Aapnu Gujarat
ગુજરાત

પાકે ભારત સાથે ગદ્દારી કરી છે : મુસ્લિમો દેશની સાથે છે

પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર પ્રવર્તી રહેલી તંગદિલી વચ્ચે હવે અમદાવાદનો મુસ્લિમ સમાજ પણ ભારતીય સેનાના જવાનોની પડખે આવ્યો છે અને અમદાવાદ, ગુજરાત સહિત દેશના તમામ મુસ્લિમો રાષ્ટ્રની સાથે છે. ભારત આપણું વતન અને મિટ્ટી છે, તેની સાથે પાકિસ્તાને મોટી ગદ્દારી કરી છે, તેની સામેની લડતમાં સમગ્ર મુસ્લિમ સમાજ આગળ ઉભો છે. ભારત દેશની સુરક્ષા માટે જરૂર પડયે મુસ્લિમ સમાજ જીવ આપવાનો જુસ્સો પણ ધરાવે છે એમ અત્રે જામીયા ફૈઝાનુલ કુરઆન, સરસપુરના અધ્યક્ષ મૌલાના હબીબ અહમદ ફઝલ અહમદ પઠાણે જણાવ્યું હતું. ભારત દેશમાં અમન, ચેન અને સુકુન સ્થપાય તેમ જ ભારતીય સેનાના જવાનોની સુરક્ષા કાજે તા.૨જી માર્ચે રિવરફ્રન્ટ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોટાપાયે સામૂહિક કુરાન એ શરીફનું પઠનના કાર્યક્રમની તેમણે જાહેરાત કરી હતી. તો તા.૩ જી માર્ચે જામીયા ફૈઝાનુલ કુરઆન અને ઇશા ફાઉન્ડેશન દ્વારા કોમી એકતાનો સંદેશો ફેલાવવાના ઉમદા આશય સાથે રિવરફ્રન્ટના બ્લોક એ,બી અને સી ખાતે હિન્દુ-મુસ્લિમ સમુદાયના ૫૦૧ યુગલના સમૂહલગ્ન યોજવાના કાર્યક્રમની પણ તેમણે જાહેરાત કરી હતી. જામીયા ફૈઝાનુલ કુરઆન, સરસપુરના અધ્યક્ષ મૌલાના હબીબ અહમદ ફઝલ અહમદ પઠાણ અને મૌલાના મહેબૂબે જણાવ્યું હતું કે, પાકિસ્તાન અત્યારે નાપાક હરકત કરી ભારત સાથે ગદ્દારી કરી રહ્યો છે. પરંતુ પાકિસ્તાન એ વાત ના ભૂલે કે, ભારતનો પ્રત્યેક મુસ્લિમ વતન સાથે અડીખમ ઉભો છે. પાકિસ્તાન સામેની લડાઇમાં ભારતનો મુસ્લિમ મરવા માટે તૈયાર છે. ભારત એક અમન, ચેન અને સુકુનવાળો દેશ છે, જયાં વસતો મુસ્લિમ વિશ્વમાં કોઇપણ જગ્યાએ રહેનારા મુસ્લિમ કરતાં સૌથી વધુ સુખી અને ખુશ છે એ વાત પાકિસ્તાને સમજી લેવી જોઇએ. દેશમાં કટોકટીની આ પરિસ્થિતિમાં સમગ્ર મુસ્લિમ સમાજ રાષ્ટ્ર અને ભારતીય સેનાના જવાનોની સાથે છે. દેશમાં શાંતિ અને ભાઇચારાની સ્થાપના તેમ જ આપણા જવાનોની સુરક્ષા માટે તા.૨જી માર્ચે એક અરજન્ટ કાર્યક્રમના ભાગરૂપે રિવરફ્રન્ટ ખાતે સામૂહિક રીતે કુરાન એ શરીફનું પઠન અન ેદુઆનો મોટાપાયે કાર્યક્રમ યોજવામાં આવશે. આ સાથે જ શહેર સહિત રાજયભરમાં પણ જે તે વિસ્તારની મસ્જિદોમાં પણ રાષ્ટ્રમાં શાંતિ અને જવાનોની સુરક્ષા માટે કુરાન એ શરીફના પઠન અને દુઆ-બંદગી માટે ઇબાદત કરાશે. એ પછી જામીયા ફૈઝાનુલ કુરઆન અને ઇશા ફાઉન્ડેશન દ્વારા તા.૩જી માર્ચના રોજ કોમી એકતાના સંદેશ સાથે રિવરફ્રન્ટ ખાતે બ્લોક એ, બી અને સી ખાતે હિન્દુ-મુસ્લિમ સમુદાયના ૫૦૧ યુગલના સમૂહલગ્ન યોજાશે. જેમાં મુસ્લિમ મૌલવી નિકાહ પઢાવશે અને હિન્દુ પંડિતો યુગલોને શાસ્ત્રોકત વિધિ સાથે ફેરા ફરાવી લગ્નવિધિ સંપન્ન કરાવશે. સૌપ્રથમવાર ૫૦૧ હિન્દુ મુસ્લિમ યુગલના સમૂહલગ્ન યોજાશે. આ વખતે અમે લગ્નમાં જોડાનાર દરેક કપલને બેડરૂમ, કિચન સેટ સહિતનો ઘર વસી રહે તે રીતનો જરૂરી સામાન આપવાના છીએ. જેમાં રૂપિયા ૭૫ હજારથી વધારેની ભેટ યુગલને આપવામાં આવશે. આ સાથે બન્ને પક્ષ તરફથી આવનારન લોકોનો જમણવાર પણ યોજાશે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી રીયાઝ પઠાણ સહિતના આગેવાનોએ પણ આ ઐતિહાસિક પ્રસંગ બાદ ભવિષ્યમાં આનાથી પણ વધુ હિન્દુ-મુસ્લિમ યુગલના લગ્ન કરાવવાની આશા વ્યકત કરી હતી.

Related posts

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેર જારી

aapnugujarat

હાર્દિક પટેલના વડોદરામાં પ્રવેશ પર પ્રતિબંધની માંગ સાથે કરાયો વિરોધ

editor

અખિલ ભારતીય પરિવાર રાજકારણમાં ઝંપલાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1