Aapnu Gujarat
બ્લોગ

અસાધારણ માનસિક શક્તિનો માલિક વુલ્ફ મેસિંગ

વિશ્વનો અત્યંત ખ્યાતિ પામેલો ક્લેરવોયન્ટ, ટેલિપથીસ્ટ, હિપ્નોટિસ્ટ વુલ્ફ ગ્રિગોરેવિચ મેસિંગ (૧૦-૯-૧૮૯૯ / ૮-૧૧-૧૯૭૪) પોલેન્ડના વોરસોથી ૨૫ કિલોમીટર દૂર આવેલા ગોરા કલવારિયા નામના ગામમાં જન્મ્યો હતો.
તે અસાધારણ માનસિક શક્તિ ધરાવતો હતો. તે સાધારણ ’મેન્ટાલિસ્ટ’ નહિ પણ શ્રેષ્ઠ સેલિબ્રેટેડ સાઇકિક હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઇન, સિગ્મંડ ફ્રોઇડ, સ્ટેલિન, મહાત્મા ગાંધીજી, માર્શલ પિસસુડસ્કી જેવા અનેકવિધ ક્ષેત્રના વિજ્ઞાાનીઓ, મનોવિજ્ઞાનીઓ, રાજકીય નેતાઓએ તેની ચૈતસિક શક્તિની કસોટી કરી હતી જે બધામાં તે સાચો પુરવાર થયો હતો.હિટલરે તેનું માથુ લાવી આપનારને બે લાખ માર્કનું ઇનામ જાહેર કર્યું હતું. કેમ કે તેણે ’જો હિટલર પૂર્વ તરફ આક્રમણ કરશે તો તેનું મરણ થશે’- એવી ભવિષ્યવાણી કરી હતી. જર્મનોએ તેની ધરપકડ પણ કરી હતી. પણ તેની માનસિક શક્તિનો ઉપયોગ કરી, વૈચારિક આદેશ આપી તે પોલીસના સકંજામાંથી છટકીને રશિયા ભાગી ગયો હતો.૧૯૩૦થી ૧૯૬૦ના ગાળામાં તે યુરોપમાં ચૈતસિક ક્ષમતા ધરાવતી વ્યક્તિ તરીકે પ્રસિદ્ધિ પામ્યો હતો. વિયેનામાં તે મહાન મનોવિજ્ઞાાની સિગ્મંડ ફ્રોઇડને મળ્યો હતો. જેમણે તેની ચૈતસિક શક્તિની કસોટી કરી હતી. ફ્રોઇડ તેની શક્તિઓથી અત્યંત વિસ્મય પામ્યા હતા. આ મુલાકાત અને કસોટી આલ્બર્ટ આઇન્સ્ટાઇનના એપાર્ટમેન્ટમાં યોજાઈ હતી.વુલ્ફ મેસિંગો તેની આત્મકથા ’એબાઉટ માય સેલ્ફ’માં લખ્યું છે – ’આજના દિવસ સુધી મને ફ્રોઇડનો માનસિક આદેશ યાદ છે – ’બાથરૃમમાં જઈ ત્યાં રાખેલા કબાટમાંથી ટિ્‌વઝર્સ (ચિપિયો) લઈ આવ ત્યાંથી પાછા ફર્યા બાદ આઇન્સ્ટાઇનની મૂછ પરથી એક વાળ તોડીને મને આપ.’’ ફ્રોઇડે મેસિંગને ટેલિપથીથી જે આદેશ આપ્યો હતો તે પ્રમાણે કર્યું.ફ્રોઇડે આના સંદર્ભમાં પોતાની એક મહેચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું – ’જો મને મારું જીવન ફરી જીવવા મળે તો હું ચૈતસિક સંશોધનોને જ મારું જીવન ફરીથી સમર્પિત કરું.’ ૧૯૨૭માં મેસિંગ ભારત આવ્યો ત્યારે તે મહાત્મા ગાંધીજીને પણ મળ્યો હતો અને તેણે ગાંધીજી સમક્ષ પોતાની શક્તિઓનું નિદર્શન પણ કર્યું હતું.વુલ્ફ મેસિંગની સર્વાધિક કપરી કસોટી રશિયાના સરમુખત્યાર સ્ટેલિને કરી હતી. જોસેફ સ્ટેલિને મેસિંગ વિશે સાંભળ્યું ત્યારે તને આવી ચૈતસિક શક્તિ હોઈ શકે એ બાબત પર જરા પણ ભરોસો નહોતો.તે આને જાદુ, હાથચાલાકી કે છળકપટ સમજતો હતો. એટલે એનો પર્દાફાશ કરવા અને છેતરપિંડી કરવા બદલ ભારે સજા કરવા નિર્ણય કર્યો. રશિયાના ગોમેલના બાયલો શહેરમાં મેસિંગ સ્ટેજ પ્રોગ્રામ આપી રહ્યો હતો. પ્રોગ્રામ અડધો જ પત્યો હતો ત્યાં સ્ટેલિનના ઑફિસરો આવી પહોંચ્યા અને પ્રોગ્રામ પૂરો થયેલો જાહેર કરી દીધો.