Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૩૫ ફુટનાં શિવલિંગ બનાવવા તૈયારી

અમદાવાદની પવિત્ર ધરતી પર મહાશિવરાત્રી મહોત્સવ સમિતીના તત્વાઘાનમાં ભારતની ભવ્ય આધ્યાત્મિક, વૈદિક અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અને નવજીવન ફાઉન્ડેશનનાં અંગ દાનના પવિત્ર વૈદકીય સેવા પ્રકલ્પને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશથી મહાશિવરાત્રી મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શહેરના એસ.જી.હાઇવે પર ઝાયડસ હોસ્પિટલની બાજુમાં ગણેશ ગ્રાઉન્ડના કૈલાશ માનસરોવર ધામ ખાતે ૨૭ લાખ રૂદ્રાક્ષની મદદથી સવા ૩૫ ફુટ ઉંચુ વિશ્વનું સૌથી ઉંચુ શિવલિંગ બનાવવામાં આવશે અને ઉંચા શિવલિંગનો અનોખો રેકોર્ડ કરવામાં આવશે. મહાશિવરાત્રિને લઇ આ આ ભવ્યાતિભવ્ય શિવલિંગના નિર્માણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે કાર્યક્રમના ભૂમિપૂજન સહિતની વિધિ આજે રાજયના મહેસૂલમંત્રી કૌશિકભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે, શિવકથાકાર બટુકભાઇ વ્યાસ, સમસ્ત બ્રહ્મસમાજ(રાજયકક્ષા)ના મહામંત્રી યજ્ઞેશ દવે, ધોળેશ્વર મહાદેવના પૂ.૧૦૦૮ મહંત રામસ્વરૂપપુરીજી અને પૂ.કાલીદાસબાપુના હસ્તે ઉપરોકત સ્થળે સંપન્ન કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના આ મહોત્સવમાં વિશ્વનું સૌથી ઉંચુ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ કરી ચાર વાર લિમકા બુકમા સ્થાન પ્રાપ્ત કરી સવા ૩૫ ફુટની નવી ઉંચાઈ સાથે ગિનિસ બુકમાં આ વખતે અમદાવાદ સ્થાપ પ્રાપ્ત કરે તેના પ્રયાસો ચાલી રહ્યા છે. ૨૭ લાખ રૂદ્રાક્ષ મારફતે આ સવા ૩૫ ફુટ ઉંચુ શિવલિંગ નિર્મિત કરાશે. આ મહોત્સવ દરમ્યાન ૨૧ પોથી શિવકથા, ૨૧ કુંડા મહારુદ્ર યજ્ઞ, સમૂહ રુદ્રાભિષેક સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ છે. આ પ્રસંગે મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, સતત ૯ દિવસ શિવગુણ ગાવાનો યોગ અમદાવાદને પ્રાપ્ત થઈ રહ્યો છે તે બહુ મોટા ગૌરવ અને પુણ્યની વાત છે. આ સતસંગ વિશ્વ આખાને સત્ય, પ્રેમ અને કરુણા આપે અને સૃષ્ટીમાં કોઈના પર આપત્તિ ન આવે એવી શુભ ભાવના તેમણે વ્યક્ત કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટરે રુદ્રાક્ષ મહાશિવલિંગ નિર્માણ કાર્યનું અવલોકન કરી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને શુભકામનાઓ પાઠવી હતી. બ્રહ્મ સમાજના અગ્રણી એવા યજ્ઞેશભાઈ દવેએ અમદાવાદનાં આંગણે કુંભના વર્ષમા યોજાયેલા આ ભગીરથ કાર્યને રુદ્રાક્ષના મહાકુંભ સમાન ગણાવ્યો હતો. રુદ્રાક્ષ મહાશિવલિંગ પરંપરાના સર્જક, શિવ કથાકાર પૂ.શ્રી બટુકભાઈ વ્યાસે આશીર્વચનમા જણાવ્યુ હતુ કે, જન મનમાં ભગવાન શિવનો વાસ થાય, સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય અને ભારતની ભવ્ય આધ્યાત્મિક, વૈદિક અને સનાતન સંસ્કૃતિનું જતન સંવર્ધન થાય એ માટે આવા સતકર્મો થતા રહેવા જોઈએ. આયોજન સમિતિના જતીનભાઈ પટેલ (૯ સ્ક્વેર ઇવેન્ટ), કેતનભાઈ પટેલ(પાટીદાર અગ્રણી, ભાજપ), એ.ડી. પટેલ (બિલ્ડર, સામાજિક કાર્યકર), મનસુખભાઈ પટેલ(પાટીદાર અગ્રણી)સહિત સમિતીના સર્વ સભ્યોએ અમદાવાદનાં આંગણે પહેલીવાર યોજાઇ રહેલા આ રુદ્રાક્ષના મહાકુંભ સમા વિવિધ સતકર્મોમા યજમાનપદ પ્રાપ્ત કરી જોડાવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગપતિ શરદભાઈ ઠાકર-વાપી, સામાજીક કાર્યકર રાજ શેખાવતજી, સામાજીક અગ્રણી પંકજ રામાનુજ, અરવિન્દ સોની તથા વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદના સરખેજમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું

editor

જવેલર્સના સ્વાંગમાં ગઠિયાએ ૧૫ લાખની કરેલી છેતરપિંડી

aapnugujarat

Once again Dengue hits Gujarat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1