Aapnu Gujarat
ગુજરાત

એસ.જી.હાઈ-વે પર આવેલાં માલાબાર કાઉન્ટીમાં પ્લમ્બરે ૧૦થી વધુ ચોરી કરી

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. ચોરી, લૂંટ જેવી ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની છે. બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ ઘરફોડ ચોર તેમજ લૂંટારુઓને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એસ.જી.હાઇવે પર આવેલ નિરમા યુનિવર્સિટીની પાછળના માલાબાર કાઉન્ટી નામના ફ્‌લેટમાં છેલ્લા એક મહિનાથી સ્પાઇડરમેનની જેમ ચોરીની ઘટનાને અંજામ આપતા પ્લમ્બરને સોલા પોલીસે સઘન તપાસના અંતે ઝડપી લીધો છે. ચોર પ્લમ્બર ઝડપાઇ જતાં સ્થાનિક રહીશોએ ભારે રાહતનો દમ લીધો હતો. કારણ કે, છેલ્લા એક મહિનામાં આ ચપળ પ્લમ્બરે સ્પાઇડરમેનની જેમ દસથી વધુ ચોરીને અંજામ આપ્યો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, પ્લમ્બર પકડાઇ જતાં સ્થાનિકોએ રાહતની લાગણી અનુભવી હતી. પ્લમ્બરનું કામ કરવાના બહાને યુવક અવારનવાર માલાબાર કાઉન્ટીમાં આવતો હતો અને અત્યંત ચપળતાપૂર્વક ચોરી કરતો હતો. છેલ્લા એક મહિનામાં આ પ્લમ્બરે દસ કરતાં વધુ ચોરી કરી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે, જ્યારે પાંચ કરતાં વધુ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. નિરમા યુનિવર્સિટીની પાછળ આવેલા માલાબાર કાઉન્ટી ફ્‌લેટમાં રહેતા મૃદાંગ શાહ, મિશાલ શાહ, દિલીપભાઇ કહાર તેમજ અરજિત સિંહા, શૈલેશભાઇ અને શ્રદ્ધાબહેને તેમના ઘરમાં થયેલી ચોરીના મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. છેલ્લા એક મહિનામાં માલાબાર કાઉન્ટીના અલગ અલગ બ્લોકમાં દસ કરતાં વધુ ચોરીના બનાવ બન્યા હતા. પોશ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્‌લેટમાં હાઇડેફિનેશન સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય ચોરીની ઘટના બનતાં માલાબારના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે ફ્‌લેટના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક શંકાસ્પદ વ્યકિત અલગ અલગ બ્લોકમાં અવારનવાર જતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે શંકાના આધારે યુવકની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. યુવકનું નામ અંકિત રાવળ છે અને તે પ્લમ્બરનું કામ કરે છે. પોલીસે અંકિતની આકરી પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અંકિત ફ્‌લેટ બનતા હતા ત્યારે કોન્ટ્રાક્ટર સાથે કામ કરતો હતો, જેથી તે ફ્‌લેટની તમામ જગ્યાઓથી પરિચિત હતો. ૬૦૦ ફ્‌લેટની આ સ્કીમમાં અંકિત પ્લમ્બરનું કામ કરવા માટે લોકોના ઘરે-ઘરે ગયો હતો અને પોતાના નંબર આપી દીધા હતા. સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ચૌહાણે જણાવ્યું કે, માલાબાર કાઉન્ટીના અલગ અલગ ફ્‌લેટમાં અંકિતે ચોરી કરી છે, જ્યારે ફ્‌લેટમાં કોઇ ના હોય ત્યારે તે ફ્‌લેટમાં બાલ્કની મારફતે જતો હતો અને કોઇ પણ ચીજવસ્તુઓને વેર-વિખેર કર્યા વગર ચોરીની ઘટનાને તે અંજામ આપતો હતો. અંકિત પહેલાં સીડી ચઢીને તમામ ફ્‌લેટમાં પ્લમ્બરના કામ માટે જતો હતો અને જે કોઇ ફ્‌લેટમાં કોઇ ના હોય ત્યારે પાઇપ પર ચાલીને બાલ્કનીમાં જતો રહેતો હતો અને પછી રૂમમાં જઇને ચોરી કરતો હતો. ધોળા દિવસે અંકિત ચોરી કરતો હતો, જેથી કોઇને તેના પર શંકા જાય નહીં. સિક્યોરિટી ગાર્ડ પણ તેની એન્ટ્રી કરતા હતા. અંકિત એવી રીતે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો કે તેના પર કોઇને શંકા જાય નહીં. પોલીસ સીસીટીવી ફૂટેજ તેમજ સિક્યોરિટી ગાર્ડની એન્ટ્રીના આધારે તેના સુધી પહોંચી ગઇ હતી અને એક મહિનાથી થતી ચોરીનો પર્દાફાશ કર્યો હતો.

Related posts

हेरिटेज के विकास में पब्लिक पार्टनर्शीप होगी : म्युनि कमिशनर

aapnugujarat

પાક.માં અસલી નેતા આવશે તો ભારતને પાઠ ભણાવીશુંઃ મસૂદ અઝહર

aapnugujarat

સુરતમાં આડેધડ વાહન પાર્ક કરનારાઓને ખેર નહિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1