Aapnu Gujarat
ગુજરાત

ભાનુશાળીની હત્યા સંદર્ભમાં સરકાર ખુબ સંવેદનશીલ છે : જાડેજા

રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઇ છે તે સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. અને ઘટનાને અંજામ આપનાર કસૂરવારો સામે કડકમાં કડક હાથે પગલાં લેવાશે. ગૃહમંત્રી જાડેજાએ ઉમેર્યું કે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ બનાવને મુખ્યમંત્રીએ અત્યંત દુઃખદ ગણી દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે યોગ્ય પગલાં સત્વરે લેવા અને કડક હાથે પગલાં લઇ સજા અપાવવા સૂચનાઓ આપી છે. મંત્રી જાડેજાએ જણાવ્યું કે, ઘટનાની હકિકતલક્ષી અને સર્વગ્રાહી તપાસ થાય તે માટે રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાની દેરખેર હેઠળ અને રેલ્વેના નાયબ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના અધ્યક્ષે સાત સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી તપાસનો દોર યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યો છે. આ માટે એફએસએલના અધિકારીઓ બેલેસ્ટીક એક્સપર્ટ, ફીંગરપ્રીન્ટ એક્સપર્ટની મદદ લઇને તપાસ આરંભાઇ છે. જરૂરી પરિક્ષણના નમૂનાઓ પણ બનાવના સ્થળેથી મેળવીને પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જાડેજાએ ઉમેર્યું કે, પોલીસ તપાસ મુજબ તારીખ ૭મી જાન્યુઆરી – ૨૦૧૯ના રોજ મોડી રાત્રે ૧૨ઃ૩૦ કલાકની આસપાસ સામખીયાળી રેલ્વેસ્ટેશન નજીક સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના કોચ નં. એચ/૧ના સીટ નં. ૧૯ પર ભૂતપૂર્વ ધારાસભ્ય મુસાફરી કરી રહ્યા હતા. રાત્રિના સમયે અજાણી વ્યક્તિઓએ તેમના પર ફાયરીંગ કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમને રેલ્વે પોલીસે માળીયા મીયાણાના સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પૂર્વ ધારાસભ્યના સ્વજનોની રજૂઆત સંદર્ભે મૃતકનું પોસ્ટમોર્ટમ પેનલ ડૉકટર દ્વારા વિડીયો ગ્રાફી સાથે અને ફોરેન્સીક મેડીકલ ઓફીસર અમદાવાદની ઉપસ્થિતિમાં સિવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે કરાયું છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, પૂર્વ ધારાસભ્યના મોતની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનાથી લીધી છે. અને ઝડપથી તપાસનો દોર ન્યાયિક રીતે હાથ ધર્યો છે. ઘટનાની તપાસ દરમ્યાન કોઇપણ વ્યક્તિ કોઇપણ પક્ષનો હશે તો પણ જો તે કસૂરવાર હશે તો તેની સામે કડકમાં કડક હાથે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં ગુજરાત પોલીસ સહેજ પણ કચાશ રાખશે નહિ તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે બનાવની સંવેદનશીલતાને ધ્યાને રાખી રાજ્ય સરકારે ઝડપથી કાર્યવાહી થાય તે માટે સીટની રચના કરી છે. ત્યારે કોંગ્રેસ મગરના આંસુ સારે છે અને હકિકતલક્ષી તપાસ કર્યા વિના જ નિવેદનો આપે છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં અનેક રાજકીય હત્યાઓ થઇ છે. તેઓ તેમના બે વડા પ્રધાનને પણ બચાવી શક્યા નથી. તેમજ વલ્લભ પટેલ, વસનજી ઠકરાર, પોપટલાલ સોરઠીયા, ભીમજી વશરામ, ભરત કાંબલીયા અને રઉફવલી ઉલ્લા જેવા અનેક રાજકીય આગેવાનોને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે કેમ કોઇ નિવેદનો કર્યા ન હતા. અમારી સરકાર દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ દ્વારા ગુનેગારોને નશ્યત કરવામાં માને છે અનેક કસૂરવારોને અમારી સરકારે સજા કરી છે ત્યારે કોંગ્રેસ પોતાનું ઘર સાચવે એ જરૂરી છે.

Related posts

ચોકીદારની હત્યા કરી ચોર લાખો રૂપિયાની કેરી ચોરી ગયાં

aapnugujarat

દેશમાં દર દસ મિનિટે નવ સાઇબર ક્રાઇમ નોંધાય છે

aapnugujarat

મગફળી ગોડાઉન સળગવા દેવા માટેનું દબાણ હતું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1