Aapnu Gujarat
બ્લોગ

સાથી પક્ષોની નારાજગી ભાજપ માટે મુશ્કેલી સર્જશે

શિવસેનાની હિન્દુત્વની વિચારધારા અને ભાજપની વિચારધારા વચ્ચે અંતર વધતું રહ્યું છે. ભાજપે મુસ્લિમોના તુષ્ટિકરણની શરૃઆત કરી ત્યારથી શિવસેનાને ખ્યાલ આવ્યો કે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે એક આસને બેસવાનું બહુ લાંબો સમય નહિ ચાલે. અત્યારે ચાલે છે પરંતુ મહારાષ્ટ્ર સરકારમાં ભાજપ-સેના યુતિનો સહિયારો શાસન-વહીવટ હવે લાંબો સમય ટકી શકે એમ નથી.આમ પણ રાજકારણમાં અહંકારની સ્પર્ધા થાય તો સહુની સામે ભાજપ-સેના યુતિ જીતે અને તેઓ બન્નેની વચ્ચે આંતરિક સ્પર્ધા થાય તો શિવસેના જીતે. એટલે જ ભાજપે મહારાષ્ટ્રમાં આજ સુધી પોતાના ઈગોને મિનિમાઈઝ કરી સેનાનો ટેકો લઈ-લઈને સ્વાર્થની જાળ બિછાવી છે.મહારાષ્ટ્ર સરકારમાં મુખ્યમંત્રી ફડણવીસ પરદા પાછળથી ખાસ ધ્યાન રાખે છે કે શિવસેનાના કોઈ કામ ન થાય. પ્રાદેશિક પક્ષોને સાથે રાખીને ખતમ કરવા માટેની ભાજપની ચાણક્ય નીતિ એ છે કે કદાચ વિરોધ પક્ષના બે મોટા કામ કરવા પડે તો કરવા પરંતુ પરંતુ જેના ટેકે આપણે ઊભા છીએ એનું તો કોઈ કામ કરવું નહિ અને થવા દેવું નહિ, એથી જ આગળ જતા તેઓના બધા કાર્યકરો અને નેતાઓ આપણા શ્રીચરણમાં આળોટવા આવશે.આ નીતિ હોવા છતાં ભાજપનો બાહ્યાચાર દાદ દેવા પાત્ર છે. ભાજપના અધ્યક્ષ જ્યારે પણ મુંબઈ જાય ત્યારે શિવસેનાના ઘરમાં સામે ચાલીને ડિનર લેવાની તક ન છોડે, આ છે એમની મોદીફાઈડ ડિનર ડિપ્લોમસી ! પાલઘરની પેટાચૂંટણીમાં ભાજપ અને સામસામી કમાન ખેંચી ત્યારથી જ આ યુતિનું ભંગાણ નિશ્ચિત માનવામાં આવે છે. શિવસેનાને પહેલા મરાઠી પ્રજાના અને હિન્દુત્વ સમર્થકોના મતની જ જરૃર હતી પરંતુ હવે સેનાને મોદી વિરોધીઓના મત ગળી જવાની તલપ લાગી છે. અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં શિવસેનાએ પોતાની ગેરહાજરી દાખવી ત્યારથી ભાજપના નાકને થોડો વધુ ઘસરકો લાગ્યો છે.ભાજપના અધ્યક્ષે શિવસેના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે સાથે વાત પણ કરી હતી પરંતુ સવારે શિવસેનાએ ગેરહાજર રહેવાનો એકાએક નિર્ણય લીધો હતો, એટલે હવે બન્ને પક્ષના નેતાઓ યુતિને ખંડિત કરવા તરફ આગળ વધવા લાગ્યા છે. રાજ્ય સરકારમાં યુતિ કદાચ ટકી રહે તો પણ આગામી લોકસભાની ચૂંટણીમાં તો બન્ને પક્ષ પોતાની રીતે જ લડશે એમાં હવે કોઈ શંકા રહી નથી. ભાજપે મહારાષ્ટ્રમાં એકલે હાથે ચૂંટણી લડવાના સંકેત આપતા મહારાષ્ટ્રના રાજકારણમાં ઉષ્ણતામાન વધ્યું છે.ભાજપને પોતે તૈયાર કરેલો તથા રેડીમેઈડ મતસંપુટ આંચકી લેવાની ટેવ છે. હવે ભાજપે ગુપ્ત રીતે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના કદાવર બીજી અને ત્રીજી શ્રેણીના નેતાઓને ભાજપની ટિકિટ પર લડાવવાની યોજના અમલી બનાવી છે, થોડા દિવસોમાં જ એના ચમકારો જોવા મળશે. શિવસેના પાસે ચોક્કસ રાજકીય વિચારધારા છે, આત્મગૌરવ અને સ્પષ્ટતાઓ પણ છે. ભાજપની નીતિ તો માત્ર યેનકેન પ્રકારે મત લેવાની છે. ભાજપ જે કંઈ કરે છે એ સત્તા મેળવવા કે સત્તામાં ટકી રહેવા માટે જ કરે છે, હવે એની કોઈ સ્વતંત્ર વિચારધારા નથી.