Aapnu Gujarat
ગુજરાત

જવેલર્સના સ્વાંગમાં ગઠિયાએ ૧૫ લાખની કરેલી છેતરપિંડી

શહેરના નિકોલ વિસ્તારમાં એક ગઠિયાએ તેના સાગરિતની મદદથી જવેલર્સ તરીકેનો ડોળ ઉભો કરી મુંબઇની ડાયમંડ કંપનીને રૂ.૧૫ લાખના હીરાની ટોપી પહેરાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મુંબઇની ડાયમંડ કંપનીના કર્મચારીઓએ આ સમગ્ર ઠગાઇ અને છેતરપીંડીના બનાવ અંગે નિકોલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી ગઠિયાની તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં ચામુંડાનગરમાં આવેલા ઓમ્‌ સુંદરમ જવેલર્સના કહેવાતા માલિક વિપુલ જૈને મુંબઇમાં રહેતા અને ઇકો બિલિયન્સ નામની ડાયમંડ કંપનીમાં ફરજ બજાવતાં કમલભાઇ અનંતરાય વેલાણીને ફોન કરી સારી કવોલિટીના ડાયમંડની ડિમાન્ડ કરી હતી અને ભાવનું કવોટેશન મંગાવ્યું હતું. બીજીબાજુ, આ જ ડાયમંડ કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારી અનિલભાઇને પણ વિપુલ જૈને ફોન કરી કવોટેશન મંગાવ્યું હતું. દરમ્યાન અનિલભાઇએ આપેલો હીરાનો ભાવ ઓછો હોવાથી વિપુલે અનિલભાઇના વોટ્‌સએપ પર વિઝીટીંગ કાર્ડ મોકલી આપ્યું હતું. અનિલભાઇએ પણ એક કેરેટના રૂ.આઠ હજાર લેખે ભાવ વિપુલ જૈનને આપ્યો હતો. જેથી વિપુલે પહેલા ડાયમંડનું સેમ્પલ જોવા મંગાવ્યું હતું. અનિલભાઇ અને કમલભાઇએ ઇકો બિલિયન્સના માલિક પ્રેમલભાઇ સુધીરભાઇ શાહની મંજૂરી લઇ પાંચ કેરેટનું સેમ્પલ અમદાવાદ મોકલી આપ્યું હતું. જે જોઇ વિપુલે રૂ.૧૫ લાખના ૩૨૭ કેરેટના હીરાનો ઓર્ડર અનિલભાઇને આપ્યો હતો. બાદમાં કમલભાઇ અને અનિલભાઇ ઓર્ડર મુજબના રૂ.૧૫ લાખના હીરા ફલાઇટમાં લઇ અમદાવાદ આવ્યા હતા અને નિકોલમાં ઓમ સુંદરમ જવેલર્સ ખાતે પહોંચ્યા હતા. ત્યાં વિપુલ જૈન અને અન્ય એક શખ્સ હાજર હતા. વિપુલે કમલભાઇ પાસેથી હીરા જોવા માટે માંગ્યા હતા, કમલભાઇએ વિશ્વાસમાં આવીને વિપુલને હીરા જોવા માટે આપ્યા હતા. વિપુલે હીરા જોયા બાદ તેના કારીગરને હીરાની ખરાઇ કરવા આપ્યા હતા.
કમલભાઇ અને અનિલભાઇ વિપુલ જૈન સાથે વાતો કરી રહ્યા હતા તે દરમ્યાન કારીગર ત્યાંથી દુકાનના એક પાર્ટીશન તરફ જતો રહ્યો હતો, થોડીવાર પછી વિપુલ પણ ઉભો થઇને પાર્ટીશન તરફ ગયો હતો.કમલભાઇ અને અનિલભાઇએ થોડી રાહ જોઇ પરંતુ કોઇ પરત નહી ફરતાં તેઓ પાર્ટીશન તરફ ગયા અને જોયું તો પાર્ટીશન તરફ બહાર જવાનો દરવાજો હતો અને બંને જણાં ત્યાંથી રફુચક્કર થઇ ગયા હોવાનો ખ્યાલ આવી ગયો હતો. કમલભાઇએ તાત્કાલિક જ પોલીસ કંટ્રોલને જાણ કરી સમગ્ર મામલાની ઠગાઇની વાત કરી હતી અને બાદમાં નિકોલ પોલીસમથકમાં આરોપી વિપુલ જૈન અને તેના સાગરિત વિરૂધ્ધ રૂ.૧૫ લાખના હીરાની ઠગાઇ અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે બંને ગઠિયાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

જનમિત્ર કાર્ડ યોજના ખાનગી બેંકને કરોડોનો લાભ કરાવશે : કોંગ્રેસ

aapnugujarat

ઇવીએમ સાથે ચેડા કરી અને બેઇમાનીથી ભાજપ જીત્યું : હાર્દિક પટેલ

aapnugujarat

સુરતમાં ભડકો ભાજપના ત્રણ આગેવાનોએ અપક્ષ તરીકે ફોર્મ ભરતાં ભાજપની હાલત કફોડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1