને પાર કરવામાં જ હિંમત છે, જે તમારી આસપાસ અંધકારમય જણાતા હોવાછતાં તમારામાં શકિત ન હોય તો પણ તમને ટકાવી રાખે છે અને ઉભા કરે છે.

Related posts

આગામી ત્રણ દિવસમાં વડોદરા જિલ્લાના ૧૬૭ ગામોમાં નર્મદા રથયાત્રા પરિભ્રમણ કરશે  

aapnugujarat

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનાં ઘરે પુત્રનાં લગ્નમાં શંકર ચૌધરી અને અલ્પેશની ઉપસ્થિતિથી રાજકારણ ગરમાયું

aapnugujarat

HSRP લગાવવા માટેની મુદત હવે ૩૧ ડિસેમ્બર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1