Aapnu Gujarat
બ્લોગ

અનામત આંદોલન મોદી માટે માથાનો દુઃખાવો બનશે

આઝાદી વખતની પરિસ્થિતિ જે હતી તેને અનુલક્ષીને ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. ભીવરાવ આંબેડકરે અને ત્યારની પ્રવર્તમાન સરકારે અનામત લાગુ કરી જે માત્ર ૧૦ વર્ષ માટે હતી, પરંતુ હવે તે મત મેળવવાનું સાધન બની ગયું છે અને ૩૫ ટકા વસ્તી માટે ૫૦ ટકા અનામતની લ્હાણી કરવામાં આવે છે.હવે સમય પાકી ગયો છે કે ભલે અનામત સંપૂર્ણ પણે નાબૂદના કરોપ પરંતુ તેમાં જરુરી સુધારા તો લાવો.. અનામતનો મૂળ ઉદેશ પછાત દલિત વર્ગને ઉપર લાવવાનો છે.અનામતએ સૌથી મોટો ચૂંટણી મુદ્દો છે કારણ કે દલિત મુસ્લિમ સમાજ વોટ આપવા જાય જ છે અને તેઓ એમને જ વોટ આપે છે જે એમનો લાભ કરાવે છે. જો સવર્ણ સમાજ પણ મોટી સંખ્યામાં વોટ આપવા જશે તો આ ધ્રુવિકરણ બંધ થશે. અનામતની સમીક્ષા થશે તો જરૂરિયાતવાળાને અનામત મળશે અને સમાજમાં વર્ગ વિગ્રહ બંધ થશે.ભારત વિશ્વનો એક માત્ર દેશ છે જ્યા જાતિ આધારિત અનામત આપવામાં આવે છેપ કોઈપણ રાજનૈતીક પક્ષ માટે આ સુધારા લાવવા લોઢાના ચણા ચાવવા સમાન છે. પણ દેશહિતને સર્વોપરી માની નોટબંધીની જેમ અનામત સુધારો પણ લાવવો જોઈએ.પાટીદાર કોમની સાથે સાથે અન્ય સવર્ણો બ્રાહ્મણ, વણિક, લોહાણા, ક્ષત્રિય, સોની, બ્રહ્મક્ષત્રિય વગેરે સહુ કોઇએ શિક્ષણ ક્ષેત્રથી માંડીને સરકારી નોકરીઓમાં અનામતની માગ બાબત અવાજ ઉઠાવ્યો છે.અનામત મુદ્દે ભારતના બંધારણમાં ૬૫ વર્ષ અગાઉ જ જોગવાઇ નક્કી થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે એક ચુકાદા દ્વારા અનામતની ટોચમર્યાદા બાંધી દીધી છે. ગુજરાત રાજ્યની કુલ વસ્તીના ૨૨ ટકા લોકો શિડ્યુઅલ ટ્રાઇબ તથા શિડ્યુઅલ કાસ્ટની કેટેગરીમાં આવે છે. જ્યારે ૨૭ ટકા ઓબીસી કેટેગરીમાં આવે છે. આમ તમામ એટલે કે કુલ ૪૯ ટકા લોકો અનામતનો લાભ મેળવે છે. સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે કોઇ પણ રાજ્યમાં ૫૦ ટકાથી વધુ અનામત ફાળવી શકાશે નહીં. રાજ્યમાં ફરી એક વખત અનામત આંદોલનનું ભૂત ધુણવાની તૈયારીમાં છે. આ વખતે અનામત મેળવવા માટે મોટી તૈયારી કરવામાં પાટીદારો કોઈ કચાશ રાખવા નથી માગતા. અત્યાર સુધી અનામત મેળવવા માટે પાટીદારોએ તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો ત્યાં સુધી કે હાર્દિક પટેલે અનામત આંદોલન માટે આમરણ ઉપવાસ કર્યા, પણ સરકારે પાટીદારો સામે બગાસુ ખાઈ પડખુ ફેરવી લીધું. જેના કારણે આંદોલનની સ્થિતિ ધીમી પડી ગઈ. પાટીદારોનું આંદોલન એક ગાડીની માફક રહ્યું જે ક્યારેક પૂરપાટ ભાગે અને ક્યારેક ધીમી પડી જાય.
