Aapnu Gujarat
ગુજરાત

માનવ તસ્કરી કાંડમાં મહિલા દલાલ માયા પકડાઇ

અમદાવાદ શહેરમાંથી ઇસનપુર પોલીસે માનવ તસ્કરીનું મોટું કૌભાંડ ઝડપી લીધું છે. કાગડાપીઠ વિસ્તારમાંથી અપહરણ કરાયેલી અને બાદમાં જુદા જુદા વ્યકિતઓને વેચી મરાયેલી સગીરા પાંચ વર્ષ બાદ પોલીસને હાથ લાગી છે. આ સંવેદનશીલ કૌભાંડમાં પોલીસે મુખ્ય મહિલા આરોપી દલાલ માયાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી મહિલા દલાલ માયાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તા.૭મી ફેબ્રુઆરી સુધીના મહિલા દલાલ માયાના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, આરોપી મહિલા દલાલ માયાએ તેના સાગરિતો પ્રકાશ મરાઠી, બાબુ સહિતના આરોપીઓની મદદથી કાગડાપીઠ વિસ્તારની એક યુવતીને રૂ.ત્રણ લાખમાં વેચી મારી હતી અને પૈસા લઇ તેના બેથી ત્રણ જણાં સાથે બારોબાર લગ્ન કરાવી દીધા હતા. એટલું જ નહી, આરોપીઓ દ્વારા અપહ્યુત યુવતીને માનસિક ત્રાસ અને ટોર્ચર પણ અપાતા હતા, એટલે સુધી કે તેને નોનવેજ, દારૂ-સીગારેટ પીવા મજબૂર કરાતી હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી મહિલા દલાલ માયાએ તેની ગેંગની મદદથી અન્ય યુવતીઓને પણ આ પ્રકારે વેચી મારી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેને લઇ હવે પોલીસે આ માનવતસ્કરી કૌભાંડમાં ઝીણવટભરી તપાસ આરંભી છે. ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, વર્ષ ૨૦૧૪માં કાગડાપીઠ વિસ્તારમાં ટ્યૂશનમાં ગયેલી સગીરા પરત નહીં આવતા તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાગડાપીઠ પોલીસે બે વર્ષ તપાસ કરવા છતાં સગીરાનો પત્તો મળ્યો નહોતો. તેથી સગીરાના પિતાએ આ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા અરજી કરી હતી. હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી હતી. તેને પણ બે વર્ષ સુધી કંઈ હાથ લાગ્યું નહોતું. આ દરમ્યાન સગીરાના પિતાએ સીઆઇડી ક્રાઇમને કેટલાક એવા મુદ્દા આપ્યા હતા કે તેમની દિકરીની માનવ તસ્કરી થઇ છે, તેના માટે તેની સાથે ગયેલી તેની બહેનપણીની તપાસ કરવી જોઇએ. આમ છતાં સીઆઇડી ક્રાઇમે આ મુદ્દા તપાસ્યા નહોતા. છેવટે કોર્ટે સીબીઆઇને તપાસ સોંપી હતી. સીબીઆઇએ ત્રણ મહિનામાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો કે, સમગ્ર મામલે માનવ તસ્કરીનું કૌભાંડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એક જ વિસ્તારની ત્રણ સગીરાની માનવ તસ્કરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જેમાં માયા નામની મહિલાએ ગુમ થયેલી કિશોરી સહિતને ત્રણ વખત અલગ-અલગ વ્યકિતને વેચી હતી. સીબીઆઇએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ કર્યો છે કે સગીરાને વેચનાર માયા નામની મહિલા ઝડપાઇ ગઇ છે, તેણે સગીરાને ત્રણ વાર વેચી હોવાનું કબુલ્યું હતુ. કાગડાપીઠ વિસ્તારમાંથી રીક્ષાવાળાની મદદથી ગુમ સગીરા સહિતની બે સગીરા વેચી મરાઇ હતી. દરમ્યાન પોલીસે ભાળ મળેલી યુવતીની પાસેથી પણ આરોપી મહિલા દલાલ માયા અને તેની સાથે સંકળાયેલા અને સંડોવાયેલા અન્ય ગુનેગારો વિશે ઝીણવટભરી માહિતી મેળવી તેના આધારે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેના આધારે આગામી દિવસોમાં આ કેસમાં મહત્વના ખુલાસા થવાની અને વધુ ધરપકડો થવાની પૂરી શકયતા છે.

Related posts

સાબરમતી જેલમાં રહેલ ૫૦ દર્દીના એક્સ-રે માટે સલાહ

aapnugujarat

કચ્છની સૂકી ધરતી બનશે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર

aapnugujarat

જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે ૨૦૭ વૃક્ષ કપાશે

editor

Leave a Comment

UA-96247877-1