Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે રાજીનામું આપી દીધું

ગાંધીનગરના મેયર પ્રવીણ પટેલે આજે વેલેન્ટાઈન ડે ના દિવસે જ અચાનક મેયર અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેતાં ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈને ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર બનેલા પ્રવીણ પટેલે છેલ્લા ત્રણ મહિનાથી ચાલતા રાજકીય વિવાદને પગલે રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેમણે મેયરની સાથે કોર્પોરેટર તરીકે પણ રાજીનામું આપી સત્તાધારી ભાજપને ઝટકો આપી સૌકોઇને ચોંકાવી દીધા છે. છેલ્લે યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં થયેલા હોબાળા પછી ચાલી રહેલા કોર્ટ કેસ વચ્ચે કોઈ ચુકાદો આવે તે પહેલા જ પ્રવીણ પટેલે રાજીનામું આપતા રાજયના પાટનગર ગાંધીનગરમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. બીજીબાજુ, ભાજપના રાજકીય દબાણ સહિત કોર્ટ દ્વારા બરતરફ થવાય તે પહેલા આ રાજીનામું આપવામાં આવ્યું હોવાની ચર્ચાએ ભારે પણ જોર પકડ્‌યું છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ત્રણ વર્ષ પહેલા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ૧૬-૧૬ બેઠક આવતા રાજકીય સંકટ સર્જાયું હતું. આ સમયે કોંગ્રેસમાંથી તક નહીં મળતા મૂળ ભાજપમાંથી જ આવેલા પ્રવીણ પટેલે કોંગ્રેસને રામ રામ કરી ભાજપના સમર્થનથી મેયરની ખુરશી મેળવી લીધી હતી. આ પછી અઢી વર્ષની ટર્મ સુધી ગાંધીનગર મનપાનું શાસન ચલાવનાર પ્રવીણ પટેલને મેયર પદ ખાલી કરવા ભાજપ તરફથી અનેકવાર રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લે યોજાયેલી સામાન્ય સભામાં નવા મહિલા મેયર અને અન્ય પદાધિકારીઓની વરણીમાં ગુજરાત હાઇકોર્ટના આદેશના કારણે મેયરનો મત અને પરિણામ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે. આ રાજકીય માહોલ વચ્ચે આગામી તા.૧૯ ફેબ્રુઆરીએ પ્રવીણ પટેલની અધ્યક્ષતામાં મળનારી સામાન્ય સભામાં બજેટ પસાર થનાર હતું, પરંતુ ભાજપના સભ્યોની મળેલી બેઠકમાં કેટલાક મહિલા કોર્પોરેટર્સના પતિદેવોએ જ સૂચનો કરતા હોબાળો સર્જાયો હતો. તેના ૨૪ કલાકમાં જ મેયર પ્રવીણ પટેલ દ્વારા મેયર પદની સાથે સભ્ય પદેથી પણ રાજીનામું ધરી દઈ ભાજપની સાથે સૌકોઇને ચોંકાવી દીધા હતા.પ્રવીણ પટેલના રાજીનામાને લઇ ફરી એકવાર સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

Related posts

राज्य के सभी जिला कलक्टरों के ट्‌वीटर हेन्डर कार्यरत हुए

aapnugujarat

બોડેલીનાં વિશાળી ગામમાં મહિલાની હત્યાથી સનસનાટી

aapnugujarat

પીએનડીટી એકટમાં સુધારાના પરિપત્રને હાઇકોર્ટમાં પડકાર : સોનોગ્રાફી કરતા તબીબોના સમૂહે રિટ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1