મેસિંગનું અપહરણ કરી દીધો. તેને કારમાં બેસાડી એક હોટેલમાં લઈ જવામાં આવ્યો થોડીવાર એક રૃમમાં બેસાડયા બાદ બીજા રૃમમાં લઈ જવામાં આવ્યો.ત્યાં સ્ટેલિન તેની રાહ જોઈ રહયા હતા. મેસિંગે ગભરાયા વિના સ્ટેલિનને કહ્યું કે, તેની ચૈતસિક શક્તિઓ બિલકુલ સાચી છે એમાં કોઈ છેતરપિંડી નથી. સ્ટેલિને કહ્યું, કે જો એ સાચી હોય તો તેણે તે પુરવાર કરવી પડશે. તે અવારનવાર તેની કસોટી લેતો રહેશે. મેસિંગે તેનો સ્વીકાર કરી લીધો.સ્ટેલિને તેને કહ્યું – ’તારે મોસ્કોની ગોસ્બેન્કમાંથી માત્ર તારી માનસિક ક્ષમતા અને વિચારોની શક્તિથી ’ચૈતસિક લૂંટ’ (સાઇકીક રોબરી) કરી બતાવવાની છે. મારા ચેક વગર મારા ખાતામાંથી એક લાખ રૃબલ ઉપાડીને મારા ઑફિસર્સને આપવાના છે જે છૂપા વેશમાં તારી સાથે બેન્કમાં આવશે.’ સ્ટેલિને તેની સાથે છૂપી પોલીસના બે બાહોશ અધિકારીઓને મોકલ્યા વુલ્ફ મેસિંગ તેની આત્મકથામાં લખે છે – ’હું કેશિયર પાસે ગયો તેને સ્કૂલ માટે વપરાતી નોટબુકમાંથી ફાડેલા કાગળનો એક ટુકડો આપ્યો. મેં એટેચી ખોલી કાઉન્ટર પર મૂકી જેથી એમાં રૃબલ મૂકી શકાય. મેં એના મનમાં એવો વિચાર પ્રક્ષેપિત કર્યો કે એ કોરા કાગળનો ટુકડો જોઈને તે ૧ લાખ રૃબલની રકમ આપી દે.સાચે જ એવું જ બન્યું પુખ્ત વયના કેશિયરે એ કાગળનો ટુકડો ધ્યાનથી જોયો. પછી સેઇફ ખોલીને ૧ લાખ રૃબલ બહાર કાઢ્યા અને મને આપ્યા. મેં તે એટેચીના ખાનામાં મૂકી દીધા અને બેન્કની બહાર નીકળી ગયો. સ્ટેલિનના અધિકારીઓ મારી પાછળ જ હતા.
તેમણે બેન્કમાં બનેલી ઘટના પણ જોઈ જ હતી.મેં તેમને પેલા ૧ લાખ રૃબલ આપ્યા. કેશિયરને બધી વાત કરી. કેશિયરે જોયું તો જેના આધારે તેણે ૧ લાખ રૃબલ આપ્યા હતા તે તો કાગળનો ટુકડો જ હતો ! એને હૃદયરોગનો હૂમલો આવ્યો. એ બેભાન થઈને ઢળી પડયો. સદ્ભાગ્યે એ હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત ન થયો.’ સ્ટેલિનને આ સમાચાર આપવામાં આવ્યા એટલે એને મેસિંગની શક્તિ પર કંઈક વિશ્વાસ બેઠો.એ પછી મેસિંગની બીજી પરીક્ષા લેવામાં આવી. તેને ક્રેમલિનમાં એક સરકારી ઓફિસમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેને નજરકેદ કરવામાં આવ્યો. ત્રણ સિક્યુરિટી ગાર્ડનો જાપ્તો ગોઠવી તેમને કડક સૂચના આપવામાં આવી કે તેને એ રૃમ અને બિલ્ડીંગની બહાર નીકળવા દેવો નહીં.એનેેે કોઈ ગેટપાસ પણ આપવામાં આવ્યો નહોતો. મેસિંગ કહે છે – ’કોઈ પણ મુશ્કેલી વગર, સહેલાઈથી મેં એ એસાઇનમેન્ટ પૂરું કરી દીધું ! હું બિલ્ડીંગની બહાર શેરીમાં આવ્યો ત્યારે ઓફિસના પહેલા માળેથી મારું નિરીક્ષણ કરતા ઓફિસરને પાછા વળી હાથ હલાવી ’ગુડબાય’ કહેવાનું તો ના જ ચૂક્યો !’