જે મૂલ્યો અને આદર્શોની વાત કરીને નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પર આરોહણ કર્યું તેમાંના કોઈ મૂલ્યો કે આદર્શો હવે તેમની પાસે નથી. પરંતુ છતાં ખેલાડી ભાજપ સામે શિવસેનાનો પનો ટૂંકો પડે છે એટલે તે ટેકો ’આપી’ને પોતાના અસ્તિત્વ માટેનો ટેકો ’લઈ’ લે છે ! થોડા સમય પહેલા જ પોતાના સામયિકમાં ઉદ્ધવ ઠાકરેએ લખ્યું હતું કે મોદીના સપના માટે હું નથી લડી રહ્યો, મોદી માટે નહિ પરંતુ જનતા માટે કામ કરી રહ્યો છું.શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધોમાં તિરાડો પડતી રહી છે, હવે એટલી વધી ગઈ છે કે એ સંબંધ તૂટવાનો નક્કી છે. ભાજપે અનેક રીતે સેનાને છેતરી છે. આ સ્વભાવ ભાજપને એના તમામ સહયોગી પક્ષો સાથે નડતો રહ્યો છે. એનડીએના ઘટક પક્ષો મોદી-શાહથી સખત નારાજ છે. શિવસેનાએ ભાજપ અને મોદી વિરૃદ્ધ નિવેદનો કરવાનો એક પણ મોકો જતો કર્યો નથી. ૪૮ લોકસભા બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં ઈ.સ. ૨૦૧૪માં ભાજપ-શિવસેના યુતિએ ૪૨ બેઠકો જીતી લીધી હતી. મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો ઘટવાની છે અને તેમાં શિવસેના અલગ થશે એટલે ભાજપની બેઠકો સાવ ઓછી થશે.દેશમાં ઈ.સ. ૨૦૧૯ માટે વિરોધ પક્ષો જે મહાગઠબંધનના ગીતો ગાઈ રહ્યા છે તેની વિરાટ ઓરકેસ્ટ્રામાં ઉદ્ધવ ઠાકરે પણ કોઈ વાર પોતાનું વાજું વગાડવા જાય છે. ઠાકરેએ ચન્દ્રાબાબુ અને મમતા દીદી સાથે સારો સંબંધ કેળવી રાખ્યો છે. શિવસેનાને હવે ભાજપ સાથેની દોસ્તીના કડવા ફળ મળવા લાગ્યા છે, કારણ કે મહારાષ્ટ્રમાં ભાજપે પોતાનો પગદંડો જમાવ્યો છે.મોદી સરકારે નોટબંધી અને જીએસટીના જે અણચિંતવ્યા અને ઉતાવળા અખતરા કર્યા તેના મહત્તમ આઘાતો દેશના આર્થિક પાટનગર મુંબઈમાં રજિસ્ટર થયેલા છે. સંખ્યાબંધ ઉત્પાદન યુનિટોની લિટિગેશન (ફડચામાં જવું) પ્રક્રિયા ચાલુ છે. ભાજપના સંગઠનના પ્રચાર વરઘોડાઓ કોઈ ને કોઈ બહાને મુંબઈમાં દેખાય છે પરંતુ મોદી-જેટલીની આર્થિક નીતિઓના વિરોધને કારણે રાજ્યમાં ભાજપ તરફનું લોકસન્માન નહિવત્‌ છે. ભાજપના અન્ય સાથી પક્ષો પણ નારાજ છે. શિવસેનાએ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે યુતિ કરવાને બદલે ‘એકલો જાને રે…’ની માફક સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તિ પણ ભાજપથી અકળાયેલાં જણાય છે. પંજાબમાં શિરોમણી અકાલીદળને તાજેતરની પંચાયત-પાલિકા ચૂંટણીમાં ભાજપ સાથે ખાસ્સા વાંધા-વચકાં પડ્યા હતા. બિહારમાં રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહા તો ભાજપ સામે જાહેરમાં આક્રોશ ઠાલવી ચૂક્યા છે.