ગુજરાત સરકાર જ્યાં પાટીદારોને અનામત આપવાની તૈયારીમાં હજુ લાગતી નથી. તો બીજી તરફ અનામત મેળવવા માટે હવે નવી ફોર્મ્યૂલાનો ઉપયોગ કરવાનું પાટીદાર અગ્રણી દિલીપ સાબવાએ નક્કી કર્યું છે. આ માટે જાટ, મરાઠા અને ગુર્જરોને સાથે રાખી અને અનામતનું આંદોલન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જો કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકારે મરાઠાઓને અનામત આપી તેમના હક્કો તેમને આપ્યા હતા. જેના કારણે બીજા રાજ્યોમાં થઈ રહેલી આંદોલનની પ્રક્રિયાને પુનઃવેગ મળ્યો હતો. ફરી પાટીદારોને આશ્વાસન મળ્યું હતું કે અનામત મળી શકે તેમ છે. જો મરાઠાઓને મળી શકે તો પાટીદારોને અચૂક મળી શકે. મરાઠાઓએ જે રીતે આંદોલન માટે પ્રયાસો કર્યા તે જ પ્રયાસો હવે પાટીદારો પણ કરવા જઈ રહ્યા છે. પાટીદારોએ જ્યારે અનામતની માંગ કરી હતી ત્યારે બીજી જ્ઞાતિઓ પણ તેમાં કુદી પડી હતી. જેમાં નવા નેતાઓ ગુજરાતના રાજકીય પટ પર આવ્યા હતા. બ્રાહ્મણ, ઠાકુર, વૈષ્ણવ અને રઘુવંશી સહિતની જ્ઞાતિઓએ અનામતની માગ કરી હતી.બીજી તરફ માનવામાં આવી રહ્યું છે કે, સરકાર કદાચ પાટીદારોને અનામત આપશે પણ અત્યારે નહીં જ્યારે તેમને રાજકીય રીતે લાભ ખાટવાનો મોકો મળશે ત્યારે પાટીદારોને અનામત મળવાના ચાન્સિસ પણ પેદા થશે. અત્યારે એવી કોઈ પણ પ્રકારની સ્થિતિ દેખાઈ નથી રહી. હાલમાં જ થયેલી જસદણની ચૂંટણીમાં જ્યાં પાટીદાર મતદારોની સંખ્યા વધારે હતી ત્યાં પણ ભાજપ જીતી ગયું હતું એટલે કે મતદારો તરફથી ભાજપને પાટીદારો ભવિષ્યમાં પણ ખોબલ ખોબલે મત આપશે. હાલ પુરતી તો અનામત આપવાની સરકારની કોઈ તૈયારી દૂર દૂર સુધી દેખાઈ નથી રહી. જોકે હવે બીજા રાજ્યોમાં અનામતની સ્થિતિ કેવી છે તેના પર નજર કરીએ.મરાઠા આંદોલન ઘણા લાંબા સમય સુધી ચાલ્યું હતું. જેમાં મરાઠાઓને સફળતા પણ પ્રાપ્ત થઇ રહી હતી. આ સમયે એક મરાઠા લાખ મરાઠા જેવા સ્લોગને પણ કાફી ચર્ચા જગાવી હતી. આ માટે સંઘર્ષ પણ થયો અને ઘણા યુવાઓએ અનામત મેળવવા માટે આત્મહત્યાનો રસ્તો પણ અપનાવ્યો હતો. આંદોલન હિંસક પણ થયું હતું. જોકે આટલી લાંબી મંજીલ કાપ્યા બાદ તેમને મહારાષ્ટ્ર સરકારે અનામત આપી દીધી હતી. જે રસ્તા પર હવે પાટીદારો ચાલવાની તૈયારી કરી રહ્યા છે.જાટ એ હરિયાણાની એક જ્ઞાતિ છે. તેમને ખેડૂતો કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં મોટાભાગના જાટના લોકો વસવાટ કરે છે. જાટોની માગ હતી કે ઓબીસીની માફક તેમને પણ અનામત આપવામાં આવે. ૧૯૯૧માં તેની પહેલીવાર માંગ ઉઠી હતી. ૨૦૦૪માં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમણે ઘણી વખત જાટોને અનામત મળી રહે આ માટેની માગ કરી હતી. જાટોની અનામતની માંગ એક વખત નહીં ઘણી વખત હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેમને સાથે રાખી હવે પાટીદારો અનામતની માગ કરી રહ્યા છે એટલે કે કદાચ ગુજરાતમાં ફરી હિંસા ભડકવાના પણ એંધાણ થઈ શકે છે.