Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારીની હત્યા

અમદાવાદમાં ખુલ્લેઆમ, જાહેરમાં ધોળેદહાડે લૂંટ, ધાડ અને ખૂનની ઘટનાઓ હવે માઝા મૂકી રહી છે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર અને ચિંતાજનક હદે રીતે કથળી રહી હોવાની પ્રતીતિ આજે શહેરના આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસેના પોશ એરિયામાં જાહેરમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા એક આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ કરાવી હતી. આંગડિયા પેઢીના કર્મચારીની ગુજરાત વિદ્યાપીઠ પાસે સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે જ મોતને ઘાટ ઉતારી દેવાતાં શહેર સહિત રાજયભરમાં સનસનાટી મચી ગઇ હતી. અવારનવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લુંટારાઓ ભોગ બનાવતા હોય છે અને આજે પણ લૂંટના ઇરાદે બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી તેની પાસેથી રૂ.૫.૧૦ લાખ ભરેલો થેલો ઝુંટવી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાએ શહેર પોલીસ તંત્ર સહિત આંગડિયા પેઢીઓને હચમચાવી નાંખ્યા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ અને ક્રાઇમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલામાં ઝીણવટભરી સઘન તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરની રતનપોળમાં આવેલી પટેલ અંબાલાલ હરગોવિંદદાસ આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી અરવિંદભાઇ પટેલ(ઉ.વ.૫૦) આજે વહેલી સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ આંગડિયાનો થેલો લઇ મહેસાણા-પાલનપુર જવા માટે નીકળ્યા હતા ત્યારે આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે મહેસાણા-પાલનપુર જવાના એસટી બસ સ્ટેન્ડ નજીક ઉભા હતા. અરવિંદભાઇ એસટી બસની રાહ જોઇને ઉભા હતા ત્યારે અચાનક જ બે બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા ચાર અજાણ્યા શખ્સોએ પહેલા હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી અરવિંદભાઇ પાસેથી થેલો ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અરવિંદભાઇએ હાથમાં થેલો છોડયો ન હતો, તેથી ઉશ્કેરાયેલા લૂંટારુ શખ્સોએ તેમની પાસેના રિવોલ્વર જેવા હથિયારમાંથી તેમના પર પોઇન્ટ બ્લેન્ક રેજન્થી ફાયરીંગ કર્યું હતું. એક પછી એક એમ ત્રણ ગોળીઓ ધરબાઇ જતાં અરવિંદભાઇ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડયા હતા અને લુંટારાઓ રૂ.૫.૧૦ની રોકડ ભરેલો થેલો ઝુંટવી નાસી છૂટયા હતા. જાહેરમાં ધોળેદહાડે લૂંટ, ફાયરીંગ અને મર્ડરની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત સનસનાટી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં વાડજ પોલીસ, ક્રાઇમબ્રાંચના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનું વાતાવરણ છવાઇ ગયું હતું. તો, ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે, પોલીસે ટ્રાફિક નિયમન કરી વાહનવ્યવહાર પૂર્વવત્‌ કર્યો હતો. નોંધનીય વાત તો એ છે કે, ગુજરાત વિદ્યાપીઠનું એસટી બસ સ્ટેન્ડ તો મહિલાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સિનિયર સીટીઝન્સ માટે મુસાફરી અને આવ-જા માટેનું મહત્વનું સ્થળ છે કે જયાંથી તેઓ એસટી બસ અને સીટી બસમાં મુસાફરી માટે બેસતા અને ઉતરતા હોય છે. આવા ભરચક અને ઐતિહાસિક મહત્વતા ધરાવતા વિસ્તારમાં ધોળેદહાડે ફાયરીંગ કરી લૂંટ વીથ મર્ડરની ઘટના ખરેખર તો શહેર પોલીસના ગાલ પર તમાચા સમાન છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઇ છે અને પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠયા છે. આજની ઘટનાને લઇ નાગરિકોની સુરક્ષા સામે પણ જોખમ ઉભુ થયું છે. પોલીસે આજના બનાવ સંદર્ભે સીસીટીવી ફુટેજ અને ઘટના નજરે જોનાર સાહેદોના નિવેદનોના આધારે સમગ્ર મામલાની સઘન તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

ઘુમા અને શેલામાં ૨૭ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટરલાઇન

aapnugujarat

એસસી-એસટી એકટ : સુધારા અંગે આવદેનપત્ર સુપ્રત કરાયું

aapnugujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68મા જન્મ દિવસે 68 વૃક્ષ ઉછેરનો સંકલ્પ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1