નીતીશકુમાર પણ આગામી લોકસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો મળશે એ અંગે અમિતભાઈ દ્વારા કોઈ સ્પષ્ટતા થતી ન હોવાથી ગિન્નાયેલા છે. અલબત્ત, સ્વભાવે મીંઢા હોવાથી નીતિશ મગનું નામ મરી પાડતા નથી. સવાલ એ છે કે, ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતિ સાથે ૨૦૧૪ કરતાં વધુ બેઠક મેળવવાની અપેક્ષા રાખતો હોય તો સાથી પક્ષો સત્તામાં ભાગીદારી માટે ઈચ્છુક રહેવાને બદલે ભાજપથી છેડો ફાડવાની ધમકીઓ શા માટે અમલી બનાવી રહ્યાં છે? શું આ રાજકીય પક્ષો ભાજપનું પોલિટિકલ ‘બ્લેકમેઈલીંગ’ કરવાના મૂડમાં છે કે પછી રાજકીય અસ્થિરતા સર્જીને પોતાનો ભાવ ઉચકવાની ફિરાકમાં છે?શિવસેના અને અકાલી દળ પોતાના રાજ્યનાં હિતની જ વાત કરે છે. અત્યારનો સમયકાળ ગઠબંધન રાજનીતિનો હોવાથી ભાજપે પ્રત્યેક રાજ્ય કક્ષાના પક્ષોને ભેગા કરવા તેમના સ્થાનિક સ્તરે કૉંગ્રેસ સામેની સ્પર્ધાનો પણ એનડીએની રચનામાં લાભ લીધો હતો. રાજ્ય કક્ષાના તદ્દન નાના પક્ષો તેમની નીતિ અથવા પ્રદેશવાર પ્રભુત્વને લીધે ચૂંટણી જીતવામાં મહત્ત્વપૂર્ણ બને છે.
અંદાજે સાડા ચાર વર્ષ પછી હવે એનડીએમાં શિવસેના, ટીડીપી અને અકાલી દળ વડા પ્રધાન સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સતત ભાજપના ટીકાકાર બન્યા છે. ભાજપની નોટબંધી અને ખેડૂત આત્મહત્યા નબળી કડીનો તેઓ લાભ લે છે, પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેના તેના સાંસ્કૃતિક સૌથી જૂના સાથી ભાજપ સાથે છેડો ફાડવાની હિંમત કરે તેમ લાગતું નથી. કેમ કે કૉંગી સાથે ગઠબંધન અશક્ય છે. જ્યારે એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે માત્ર નેતાગીરીનો જ પ્રશ્ન રહે છે. બાકી બન્નેનું ગઠબંધન થશે. આંધ્રમાં ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુને ભાજપના નેતા જગમોહન રેડ્ડીનું કદ વધે તે મંજૂર નથી. જેથી તેમના સંઘર્ષ દ્વારા છાશવારે લોકસભામાં સરકારનો વિરોધ કરી રહ્યા છે. એક શક્યતા એવી છે કે ૨૦૧૯માં ટીડીપી સ્વતંત્ર રીતે લડીને વધુ લોકસભાની બેઠક જીતીને ભાજપ અથવા કૉંગી ગઠબંધન (યુપીએ) સાથે જોડાણ પણ કરી શકે છે. એનડીએમાં જોડાયેલ નીતિવિશેષ પર પ્રભુત્વ ધરાવતા ભારતીય સમાજ પક્ષ અને અપના દળ પણ પોતાનો અસંતોષ વ્યક્ત કરીને આગામી લોકસભામાં વધુ બેઠક માટે દબાણ સર્જી શકે છે. એનડીએમાં ભાજપ માટે સૌથી વધુ ભરોસાપાત્ર ગણાતા અપનાદળે પણ બળવાખોર વલણ અખત્યાર કર્યું છે.
અપના દળના અધ્યક્ષ આશિષ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપને ગઠબંધનની મર્યાદા અને ત્રણ રાજ્યોમાં સરકાર જવા મામલે પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં આશિષ પટેલે તો બીએસપી અધ્યક્ષ માયાવતીના વખાણ પણ શરૂ કરી દીધા છે. આશિષ પટેલ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલના પતિ છે અને તેમણે તાજેતરમાં અપનાદળ-એસની કમાન સંભાળી છે.