એટલે કે પાટીદારો હવે એકલા હાથે લડવા નથી માગતા. પોતાના આંદોલનને એક જગ્યાએ સિમિત રાખવા નથી માગતા. માત્ર ગુજરાતને લઈ પાટીદારોએ ઘણી વાર અનામતની માગ કરી પણ એક પણ વખત તેમને અનામતનું આશ્વાસન નથી મળ્યું ત્યારે હવે રાજકીય પક્ષોની માફક જે જે રાજ્યોમાં અનામતની માગ કરનારી જ્ઞાતિઓ હશે ત્યાં જઈ પાટીદારો ગઠબંધન કરશે. ત્યારે ભવિષ્યમાં પાટીદારોના અનામત આંદોલનનું સ્વરૂપ કંઈક નવી આગ પકડે તો નવાઈ નહીં.ભારતની તવારીખમાં નજર કરીએ તો તે અલગઅલગ રાજ્યોમાં અનામત આંદોલન ચાલી રહ્યા છે, ચાહે તે ગુજરાત હોય રાજસ્થાન કે હરિયાણા.
પરંતુ દરેક અનામત આંદોલનના મૂળમાં એવી જાતિઓ છે, જે બંધારણીય રીતે અનામતની માગ કરી રહી છે, પરંતુ લગભગ દરેક રાજ્યમાં અનામતની ટકાવારી ટોચમર્યાદાને સ્પર્શી ગઈ હોવાથી તે શક્ય નથી બનતી.મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની વસતિ રાજ્યની કુલ વસતિના ૩૩ ટકા એટલે કે લગભગ ચાર કરોડની આસપાસ છે, જેઓ ’મરાઠા ક્રાંતિ મોર્ચા’ના નેજા હેઠળ ૧૬ ટકા અનામતની માગણી કરી રહ્યા છે.આ આંદોલન છેલ્લાં બે વર્ષથી ચાલે છે અને ગયા વર્ષે અનામતની માગણીઓને લઈને મુંબઈમાં રેલીઓ પણ યોજવામાં આવી હતી.દુષ્કાળ, પાકના ઓછા ભાવ અને પાણીની અછતને કારણે મહારાષ્ટ્રમાં ખેતી નિષ્ફળ જતાં ખેડૂતો બેહાલ બન્યા હતા.આ સ્થિતિમાં વર્ષ ૨૦૧૩માં મરાઠાઓને અને મુસ્લિમોને કોંગ્રેસ અને એન.સી.પી. (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) ની સરકાર દ્વારા સરકારી નોકરી અને શિક્ષણમાં મરાઠાઓને ૧૬% અનામત આપવામાં આવી હતી અને મુસ્લિમોને પાંચ ટકા અનામતની જાહેરાત કરી દેવામાં આવી હતી.આગળ જતા સરકારના આ નિર્ણયને મહારાષ્ટ્ર હાઈકોર્ટે રદ કર્યો હતો, કારણ કે રાજ્યમાં અનામતની ટકાવારી ૫૦ ટકા ઉપર થઈ જતી હતી જે ગેરબંધારણીય છે.૨૫ ઑગસ્ટ ૨૦૧૫ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં પટેલ સમુદાય દ્વારા અનામતની માગણીઓને લઈને જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી પાટીદાર સમુદાયના હજારો લોકો ઉમટી પડ્યા હતા.રાજ્યાની કુલ વસતિના ૧૨.૩ ટકા હિસ્સો ધરાવતા પાટીદાર સમુદાયે અનામતની માગણીઓને લઈને આંદોલન છેડ્યું હતું.
પાટીદારન અનામત આંદોલનના નામથી હાથ ધરવામાં આવેલા આ આંદોલનના નેતા હાર્દિક પટેલ હતા જેઓએ પાટીદાર સમાજને ઓબીસી (અન્ય પછાત વર્ગ)માં સમાવવાની માગ કરી હતી.રાજસ્થાનમાં ગુર્જર સમુદાય અનુસુચિત જનજાતિમાં પાંચ ટકા અનામત સાથે સામેલ થવાની માગણી કરી રસ્તા પર ઉતરી આવ્યો હતો.ગુર્જર સમુદાયનું અનામત આંદોલન વર્ષ ૨૦૦૮થી ચાલ્યું આવે છે, જે સમાંયતરે અલગઅલગ વળાંકો તરફ વળ્યું છે, જુલાઈ મહિનામાં સરકારે ગુર્જરોની માગણીઓને સંતોષવા અને રાજ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે એસબીસી (વિશેષ પછાત વર્ગ) અંતર્ગત ઓબીસી આરક્ષણ વિધેયક પસાર કર્યું, જેમાં પાચં ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
