Aapnu Gujarat
ગુજરાત

નારણપુરા, કિરણપાર્ક અને મીઠાખળીમાં સબ વે બનશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવેતંત્ર દ્વારા ફાટકમુક્ત અમદાવાદ અભિયાન હેઠળ અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર આવતાં ૩૨ રેલવે ક્રોસિંગ પર રેલવે ઓવરબ્રિજ અથવા તો રેલવે અંડરપાસ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે, જેમાં રેલવેતંત્ર દ્વારા કિરણપાર્ક, નારણપુરા અને મીઠાખળી ગામ રેલવે ક્રોસિંગ ખાતે પેડેસ્ટ્રિયન સબ-વે બનાવવાનાં આયોજનનો પણ સમાવેશ કરાયો છે. સૌપ્રથમવાર આ પ્રકારના પેડેસ્ટ્રિયન સબ વે બનવાથી નાગરિકોને ઘણી રાહત થશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ થતી જાય છે. દરરોજના ૭૫૦ વાહનનું આરટીઓમાં રજિસ્ટ્રેશન થતું હોઈ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ટ્રાફિક નિયમનના ભાગરૂપે રસ્તા પરનાં દબાણ ખસેડવા અવારનવાર મેગા ડ્રાઈવ હાથ ધરાય છે, નવા ફ્‌લાય ઓવરબ્રિજ, અંડરપાસના પ્રોજેક્ટને અમલમાં મુકાઈ રહ્યા છે. હાલમાં અંજલી ચાર રસ્તા, ઈન્કમટેક્સ ચાર રસ્તા, વિરાટનગર ચાર રસ્તા, અજિત મિલ ચાર રસ્તા, રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા, સિમ્સ હોસ્પિટલ પાસે બ્રિજ પ્રોજેક્ટ અમલીકરણમાં છે. જ્યારે ફાટકમુક્ત અમદાવાદ અભિયાન અંતર્ગત અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પરનાં કુલ ૩૨ રેલવે ક્રોસિંગ પૈકી ત્રણ રેલવે ક્રોસિંગ ખાતે શહેરના સર્વપ્રથમ રેલવે પેડેસ્ટ્રિયન સબ-વે બનાવાશે, જેમાં કિરણપાર્ક, નારણપુરા અને મીઠાખળી ગામ રેલવે ક્રોસિંગનો સમાવેશ થાય છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કિરણપાર્ક, નારણપુરા, અને મીઠાખળી ગામ રેલવે ક્રોસિંગ ખાતે સબ-વે બનાવવા માટે જરૂરી ફિઝિબિલિટી સર્વે થઈ ચૂક્યો છે અને હવે આગળની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. રેલવે દ્વારા આ ત્રણેય રેલવે ક્રોસિંગ ખાતે ૫.૦૦ મીટર પહોળા અને ૨.૨ મીટર ઊંચાઈનાં બોક્સ બનાવાશે. આ પ્રોજેક્ટ હેઠળ કિરણપાર્ક અને નારણપુરા રેલવે ક્રોસિંગને ખુલ્લાં રખાશે અને રોડ સાઈડની બાજુએ ક્રોસિંગની બંને તરફ નીચે ઊતરતાં પગથિયાં બનાવીને સબ-વે આકાર પામશે, પરંતુ મીઠાખળી ગામ ક્રોસિંગને કાયમ માટે બંધ કરી દેવાશે. આ અંગે મ્યુનિસપલ ઈજનેર વિભાગના સૂત્રોના મતે, કિરણપાર્ક અને નારણપુરા રેલવે ક્રોસિંગના હયાત રોડને વધુ પહોળો કરીને સબ-વે પ્રોજેક્ટ હાથ ધરાશે. આ ત્રણેય વિસ્તારમાં પગપાળા નાગરિકોની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોઈ પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે ચઢીને મૃત્યુ પામવાના કિસ્સા પણ નોંધપાત્ર છે. આવા કિસ્સાને ઘટાડી લોકોની મહામૂલી જિંદગીને સલામત રાખવાના ઉદ્દેશ્યથી ફાટકમુક્ત અમદાવાદ હેઠળ રેલવે ક્રોસિંગ માટે પ્રથમ વાર પેડેસ્ટ્રિયન સબ-વે પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યો છે. અત્યારે અમદાવાદ-બોટાદ મીટરગેજ રેલવે લાઈન પર રેલવેતંત્ર હેઠળના રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં માટીકામ થઇ રહ્યું હોઇ તેના પર બ્રોડગેજના ટ્રેક બિછાવવાની કામગીરી આગામી ચારેક મહિનામાં હાથ પર લેવાશે તે દરમિયાન સબ-વે પ્રોજેક્ટને પણ આરવીએનએલ દ્વારા અમલમાં મુકાશે.

Related posts

જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને સોનાના મુગટ

aapnugujarat

कॉर्पोरेशन द्वारा फर्जी बिल घोटाले के मामले में बड़े लोगों को बचाने पुलिस शिकायत नहीं होने की संभावना

aapnugujarat

૨૦૧૯ ચૂંટણી સાર્વભૌમત્વની રક્ષા માટેનું યુદ્ધ છે : વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1