Aapnu Gujarat
ગુજરાત

નિકોલમાં લગ્ન પ્રસંગમાં ૭ લાખ રૂપિયાની ચોરી

લગ્ન સીઝન શરૂ થતાં જ લગ્ન હોલ અને પાર્ટીપ્લોટમાં ચોરી કરનારી મધ્યપ્રદેશની ટાબરિયાં ગેંગ સક્રિય થઇ છે. નવાં કપડાં પહેરીને ટાબરિયાં ગેંગ લગ્નમાં ઘૂસી જાય છે અને તકનો લાભ લઇને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ જાય છે. નિકોલના રસરાજ પાર્ટીપ્લોટમાં ચાલતા લગ્ન પ્રંસગમાં ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં ટાબરિયાં ગેંગે કન્યાદાન સમયે સાત લાખ રૂપિયાના દાગીના ચોરી હાથ સાફ કર્યો હતો. બાપુનગર વિસ્તારમાં આવેલ ન્યુ અરવિંદ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટાબરિયા ગેંગ વિરુદ્ધ સાત લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે, દિનેશભાઇ બાપુનગરમાં આવેલ વસ્ત્ર ભંડારમાં નોકરી કરીને તેમનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશભાઇ પત્ની અરુણાબહેન, પુત્રી ધારા અને પારુલ અને પુત્ર રવિ સાથે રહે છે. બે દિવસ પહેલાં દિનેશભાઇની મોટી પુત્રી ધારાનાં લગ્ન નિકોલ વિસ્તારમાં આવેલ રસરાજ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યાં હતાં. લગ્નમાં જાન ચાંદખેડાથી આવી હતી અને સાંજના ચાર વાગ્યાથી લગ્નની વિધિ શરૂ થઇ હતી. લગ્નની ચોરીમાં પરિવારના તમામ સભ્યો હાજર હતા ત્યારે ધારાનાં લગ્નમાં ભેટ સોગાદ તરીકે આપવામાં આવેલા સોનાના દાગીના એક કપડાની થેલીમાં હતા. રાત્રે આઠ વાગ્યાની આસપાસ કન્યાદાનની વિધિ ચાલતી હતી ત્યારે દિનેશભાઇ અને અરુણાબહેન ચોરીમાં હાજર હતા ત્યારે એક દસ થી બાર વર્ષનો કિશોર મંડપની ચોરી પાસે આવીને સોનાના દાગીના ભરેલી થેલી લઇને જતો રહ્યો હતો. દિનેશભાઇની નજર પડતાં દાગીનાથી ભરેલી થેલી ગાયબ હતી. દિનેશભાઇની નજર કિશોર પર પડતાં તેના હાથમાં દાગીના ભરેલી બેગ હતી. દિનેશભાઇએ એકાએક બુમાબુમ કરી હતી જેથી સગાં સબંધીઓ તેની પાછળ દોડ્‌યા હતા. જોકે, તે લોકોને થાપ આપીને નાસી છુટ્યો હતો. થેલામાં ૪.૮૦ લાખ રૂપિયાનો ૧૬ તોલાનો સોનાનો હાર, બે તોલાના વજનની ૬૦ હજાર રૂપિયાની સોનાની લકી, દોઢ તોલાની ત્રણ સોનાની વીંટી, તેમજ ૩૦ હજાર રૂપિયાની સોનાની બુટ્ટી, ૧૫ હજાર રૂપિયાનું સોનાનું પેંડલ સહિત કુલ સાત લાખ રૂપિયાના દાગીના હતા, જેની ચોરી કરી ટાબરિયો પલાયન થઇ ગયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, વર અને કન્યા પક્ષના લોકો દોડતા થઇ ગયા હતા. નિકોલ પોલીસે ટાબરિયાં ગેંગ સુધી પહોંચવા માટે પહેલાં લગ્ન પ્રસંગમાં વીડિયો શૂટિંગ કરવા માટે આવેલા ફોટોગ્રાફર પાસેથી લગ્નનો વીડિયો લીધો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક ૧૦ થી ૧૨ વર્ષનો કિશોર કન્યાદાન સમયે લગ્નની ચોરીમાં આવે છે અને ગણતરીની સેકન્ડમાં દાગીના ભરેલો થેલો લઇને જતો રહે છે. પોલીસે આ વિસ્તારના ફુટેજ પણ ચકાસ્યા છે.

Related posts

ગોધરામાં P.H.Dના રીસર્ચ સ્કોલર માટે શ્રી ગોવિંદગૂરુ યૂનિર્વસીટી ખાતે કોર્ષવર્કનું આયોજન

editor

૧૪૨ કરોડના ખર્ચે સોલા સિવિલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરાશે તબદીલ નીતિન પટેલની જાહેરાત

aapnugujarat

सूरत में कुछ ही समय में एक इंच से अधिक बारिश दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1