રાજસ્થાનમાં ૨૧ ટકા અન્ય પછાત વર્ગ, ૧૬ ટકા અનુસુચિત જાતિ અને ૧૨ ટકા અનુસુચિત જનજાતિને અનામત મળતી જે કુલ ૪૯ ટકા થતી હતી.
રાજ્યની વિધાનસભાએ ગુર્જર સહિત ગાડિયા, લુહાર, બંજારા, રેબારી, રાયકા, ગડરિયા, ગાડોલિયા અને અન્યને પાંચ ટકા અનામત આપી એસબીસીમાં સામેલ કરી હતી, જેથી અનામતની ટકાવારી ૫૪ ટકા થઈ જે ગેરબંધારણીય હતી.રાજસ્થાન વિધાનસભાએ અન્ય પછાત વર્ગ વિધેયક ૨૦૧૫ પસાર કર્યું હતું, જેમાં બિનઆરક્ષિત વર્ગોને ૧૪ ટકા અનામત આપવાની માગ કરી હતી. આ વિધેયક પસાર થતા જ રાજ્યામાં અનામતની ટકાવારી ૬૮ ટકા થઈ હતી.
ત્યારે ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ સદનમાં જણાવ્યું હતું કે સરકાર આ નવા વિધેયકને સંવિધાનમાં લાવવાનો પ્રયાસ કરશે.આંધ્ર પ્રદેશના પૂર્વે ગોદાવરી જિલ્લામાં કાપૂ સમુદાયના લોકો સરકારી નોકરીઓમાં પાંચ ટકા આરક્ષણ અને પછાત વર્ગમાં સામેલ કરવાની માગ સાથે વર્ષ ૨૦૧૬માં આંદોલન પર ઊતરી આવ્યો હતો.આંદોલનને પગલે લોકો હિંસાએ હિંસા આચરી હતી અને એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી સાથે જ અનેક મુખ્ય રસ્તાઓને રોકી દેવામાં આવ્યા હતા.
કાપૂ સમુદાયની માગ પણ બીજા સમુદાયોની જેમ પછાત વર્ગમાં સામેલ થવાની હતી. મુખ્યત્વે ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા આ સમુદાયની રાજ્યમાં કુલ વસતિ ૨૦ ટકા છે.આંદોલન બાદ આંધ્ર પ્રદેશ સરકારે વિશેષ શ્રેણી અંતર્ગત કાપૂ સુમદાયને પાચં ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.કાપૂ સમુદાયમાં તેલેગા, બાલિજા અને ઓન્તારી જાતિના લોકોનો સમાવેશ થાય છે.ભારતના બંધારણમાં અનુચ્છેદ ૧૫ અને ૧૬માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને આરક્ષણ આપવાની જોગવાઈ છે.કોઈપણ સમુદાયને અનામત આપવા માટે પછાત વર્ગ આયોગનું ગઠન કરવું પડે છે, જેનું કામ સમાજના દરેક સમુદાયની પરિસ્થિતિ જાણવાનું હોય છે.જે સમુદાયને ભૂતકાળમાં અન્યાય થયો હોય તેને કેન્દ્રમાં રાખીને એ સમુદાયને સમાજના બીજા તબક્કાઓ સાથે જોડવા અનામત આપવામાં આવે છે.આ સાથે જ વર્ષ ૧૯૯૩માં મંડળ કમિશને સુપ્રીમ કોર્ટની નવ જજની બેન્ચને નિયમાવલી સોંપી હતી, જેમાં કયા-કયા આધાર પર ભારતીય સંવિધાનમાં આરક્ષણ આપી શકાય તેની છણાવટ કરવામાં આવી હતી.હાલમાં ગુજરાતમાં તો આંદોલન ચાલી જ રહ્યું છે મોદી માટે મુસીબત એ છે કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને ખુશ કર્યા બાદ અન્ય રાજ્યોમાં પણ ગતિવિધિઓ તેજ બની છે.

Related posts

જંકફૂડથી ડિપ્રેશન વધવાનું સંકટ : અભ્યાસ

aapnugujarat

શું મુંબઈગરા મુંબઈને દિલ્હી બનતું રોકી શકશે ખરા…!!?

aapnugujarat

ટ્રીપલ તલાક બિલ : ભાજપની લાંબાગાળાની વ્યુહરચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1