Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં ડોક્ટરના આવાસ પર પોલીસના દરોડા

રાજકોટ શહેરની લાઇફ કેર હોસ્પિટલમાં કામ કરતો એક યુવક છેલ્લા ૨૨ દિવસથી ગુમ થયો છે. બીજીબાજુ, પરિવારના લોકોએ યુવકને શોધી કાઢવા માટે અનેક રજુઆતો કરી ચુક્યા છે છતાં હજુ સુધી યુવકની ભાળ મળી નથી ત્યાં આજે મૂળ સૂત્રાપાડાના પ્રાસલી ગામના આ યુવક મયુર મોરીને કારમાં ડો.શ્યામ રાજાણી દ્વારા માર મારવાનો ચોંકાવનારો વીડિયો સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જેને પગલે પોલીસે આ મામલે હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણીની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. સમાપક્ષે ડોક્ટરે પણ પોલીસમાં આ યુવક વિરુદ્ધ બે અરજીઓ આપી છે. જો કે, ડો.શ્યામ રાજાણીના યુવકને માર મારવાના વીડિયો વાયરલ થયા બાદ તેમની પત્ની કે જે હાલ તેણીના પિયર રહે છે અને ડોકટર સાથે તેમના છૂટાછેડાની વાત ચાલી રહી છે તેના તરફથી ડો.રાજાણી પર કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે ડો.શ્યામ રાજાણીના કલીનીક અને નિવાસસ્થાને દરોડા પાટી ઝીણવટભરી તપાસ આદરી હતી. ડો.રાજાણી દ્વારા મયુર મોરીને માર મારતા સામે આવેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણી સહિતના શખ્સો દ્વારા તેને કારમાં કેદ કરીને માર મારવામાં આવી રહ્યો છે. કારમાં યુવક સિવાય ત્રણ લોકો છે. જેમાં બે લોકોએ યુવકને પાછળની સીટમાં વચ્ચે બેસાડી રાખ્યો છે. આગળની સીટમાં બેસી રહેલો યુવક આ મારપીટનો વિડિયો ઉતારી રહ્યો છે. જ્યારે પાછળની સીટમાં બેઠેલા બંને લોકો યુવકને માર મારી રહ્યા છે. તેમજ તેને કંઇક કબૂલ કરવાનું કહી રહ્યા છે. દરમિયાન યુવકને સાંકળથી પણ માર મારવામાં આવે છે તેમજ તેના હાથ બાંધીને તેને માર મારવામાં આવી રહ્યો છે. પાછળની સીટમાં બેઠેલા બંને લોકો યુવક સાથે ગાળાગાળી કરી રહ્યા છે. પાછળની સીટમાં રહેલા ડોક્ટર સહિતના બંને યુવકો તેના હાથના આંગળા દબાવી રહ્યા છે. અને મયુર જોરદાર ચીસો પાડી આક્રંદ કરી પોતાને છોડી દેવાની વિનંતી કરી રહ્યો છે. અને કહી રહ્યો છે કે, આવો અમાનુષી અત્યાચાર કરવાને બદલે તમે મને મારી જ નાખો. વિડિયો સામે આવ્યા બાદ પોલીસે ડોક્ટરની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. યુવકને એક એસયુવી કારમાં કેદ કરીને તેને માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ કારનો પણ કબજો લીધો છે. ડોક્ટર યુવકને માર મારી રહ્યા હતા ત્યારે તેના સહકર્મીએ જ આ વિડિયો ઉતારી વાયરલ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા તેમણે તેમનો પુત્ર ગાયબ થવા પાછળ ડોક્ટર શ્યામ રાજાણીનો હાથ હોવાનું જણાવ્યું હતું. સામા પક્ષે ડો.રાજાણીએ પણ પોલીસ સ્ટેશનમાં એવી અરજી કરી છે કે યુવક તેને અપશબ્દો કહેતો હતો. હોસ્પિટલમાં પણ તે મહિલા કર્મીઓની છેડતી કરતો હતો. આ વાયરલ વિડિયો અંગે ડોક્ટરે સ્પષ્ટતા કરી છે કે, છેડતીના આરોપ બાદ મયુરને માર મારવામાં આવ્યો હતો. જ્યારે હોસ્પિટલ નજીકના લોકોના કહેવા મુજબ ડોક્ટરનું ચારિત્ર્ય શંકાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે. ગુમ થયેલા યુવકની સાથે કામ કરનાર એક યુવકે જણાવ્યું હતું કે ડોક્ટરના કોઈ પુરાવા મયુર પાસે હતા. ડોક્ટરના છૂટાછેડાના મામલામાં મયુરને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. આ માટે જ તેને માર મારવામાં આવ્યો હતો. આ યુવકના જણાવ્યા પ્રમાણે મયુરના મોબાઇલમાં ડોક્ટર વિરુદ્ધ ઘણા પુરાવા હતા. પોલીસે હવે તમામ મુદ્દે ઝીણવટભરી તપાસ આરંભી છે અને મયુરને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

ઉનાનાં કાણેકબરડા અને સામતેરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો : ૨૭૩ બાળકોનું નામાંકન : પ્રવેશોત્સવનાં માધ્યમથી શિક્ષણમાં પ્રત્યે જાગૃતિ આવી છે : શ્રી વિકાસ સહાય

aapnugujarat

બોટાદમાં ડોકટરે દારૂ પી ડિલીવરી કરાવતાં માતા અને શિશુનું મોત

aapnugujarat

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્‍થિતિમાં શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્‍દી મહોત્‍સવનો સમાપન સમારંભ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1