Aapnu Gujarat
ગુજરાત

સિંધુભવન રોડ-પ્રહલાદનગર બગીચા પાસે પાર્કિંગ બનાવાશે

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવા પૂરી પાડતા એએમટીએસ અને બીઆરટીએસની નિષ્ફળતા તેમજ મેટ્રો રેલ જેવા પ્રોજેક્ટમાં થયેલા ભારે વિલંબના પગલે ખાનગી વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા સતત વિકટ બનતી જાય છે. બીજી તરફ પાર્કિંગના મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ બાદ તંત્રે શહેરમાં નવા ૭૩ પે એન્ડ પાર્ક તેમજ નવાં પાંચ મલ્ટિલેવલ પાર્કિંગ ઉભા કરવાની દિશામાં આયોજન હાથ ધરાઇ રહ્યું છે. જો કે, એ પણ વાસ્તવિકતા છે કે, પે એન્ડ પાર્કમાં તંત્ર સફળ નીવડયું નથી. પાર્કિંગની સુવિધા વધારવા અને નાગરિકોની રાહત માટે અમ્યુકો સત્તાધીશો દ્વારા હવે સિંધુ ભવન અને પ્રહ્લાદનગર ગાર્ડન ખાતે નવા બે મલ્ટિલેવલ પાર્કિંગ ધમધમતાં થાય તે દિશામાં કવાયત હાથ ધરાઈ છે. આ બંને પાર્કિંગમાં ૧૧૮૦ કાર અને ૯૪૦ ટુ-વ્હીલર પાર્ક થઈ શકશે. તો આ પ્રકારની પાર્કિગની વ્યવસ્થા ચાંદલોડિયામાં પણ ઉભી કરવામાં આવશે. અમદાવાદમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના રજિસ્ટ્રેશનમાં વાર્ષિક ૧૭ ટકાની વૃદ્ધિ થઈ રહી છે. શહેરમાં ખાનગી વાહનોની સંખ્યામાં થતા વધારા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર પરિવહન સેવાનો વ્યાપ વધારવામાં પુરવાર થયેલી અણઆવડત વધુ જવાબદાર છે. એએમટીએસમાં ઉત્તરોત્તર બસની સંખ્યા, પેસેન્જર અને આવકમાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે તો બીઆરટીએસ સર્વિસ પણ ખોટના ખાડામાં ધકેલાઈ છે. હાઈકોર્ટમાં ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ અને રખડતાં ઢોરના મામલે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અવારનવાર પાર્કિંગ માટે સત્તાવાળાઓના કાન આમળ્યા હતા. પરિણામે પહેલા તબક્કામાં નવા ૨૫ પે એન્ડ પાર્ક તેમજ બીજા તબક્કામાં નવા ૪૮ પે એન્ડ પાર્ક મળીને કુલ ૭૩ પે એન્ડ પાર્ક બનાવવાનું આયોજન ઘડાયું હતું, અલબત્ત, પે એન્ડ પાર્કના આયોજનમાં સત્તાધીશોને સદંતર નિષ્ફળતા મળી છે. પે એન્ડ પાર્કના મામલે માત્ર અસલાલીમાં ડેવલપરે રસ દાખવ્યો છે. જોકે હાઈકોર્ટ સમક્ષ સત્તાવાળાઓએ સિંધુ ભવન, પ્રહ્લાદનગર, ચાંદલોડિયા સહિત પાંચ સ્થળે નવા મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાની ખાતરી આપી હતી. નવા પે એન્ડ પાર્ક તેમજ નવા મલ્ટિલેવલ પાર્કિંગના આયોજનથી શહેરની વિકટ બનેલી ટ્રાફિક સમસ્યા હળવી થશે તેવું આશ્વાસન પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે સમયે હાઈકોર્ટને અપાયું હતું. હવે પાંચ મલ્ટિલેવલ પાર્કિંગ પૈકી સત્તાવાળાઓએ પહેલા તબક્કામાં સિંધુ ભવન અને પ્રહ્લાદનગર ગાર્ડન એમ બે સ્થળે નવા મલ્ટિલેવલ પાર્કિંગના પ્રોજેક્ટને અમલમાં મૂકવાની કવાયત આરંભી છે.
ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડના સિંધુ ભવન રોડ પરના એરિસ્ટા કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા મ્યુનિસિપલ પ્લોટમાં તેમજ પ્રહ્લાદનગર ગાર્ડન સામેના મ્યુનિસિપલ પ્લોટમાં અંદાજે કુલ રૂ. ૧૪૩ કરોડના ખર્ચ નવા મલ્ટિલેવલ પાર્કિંગ બનાવાશે, જે બે વર્ષમાં તૈયાર કરાશે. સિંધુ ભવન ખાતેના મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવા માટે રૂ. ૮૦ કરોડ ખર્ચાશે. જે બે બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફ્‌લોર વત્તા પાંચ માળ ઊંચું બનશે અને કુલ ૧૦,૦૦૦ ચો.મી.ના પ્લોટમાં બનનારા આ મલ્ટીલેવલ પાર્કિંગમાં કુલ ૪૭૦ ટુ વ્હીલર અને ૮૩૦ ફોર વ્હીલરનું પાર્કિંગ થઈ શકશે. જ્યારે પ્રહ્લાદનગર ગાર્ડન ખાતેનું મલ્ટિલેવલ પાર્કિંગબે બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફ્‌લોર વત્તા આઠ માળનું બનશે. સિંધુ ભવનના પ્લોટ કરતા નાના એવા ૭,૦૦૦ ચો.મી.ના પ્લોટમાં બનનારા આ મલ્ટીલેવલ પાર્કિંગમાં કુલ ૪૭૦ ટુ વ્હિલર અને ૩૫૦ ફોર વ્હિલરનું પાર્કિંગ થઈ શકશે અને તેની પાછળ રૂ. ૪૦ કરોડ ખર્ચાશે. આ પ્રોજેક્ટ બાદ ચાંદલોડિયાના સિલ્વર ચાર રસ્તા પાસે નવા મલ્ટિલેવલ પાર્કિંગનું આયોજન હાથ ધરાશે. જે પૈકી સિંધુ ભવન અને પ્રહ્લાદનગર ગાર્ડન માટેનાં ટેન્ડર બહાર પાડી દેવાયા છે.

Related posts

2024 લોકસભા ચૂંટણી માટે ભાજપની કવાયત શરૂ

aapnugujarat

સિવિલમાં ચાર પગવાળી પાંચ મહિનાની બાળકીનું સફળ ઓપરેશન કરાયું

aapnugujarat

ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારીની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1