Aapnu Gujarat
બ્લોગ

શું મુંબઈગરા મુંબઈને દિલ્હી બનતું રોકી શકશે ખરા…!!?

દરેક ગૂંગળાતા, ખાંસતા, મૂંઝાતા અને અકળાતા મુંબઈગરાને સમજાતું નથી કે પોતાને થઈ શું રહ્યું છે? શ્ર્‌વાસમાં તકલીફ, ગળામાં બળતરા, ઉધરસ, કફ અને નીતનવી તકલીફ. પોતે આહાર, વિહાર કે વ્યવહારમાં લેશમાત્ર ફેરફાર કર્યો નથી છતાં આવું કેમ થાય છે? કારણ આસપાસ છે, ચોપાસ છે. એ કારણોના જન્મદાતા પણ આપણે સૌ, હું, તમે, સમાજ અને સરકાર. મુંબઈને સિંગાપોર બનાવવાનો શેખચલ્લી પુલાવ ગેસના ચુલા પરથી ઉતારીને અભેરાઈ પર મૂકી દો. નહિતર મુંબઈને દિલ્હી થતા રોકી નહિ શકાય.
વિશ્ર્‌વની બીજા નંબરની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતની રાજધાનીની સૌથી વિકરાળ સમસ્યા છે પ્રદૂષણ. દિલ્હીની હાલતની સરખામણીમાં મુંબઈ ક્યાં? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ વિશ્ર્‌વના સૌથી પ્રદૂષિત મેગા સિટીમાં મુંબઈનો ક્રમ ચોથો છે અને મુંબઈએ દિલ્હી થતા બચવાનું હોય તો ત્યાંની હાલત શી હશે?
૨૦૧૬માં દુનિયાભરમાં હવાઈ પ્રદૂષણે ૪૨ લાખ માનવજીવનો ભોગ લીધો હતો, એમ મગજમાં રાખીને ભાવિ આયોજન કરવું રહ્યું. વૈશ્રિ્‌વક ચેતવણી, રાષ્ટ્રીય અભ્યાસ અને મરતા-પીડાતા નાગરિકો વચ્ચે સરકાર ગંભીર છે? ના, હોવી જોઈએ એટલી નહિ જ.
આગ લાગતી હોય ત્યારે પાણી ક્યાંથી લાવવું, કેટલું લાવવું અને ક્યા ભાવે લાવવું, એનાથી કોને શું લાગશે અને કેવા પ્રતિભાવ આવશે એવા ફીફા ખાંડવા રહીએ તો હાથમાં રાખ પણ ન આવે. આપણા રાજકારણીઓ સમયનો તકાજો સમજતા નથી કે સમજવા માગતા નથી. અત્યારે કયાં રાજ્યની કંઈ કેટલી જવાબદારી એની પળોજણમાં પડ્યા વગર પ્રદૂષણ અંગેની રાષ્ટ્રીય નીતિની આવશ્યકતા છે, કાયદાની જરૂરિયાત છે અને સૌથી વધારે અનિવાર્ય છે કાયદાના સખ્તાઈપૂર્વકના અમલની.
ટેક્નિકલ શબ્દો અને આંકડાબાજીની ભૂલ ભલામણીમાં વધુ પડ્યા વગર સમજી લઈએ કે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ નબળી છે, શ્ર્‌વાસમાં લેવાને લાયક નથી. ચેતવણી બાદ સરકાર ખરેખર જાગી છે કે પછી શિયાળાની વહેલી સવારે પથારીમાં બેઠી થયા બાદ ફરી ઊંઘી જશે, એ ખબર નથી પણ દિલ્હીમાં એક ક્વાયત શરૂ થઈ ગઈ છે.
દિલ્હીમાં દર વર્ષે વાહનોના ધુમાડા અને બાંધકામ ઉપરાંત અત્યારે પંજાબ-હરિયાણાની ખેતીને લીધે આફત ઊતરી આવે છે. ઘઉં છાડવાથી હવામાં ઉડતા તણખલાથી લઈને ખેતરોમાં બાળી નખાતા નકામા ડૂંડાને લીધે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ કથળી જાય છે. આ નવી નવાઈની કે ઓચિંતી બનતી બાબત નથી. એનાથી ઊભી થતી તકલીફ માટે શું વિચારાયું? દરેક સમસ્યાનો ઉપાય હોય જ. પણ મન હોય તો માળવે જવાય ને!
દિલ્હીમાં આજે સોમવારથી અનેક પગલાં ભરવાની જાહેરાત થઈ છે. વિવિધ તબક્કાની ગંભીરતા મુજબ ખેતરોમાં નકામા ખાસ બાળવા પર પ્રતિબંધ, ઈંટના ભઠ્ઠાઓ અને ઉદ્યોગો પર નિયંત્રણ, ડીઝલ જનરેટર સેટના ઉપાયોગ પર નિયંત્રણ, મેટ્રો રેલ અને બસની અવરજવર વધારવી, રસ્તા પરની ધૂળને ડામવા મશીનથી સાફસૂફી વધારવી, રસ્તા પર પાણી છાંટવું, વધુ ધૂળ ઉડાડતા રસ્તા ઓળખી કાઢવા. જીવનાવશ્યક ચીજોની હેરફેર કરતા હોય એ સિવાયની ટ્રકની શહેરમાં પ્રવેશ-બંધી, બાંધકામ પ્રવૃત્તિને બ્રેક મારવા જેવા અનેક પગલાં વિચારાયાં છે. આમાં ઓછા ખાનગી વાહનો રસ્તાઓ પર નીકળે એટલે પાર્કિંગ ચાર્જ વધારવાની પણ વિચારણા છે.
આયોજન આશાસ્પદ છે પણ એના અમલમાં બધાને એક જ લાકડીથી હાંકવાની જરૂર પડે. એ થઈ શકવાનું? દિલ્હીમાં તો દર બીજો માણસ વીવીઆઈપીનો સગલો નીકળવાનો. ત્યારે છટકબારીનો ઉપયોગ વધી નહિ જાય?
હવાની ગુણવત્તા બગાડવાના કારણો પર નિબંધ લખી શકાય પણ આ વધુ ને વધુ જીવલેણ બનતી સમસ્યાને હજી ગંભીરતાથી લેવાની આપણી આદત નથી. આજે નહિ ભવિષ્યમાં રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢોરામાં શુદ્ધ- સ્વચ્છ હવા પૂરી પાડવાનો ઘોંઘાટ કરવાના જ.
મુંબઈ માટે ખરા અર્થમાં દિલ્હી દૂર નથી. મુંબઈમાં અત્યારે કથળતા આરોગ્ય વચ્ચે વેકેશનમાં ઈકો-ટૂરિઝમ દર વર્ષે ૨૫ ટકાના દરે વધે છે. આપણે પ્રદૂષણથી બચવું છે, દૂર ભાગવાની જરૂરિયાત સમજાય છે પણ એ ઘટાડવામાં આપણી ફરજ બજાવીએ છીએ? મુંબઈને દિલ્હી બનતું રોકવા માટે આજથી તમે શું કરશો?(જી.એન.એસ)

Related posts

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

ગુજરાત ચુંટણી ભાજપ અને કોંગ્રેસ બંનેની કસોટી કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1