Aapnu Gujarat
ગુજરાત

સ્માર્ટસિટીના અનેક પ્રોજેકટો હજુય માત્ર કાગળ ઉપર રહ્યા

અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટસિટી જાહેર કરવામાં આવ્યા બાદ વર્ષ-૨૦૧૫માં જાહેર કરવામાં આવેલા અમદાવાદી એપ્સ, કોમન પેમેન્ટ કાર્ડ, નમસ્તે-જી રિક્ષા, કુરિયરથી જન્મ કે મરણ સર્ટિફિકેટ વગેરે જેવી યોજનાઓ બે વર્ષ બાદ પણ હજુ સુધી કાગળ ઉપર રહેતા શહેરના લોકો હજુ સુધી આ તમામ યોજનાઓનો લાભ મેળવવાથી વંચિત રહ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,વર્ષ-૨૦૧૪માં કેન્દ્ર સરકારે સૌ પ્રથમ વખત દેશના સ્માર્ટસિટીની જાહેરાત કરી હતી.એ પછીના વર્ષમાં દેશના વધુ શહેરોનો સ્માર્ટસિટીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.વર્ષ-૨૦૧૫માં અમદાવાદ શહેરનો સ્માર્ટસિટીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ ૨૫ જૂન-૨૦૧૫ના દિવસે અમદાવાદ શહેરમાં સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ કરોડો રૂપિયાના વિકાસના કામોની જાહેરાત કરવામાં આવી હતી.આ કામોમાં સૌથી મોટો રૂપિયા ૮૦૦ કરોડની કીંમતનો પ્રોજેકટ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરાના રિ-ડેવલપમેન્ટ અંગેનો હતો.બે વર્ષ બાદ આ પ્રોજેકટમાં માત્ર ટેન્ડરીંગની જ પ્રક્રીયા પુરી કરી શકાઈ છે.હજુ સુધી પ્રોજેકટ ખાતમુહુર્તથી આગળ વધી શકયો જ નથી.આ ઉપરાંત આ જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લોકોને કોમન પેમેન્ટ કાર્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ કાર્ડ મેળવનારા લોકો કાર્ડની મદદથી તેમનો મિલ્કતવેરો ભરવા ઉપરાંત બીઆરટીએસ કે એએમટીએસમાં મુસાફરી કરી શકવાના હતા.આ સાથે જ કાર્ડની મદદથી ઈલેકટ્રીકબીલ કે ટેલિફોનનું બીલ પણ ભરી શકવાના હતા.આ પ્રોજેકટ પણ બે વર્ષ પુરા થવા છતાં હજુ સુધી માત્ર કાગળ ઉપર જ છે.અમદાવાદ શહેર અને શહેર બહાર વસતા લોકોને ઓનલાઈન અરજી કરવાથી જન્મ કે મરણના સર્ટિફીકેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.તો કુરિયરથી પણ જન્મ કે મરણના સર્ટિફિકેટ આપવા અંગેની પણ જાહેરાત કરવામાં આવી હતી.તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ડી તારા દ્વારા અમદાવાદી એપ્સ લોંચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.જેની મદદથી અમદાવાદી લોકો તેમની પસ્તી અને ભંગાર પણ એપ્સની મદદથી વેચી શકવાના હતા.આ સાથે જ નો યોર કોર્પોરેટર એપ્સ પણ હજુ સુધી લોંચ કરી શકાઈ નથી.અમદાવાદના લોકોને માટે નમસ્તે-જી પ્રોજેકટ હેઠળ રિક્ષા કે ટેકસી ઉપલબ્ધ કરાવવા અંગેની યોજના પણ અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી છે.આમ બે વર્ષ બાદ પણ કરોડો રૂપિયાના પ્રોજેકટનો લાભ અમદાવાદના લોકો મેળવી શકયા નથી.

Related posts

ભાજપ ઓબીસી મોરચાની પ્રદેશ કારોબારી બેઠક થઇ

aapnugujarat

પાટીદારો પર પોલીસ દમન કેસમાં અમિત શાહ સૂત્રધાર : રાજદ્રોહ કેસમાં હાજર હાર્દિક પટેલની પ્રતિક્રિયા

aapnugujarat

કેટલાક દ્વારા મારી કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર કરાયું : મ્યુનિ.વિપક્ષ નેતા દિનેશ શર્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1