Aapnu Gujarat
રાષ્ટ્રીય

અરુણાચલ પ્રદેશમાં ભારે હિંસક વિરોધ બાદ રાજ્ય સરકારે પીઆરસી પ્રસ્તાવ પાછો ખેંચ્યો

અરુણાચલ પ્રદેશમાં રાજ્યની બહારના છ આદિવાસી સમુદાયને સ્થાયી નિવાસી હોવાનાં સર્ટિફિકેટ આપવાના વિરોધમાં શરૂ થયેલાં પ્રદર્શન ભારે હિંસક બનતાં આખરે રાજ્ય સરકારે બેકફૂટ પર જઈને વિવાદાસ્પદ પરમેનન્ટ રેસિડેન્ટ સર્ટિફિકેટ (પીઆરસી) વિધેયકને પાછું ખેંચી લીધું છે. છેલ્લા ત્રણ દિવસથી અરુણાચલમાં પીઆરસી પ્રસ્તાવનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવે છે અને હિંસક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે સેનાને તહેનાત કરવાની ફરજ પડી છે.રવિવારે આ પ્રદર્શન એ હદે હિંસક અને બેકાબૂ બન્યું હતું કે પ્રદર્શનકારીઓએ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન ચોવના મેનનું ઘર સળગાવી દીધું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સતત સ્થિતિ પર કાબૂ મેળવવાની કોશિશ થઈ રહી છે પણ હાલત સતત કથળતી જાય છે. હાલ સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટોળાંને કાબૂમાં લેવા પોલીસે કરેલા ફાયરિંગમાં બે પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે.
મુખ્યપ્રધાન પેમા ખાંડુના નિવાસસ્થાન સહિત રાજ્યની મહત્ત્વપૂર્ણ જગ્યા પર સેના તહેનાત કરી દેવામાં આવી છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે. ઈટાનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આઈટીબીપીની છ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુએ લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવી રાખે. આ ઉપરાંત તેમણે ખાતરી આપવી પડી છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ પીઆરસીનો મુદ્દો છેડશે નહીં કે તે અંગે કોઈ વાત પણ નહીં કરે. તેમણે અપીલ કરી છે કે સરકાર રર ફેબ્રુઆરીએ જ પ્રદર્શનકારીઓની તમામ માગણીઓ સ્વીકારવા તૈયાર થઈ ગઈ હતી. હવે હિંસક પ્રદર્શન કરી રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કોઈ મતલબ નથી. તમામ પ્રકારનાં ધરણાં અને પ્રદર્શન તાત્કાલિક અસરથી રોકી દેવા પણ તેમણે વિનંતી કરી છે.
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ સરકારે નામસી અને ચાંગલાંગમાં રહેતા છ સમુદાયને પીઆરસી આપવા માટે સંયુક્ત ઉચ્ચાધિકાર સમિતિની ભલામણોને નહીં સ્વીકારવાનો આદેશ પસાર કર્યો છે.
મુખ્યપ્રધાન પેમા ખાંડુએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર પીઆરસી મુદ્દે વિધેયક નહીં લાવે પણ નબામ રેબિયાની અધ્યક્ષતાવાળી સંયુક્ત ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિનો રિપોર્ટ ફક્ત રજૂ કરવામાં આવ્યો છે.

Related posts

કેનેડાની નાગરિકતા સ્વીકારવામાં ભારતીયોની સંખ્યા વધી : રિપોર્ટ

aapnugujarat

પોસ્ટ ઓફિસની સ્કીમમાં પૈસા રોકવા પર મળશે વધારે વળતર

aapnugujarat

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસનાં બે દલાલોને ભારત લવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1