Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચોકીદાર અંધારામાંથી ચોરોને પકડી પાડશે : સોલાપુરમાં મોદીના કોંગ્રેસ પર પ્રહાર

મહારાષ્ટ્રના સોલાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રચંડ જાહેરસભાને સંબોધી હતી. મોદીએ સંકેત આપ્યો હતો કે, સનસનાટીપૂર્ણ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કેસમાં ધરપકડ કરવામાં આવેલા અને હાલમાં જેલની હવા ખાઈ રહેલા વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે મલ્ટીરોલ એરક્રાફ્ટ સમજૂતિમાં ફ્રેન્ચ કંપની રાફેલના હરીફો માટે પણ લોબી ચલાવી હતી. મોદીએ દાવો કર્યો હતો કે, તપાસમાં એવી વિગતો પણ ખુલી રહી છે કે, મિશેલે માત્ર ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં જ નહીં બલ્કે અન્ય સંરક્ષણ સોદાબાજીમાં પણ લોબી ચલાવી હતી અને તેની પાસે તમામ પ્રકારની માહિતી પહોંચી રહી હતી. મોદીએ કહ્યું હતું કે, દેશનો ચોકીદાર ખુબ સાવધાન છે અને ઉંઘી જવા ઇચ્છુક નથી જેથી તમામ લોકો સકંજામાં આવી રહ્યા છે.
રાફેલને લઇને હોબાળો મચાવી રહેલા અન્ય પાર્ટીઓના તથા કોંગ્રેસ પાર્ટીએ મિશેલ સાથેના સંબંધમાં માહિતી આપવી જોઇએ.
તેમણે ઉમેર્યું હતું કે, ચોકીદારને ભયભીત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ ચોકીદારે ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કમરકસી લીધી છે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટેની લડાઈ સફળતાપૂર્વક ચાલુ રહેશે. ચોકીદાર એવો છે કે, અંધારામાં પણ ચોરોને પકડી પાડવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, જનરલ કેટેગરી માટે ૧૦ ક્વોટા ખુબ મહત્વપૂર્ણ બાબત છે. સોલાપુરમાં ઇન્ફ્રા પ્રોજેક્ટો હાથ ધર્યા બાદ જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, નોકરી અને શિક્ષણમાં સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા ક્વોટા આપવાનું બિલ પાસ થઇ ગયું છે જે જુુઠ્ઠાણા ફેલાવનાર લોકોને અમારો જવાબ છે. રાજ્યસભામાં પણ બિલ પસાર થઇ જશે તેવો દાવો કર્યો હતો. દલિતો, આદિવાસીઓ સહિત વંચિત વર્ગના અધિકારોને સ્પર્શ કર્યા વગર આ બિલ લાવવામાં આવ્યું છે. લોકસભામાં પસાર થવાની ઘટનાને ઐતિહાસિક ગણાવીને તેમણે તમામનો આભાર માન્યો હતો. બાંગ્લાદેશ અને પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનમાંથી આવેલા બિન મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવા સાથે સંબંધિત સિટિઝન બિલ પાસ થવાના મુદ્દે મોદીએ કહ્યું હતં કે, તેઓ આસામ અને ઉત્તર પૂર્વના લોકોને ખાતરી આપવા માંગે છે કે, તેમના અધિકારો આ બિલની જોગવાઈ મારફતે કોઇપણરીતે જોખમમાં મુકાશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, જુઠ્ઠાણા ફેલાવનારને તેઓ જવાબ આપી રહ્યા છે.
મોદીએ ઉમેર્યું હતું કે, સ્વતંત્રતા બાદ દશકોથી દરેક સરકાર પોતાના હિસાબો કરતી રહી હતી પરંતુ જ્યારે ભાજપના નેતૃત્વના હાથમાં કામ હોય છે ત્યારે સરળતાથી કામ થાય છે. ઉત્તર પૂર્વના નાગરિકોને પણ કોઇપણ નુકસાન થનાર નથી. ભારત માતા કી જય અને વંદેમાતરમ બોલનારને તથા આ દેશની માટીને પ્રેમ કરનારને ભારતની નાગરિકતાનો રસ્તો સાફ કરી દીધો છે. પોતાની સરકારની સિદ્ધિઓની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, ૨૦૧૪ સુધી ૯૦૦૦૦ કિમીના નેશનલ હાઈવે બન્યા હતા. આજે ચાર વર્ષ બાદ એક લાખ ૩૦ હજાર કિમીથી વધુના હાઈવે છે. સાડા ચાર વર્ષના ગાળામાં ૪૦૦૦૦ના નેશનલ હાઈવે જોડવામાં આવી ચુક્યા છે.
ગરીબ શ્રમિકોના પરિવારને ઝડપથી મકાન મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સોલાપુર અને આસપાસના વિસ્તારોના લોકોને પણ લાભ મળી ચુક્યા છે. ૩૦૦૦ કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં પહોંચી ગયા છે. પહેલા વચેટિયાઓ નાણાં ખાઈ જતાં હતા. પહેલા સત્તા જન્મસિદ્ધ અધિકાર સમજનાર લોકો આજે કાયદાના સકંજામાં ઉભા છે અને ટેક્સ ચોરી સાથે જોડાયેલા મામલાઓમાં પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. તેમના પરસેવા છુટી ગયા છે. મોટા મોટા દિગ્ગજો કાયદાકીય સકંજામાં છે અને પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. ચોકીદાર અંધારામાં પણ ચોરોને પકડવાની શક્તિ ધરાવે છે.
ચોકીદારની શક્તિનું કારણ સામાન્ય લોકોના આશીર્વાદ છે. મિડિયા રિપોર્ટમાં વાત આવી રહી છે કે મિશેલ માત્ર હેલિકોપ્ટર સોદામાં જ સામેલ ન હતો બલ્કે અન્ય સંરક્ષણ સોદામાં પણ સામેલ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોલાપુરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પોતાની જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામત પર મહોર મારીને સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાકાર કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, અહીં ઉપસ્થિત લોકોની તાળીઓના અવાજથી લાગે છે કે, મોડી રાત સુધી અહીં ઉપસ્થિત રહેલા લોકો પણ ટીવી પર ચર્ચા સાંભળી રહ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, રાજ્યસભામાં પણ આ બિલને પસાર કરવા માટે પગલા લેવામાં આવીચુક્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, કેટલાક લોકો આરક્ષણના નામ ઉપર દલિતોને જે મળ્યું છે તેમાંથી કેટલોક હિસ્સો કાઢવા માંગતા હતા. આદિવાસીઓને જે મળ્યું છે તેમાંથી હિસ્સો કાઢવા માંગતા હતા. પોતાની લઘુત્તમીની રાજનીતિ કરવા ઇચ્છુક હતા પરંતુ અમે દલિતો, આદિવાસી અને ઓબીસીના ખાતામાંથી કંઇપણ હિસ્સો કાઢ્યા વગર આગળ વધી રહ્યા છે. સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાબિત કરવા માટે તેમની સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ દેખાઈ રહી છે.

Related posts

ઇસરો અંતરિક્ષમાં ભારતીયને મોકલવાની તૈયારી કરી રહ્યું છે

aapnugujarat

ત્રાસવાદને સમર્થન આપનાર બધાં કાશ્મીરી યુવાનો સામે સેનાની લાલ આંખ

aapnugujarat

એક્સીસ બેંકના વડા શિખા શર્માની અવધિમાં હવે કાપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1