જોસેફ સ્ટેલિને લીધેલી ત્રીજી કસોટી તો અત્યંત કપરી હતી. મેસિંગે એક અસંભવ કહેવાય એવું કાર્ય કરવાનું હતું અને તે એ હતું કે તેણે સ્ટેલિન કે લશ્કરી વડાના સંમતિપત્ર વગર સ્ટેલિનના કુન્ટસેવો (ણેહાજીર્પ)માં આવેલ અભેદ્ય કિલ્લા સમા કન્ટ્રીહાઉસમાં અનેક સૈનિકોની ટુકડીઓ અને પોલીસ દળોને વટાવી સ્ટેલિન જે ઓરડામાં હોય ત્યાં એની પાસે આવવાનું હતું. માણસ કે પશુ- પક્ષી તો શું નાની સરખી કીડી પણ સ્ટેલિનના ઓરડામાં દાખલ ન થઈ શકે એવો ચુસ્ત બંદોબસ્ત હતો.પરંતુ મેસિંગ એના વિચારોના પ્રભાવની ચૈતસિક શક્તિથી સ્ટેલિનની સામે એના ઓરડામાં આવીને ઊભો રહી ગયો ત્યારે સ્ટેલિનના વિસ્મયનો પાર ન રહ્યો ! તેણે મેસિગને પૂછ્યું – તેં આ અસંભવ કાર્ય કેવી રીતે કર્યું ? મેસિંગે તેના રહસ્યનું ઉદ્ધાટન કરતા કહ્યું – ’આ માટે મેં ખાસ કોઈ પરિશ્રમ કર્યો નથી. હું લશ્કરી ટુકડીઓ અને પોલીસ દળો પાસે આવતો ત્યારે એમના મનમાં એવો વિચાર પ્રક્ષિપ્ત કરતો હતો કે હંન સિક્રેટ પોલીસના વડા લેવરેન્ટી બેરિયા છું.એટલે એ પાછા હટી મને જવાનો રસ્તો કરી આપતા. મેં જ્યારે લશ્કરના વડાને પૂછ્યું કે અત્યારે તમે (સ્ટેલિન) કયા ઓરડામાં બેઠેલા છો તો તે પોતે મને અહીં સુધી મૂકી ગયા. સીક્રેટ પોલીસના વડા બેરિયા તમને અવારનવાર મળવા આવે છે એવું મને જાણવા મળ્યું એટલે મેં આવો ઉપાય કર્યો ! લશ્કરના વડાએ પણ મને બેરિયા રૃપે જ જોયો અને હું બેરિયા જ છું એમ માની લીધું ! છેવટે સ્ટેલિને મેસિંગની ચૈતસિક શક્તિનો સ્વીકાર કર્યો અને તેનું બહુમાન પણ કર્યું !
વુલ્ફ મેસિંગ કહે છે, ’વિચારો ખૂબ શક્તિશાળી ઊર્જા છે. તમારો વિશ્વાસ તમારા વિચારોને બળવાન બનાવે છે. તમે જે વિચારો છો તેને તમે માનો. એમાં પૂરેપૂરી શ્રદ્ધા ધરાવો તો તેની અસરકારકતા વધે છે. તમે વિચારોની પ્રચંડ શક્તિથી અસંભવ લાગે એવા કાર્યો પણ કરી શકો છો.’આમ તો મહાત્મા ગાંધી તર્કનો પુરસ્કાર કરતા હતા પણ વુલ્ફે તેમને પણ પોતાની આ ચૈતસિક શક્તિઓનો અહેસાસ કરાવ્યો હતો તે કહ્યા વિના સામેની વ્યક્તિની મનની વાત સમજી જતો હતો તે ભારતમાં આવ્યો હતો અને મહાત્મા સાથે આશ્રમમાં રહ્યો હતો અને આ દરમિયાન તેણે એ તમામ કાર્યો કર્યા હતા જે તેમને કહેવામાં આવ્યા ન હતા પણ ગાંધીજી તે એ કામ કરે તેમ ઇચ્છતા હતા.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાષ્ટ્રનાં ઉત્કર્ષ માટે જ : અનુસુચિત જાતિના લોકો દેશહિતને નુકશાન કરી રહ્યાં છે

aapnugujarat

શિવજીનું સ્વરૂપ

aapnugujarat

સમજવા જેવું…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1