યુપીના રાજકીય મિજાજ અને મોકાને સમજતા અપનાદળે પણ ભાજપ વિરુદ્ધ બળવાખોર તેવર અખત્યાર કરવાનું શરૂ કર્યું છે. આશિષ પટેલે ભાજપની સામે બળાપો કાઢતા કહ્યુ છે કે પ્રધાન હોવા છતાં પણ અનુપ્રિયા પટેલને સરકારી કાર્યક્રમોમાં બોલાવવામાં આવતા નથી. તેમણે યોગી આદિત્યનાથની સરકાર અને યુપીના ભાજપ નેતૃત્વ પર મનસ્વી વલણ દાખવીને અપના દળની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે.રામવિલાસ પાસવાનના પુત્ર અને એલજેપીના નેતા ચિરાગ પાસવાન દ્વારા રાહુલ ગાંધીના વખાણ કરીને બેઠક વહેંચણી મામલે ભાજપ પર રાજકીય દબાણ ઉભું કરાયું હતું. તેવી જ રીતે અપના દળના અધ્યક્ષ આશિષ પટેલે બીએસપી અધ્યક્ષ માયાવતીના ગુણગાન ગાતા કહ્યુ છે કે યુપીમાં હાલના સમય કરતા વધુ સારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો માયાવતીના રાજમાં હતી. યુપીમાં બીએસપી અને સમાજવાદી પાર્ટીની દોસ્તી સત્તાવાર રીતે ઘોષિત થવાની તૈયારીમાં છે.કોંગ્રેસ પણ શિવપાલ યાદવ અને અન્ય નાના પક્ષો સાથે મળીને ચૂંટણી રણનીતિ પર કામ કરી રહી છે. તેવામાં સુહેલદેવ સમાજ પાર્ટી અને અપના દળના બદલાયેલા સૂરને કારણે ભાજપની ચિંતામાં પણ વધારો થયો છે. મહત્વપૂર્ણ છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે અપના દળ સાથે મળીને ચૂંટણી લડી હતી. અપનાદળે ૨૦૧૪માં મિર્જાપુર અને પ્રતાપગઢ બેઠક પર જીત મેળવી હતી.૨૦૧૭ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં અપનાદળે અગિયાર બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાથી નવ બેઠકો પર જીત મેળવી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અપના દળ પાંચ બેઠકોની માગણી કરી રહ્યું છે. જ્યારે ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ સમાજ પાર્ટી પણ બે બેઠકોની માગણી કરી રહી છે.
ભાજપ-શિવસેના વચ્ચે જે અંતર વધતું જાય છે તે જોતા હવે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બન્ને પક્ષો પ્રતિ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બેની લડાઈમાં ત્રીજો ફાવે એવી રણનીતિ તૈયાર કરવામાં તેઓ લાગ્યા હોવાનું જાણવા મળે છે. તેઓ ૨૦૧૯ની ચૂંટણી લક્ષમાં લેતા મહારાષ્ટ્રમાં પક્ષનો પાયો શક્તિશાળી બનાવવા માંગે છે તેમ જ સ્વાભિમાની શેતકરી સંગઠનાના નેતા રાજુ શેટ્ટી કૉંગ્રેસ સાથે ગઠબંધન કરે તેના ચક્રો ગતિમાન કર્યા છે. કૉંગ્રેસ મુખ્યત્વે તેનો પાયો વિદર્ભમાં મજબૂત કરવા માંગે છે.આમ ભાજપ-શિવસેના વચ્ચેની કૉંગ્રેસની નીતિ કેટલી સફળ થશે કે નહીં તે અટકળનો વિષય છે.જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના એક સિનિયર નેતાએ જણાવ્યું છે કે જો શિવસેના સરકારને ટેકો પાછો પણ ખેંચી લે તો પણ માયનોરીટીની સરકાર ચલાવવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સક્ષમ છે.

Related posts

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી : ૨૦૨૬ સુધી મોદી જ રહેશે દેશના શહેનશાહ

aapnugujarat

વિપક્ષી એકતાનો ફૂગ્ગો, ટાંચણીથી દૂર રાખવો રહ્યો

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1