Aapnu Gujarat
ગુજરાત

લુણાવાડા પાસે જંગલમાં વાઘ હોવાની વાતથી તંત્ર દોડતું થયું

મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસેના જગંલ વિસ્તારમાં વાઘ હોવાની માહિતી સામે આવતાં તેની સત્યતા ચકાસવા વનવિભાગના અધિકારીઓએ આજે ભારે જહેમત અને દોડધામ મચાવી મૂકી હતી. લુણાવાડા ગઢ ગામની સીમમાં વાઘ દેખાયાની તસ્વીર સ્થાનિક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. આ ફોટો વાયરલ થતા મહીસાગર વન વિભાગ હરકતમાં આવ્યું હતુ. વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત ૪૫ ગામમાં ૪૦૦થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વનવિભાગે વાઘ હોવાની જે માહિતી સામે આવી હતી, તેની પુષ્ટિ માટે, સંભવિત સ્થાનો, જંગલ વિસ્તાર અને પાણી પીવાના સ્થાનો પર ગુપ્ત રીતે ફોરેસ્ટના કર્મચારી તૈનાત કરી સીસીટીવી લગાવી દીધા હતા કે જેથી વાઘ દેખાય તો તેની પુષ્ટિ થઇ શકે. ફોરેસ્ટર રોહિત પટેલ અને તેમની ટીમે તસવીરમાં દેખાતા સ્થળોની તપાસ કરતાં વાઘ હોવાની સંભાવના સાચી જણાઈ હતી, જેને લઇ તંત્રને પણ આશા જાગી છે. આમ છ મહિના બાદ ફરીવાર ગુજરાતમાં વાઘે દેખા દીધા હોવાની ચર્ચા ઉઠવા પામી છે. આ પહેલા ગત તા.૨૫ જુલાઈના રોજ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદી કોકણીપાડા જંગલમાં વાઘનું અસ્તિત્વ હોવાની પુષ્ટી મહારાષ્ટ્ર નંદુરબાર વન વિભાગના ડી.સી.એફ. સુરેશ કેવટે કરી હતી. આ દરમિયાન જોવા મળેલા પંજાના નિશાન વાઘના હોવાનો અહેવાલ નાગપુર વાઈલ્ડ લાઈફ લેબમાંથી આવ્યો હતો. આમ ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘ દેખાવાની શરૂઆત થઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(એનટીસીએ)મુજબ, ગુજરાતમાં છેલ્લે ૧૯૮૫માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. જયારે ૧૯૯૨માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. હાલ ગુજરાતમાં વાઘ નથી. જો કે ભૂતકાળમાં વાઘ દેખાયા હોવાના દાવાઓ ઘણા થતા રહ્યા છે. તેમજ મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગના જંગલમાં વાઘ આંટોફેરો કરી જતા હોવાનું મનાય છે. જો ગુજરાતમાં વાઘ હોવાનો નક્કર પુરાવો મળે તો રાજ્યમાં ત્રણ મોટાં પ્રાણીઓ એવા સિંહ, વાઘ અને દીપડો એમ ત્રણેય જંગલી પ્રાણી જોવા મળી જાય એવું પ્રથમ રાજ્ય બનશે. ગુજરાત અને વાઘનો સંબંધ દાયકાઓ જુનો છે. વર્ષ ૧૯૭૯માં સ્પેશિયલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્‌સ એમ.એ.રશીદે વાઈલ્ડલાઈફ જર્નલ ચિતલ માં ગુજરાતમાંથી વાઘની સંખ્યા ઘટી રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. લગભગ બે દાયકા પહેલાં ૧૯૯૮માં મહારાષ્ટ્રની સરહદે ડાંગના જંગલોમાં વાઘ જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પહેલા થોડા સમય પહેલા પણ ડાંગના જંગલમાંથી મળી આવેલા વાઘના મળના નમૂનાને આધારે નાસિક જિલ્લાને અડીને આવેલા ડાંગના જંગલોમાં વાઘની વસ્તી હોવાની શકયતા ઉઠી હતી. હવે ફરી એકવાર મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસેના જંગલ વિસ્તારમાં વાઘે દેખા દીધી હોવાની વાત સામે આવતાં વનવિભાગના અધિકારીઓ સહિત સરકારી તંત્રને મોટી આશા જાગી છે.

Related posts

कार में घुसे पांच वर्ष के बच्चे ने जान गंवाई

aapnugujarat

પતંગ ઉત્સવમાં આદિવાસી કાળા પતંગ ચગાવવા તૈયાર

aapnugujarat

દેશની પ્રથમ મહિલા રાજકીય પાર્ટીની અમદાવાદમાં જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1