Aapnu Gujarat
ગુજરાત

ઢોર પાર્ટી પર હુમલા કેસમાં પશુપાલકોની સામે ફરિયાદ

ગુજરાત હાઇકોર્ટના કડક આદેશોને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ શહેરમાં રખડતા ઢોર પકડીને આ સમસ્યાના નિવારણ માટે અસરકારક પગલા ભરી રહી છે પરંતુ બીજીબાજુ, ઢોરોને પકડવાની કામગીરીથી ઉશ્કેરાતા પશુપાલકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં અમ્યુકોની ઢોર પાર્ટી અને તેના કર્મચારીઓને નિશાન બનાવાતા હોય છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં અમ્યુકોની ઢોર પાર્ટી પર હુમલાનું વધુ જોખમ રહેલું હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષની વાત કરીએ તો, અમ્યુકો ઢોર પાર્ટી પર હુમલા અને ઘર્ષણને લઇ પશુપાલકો સામે કુલ ૫૮૧ જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે. ગત શનિવારે જ વાસણા પોલીસ સ્ટેશનની પાછળ રોડ પર રખડતી ગાયો પકડવા ગયેલી ઢોર પાર્ટી પર સ્થાનિક અને આસપાસના પશુપાલકોએ એકસંપ થઇ હુમલો કર્યો હતો અને ગાયોને ભગાડીને લઇ ગયા હતા. ટોળાના માણસોએ ઢોર પાર્ટી અને તેના કર્મચારીઓ પર પથ્થરમારો કરી અને લાઠીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવને પગલે એ વખતે સમગ્ર વિસ્તારમાં તણાવભરી પરિસ્થિતિ બની ગઇ હતી. બાદમાં અમ્યુકો કર્મચારીઓ દ્વારા આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવાઇ હતી. અમ્યુકોની ઢોર પાર્ટી સાથે પોલીસ કાફલો સુરક્ષા માટે તૈનાત હોય છે પરંતુ તેમછતાં હુમલા અને ઘર્ષણની પરિસ્થિતિ બની જતી હોવાનું સામે આવ્યું છે. જેમાં પૂર્વના પટ્ટામાં સૌથી વધુ જોખમ ઢોર પાર્ટી પર રહેલું છે કારણ કે, પૂર્વમાં પશુપાલકોની સંખ્યા પશ્ચિમ અમદાવાદની સરખામણીએ વધુ છે. પૂર્વમાં ઢોર પાર્ટી માટે સૌથી વધુ જોખમ અમરાઇવાડી, બાપુનગર, ઓઢવ, ભાઇપુરા, હાટકેશ્વર, ઠક્કરનગર, નરોડા, કુબેરનગરમાં રહ્યું છે. તો પશ્ચિમમાં વસ્ત્રાપુર, વાડજ, રાણીપ, ગોતા, ચાણકયપુરી, નહેરૂનગર અને વાસણા, સરખેજ પણ જોખમી મનાય છે. ચાલુ વર્ષની એફઆઇઆરની વાત કરીએ તો, તા.૧-૪-૨૦૧૮થી તા.૯-૧૨-૨૦૧૮ દરમ્યાન પશુપાલકો દ્વારા ઢોર પાર્ટી પર કરાયેલા હુમલા સંદર્ભે સૌથી વધુ ફરિયાદ ઓકટોબરમાં ૯૩ જેટલી પશુપાલકો વિરૂધ્ધ નોંધાઇ હતી. એ જ પ્રકારે એપ્રિલમાં ૭૪, મે માં ૫૩, જૂનમાં ૬૬, જૂલાઇમાં ૭૮, ઓગ્ટમાં ૪૬, સપ્ટેમ્બરમાં ૮૦, ઓકટોબરમાં ૯૩ અને નવેમ્બરમાં ૬૭ તો ચાલુ ડિસેમ્બર માસમાં અત્યારસુધીમાં ૨૪ મળી કુલ ૫૮૧ એફઆઇઆર પશુપાલકો વિરૂધ્ધ નોંધાવાઇ છે. આ એફઆઇઆર સંદર્ભે પોલીસ દ્વારા અત્યારસુધીમાં આશરે ૩૭૦૦ લોકો સામે ચાર્જશીટ પણ તૈયાર કરાયું છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

રાજયભરમાં સ્વાઇન ફલુનો હાહાકાર : મૃત્યુઆંક ૧૩૫

aapnugujarat

નર્મદા જળસંકટ : ગુજરાત સરકારે કેન્દ્ર પાસે માંગી મદદ

aapnugujarat

દાતાશ્રી ના સૌજન્ય થી શ્રી પ્રમુખ સ્વામી મા અને ઉ.મા આશ્રમશાળામાં ઠંડા પાણી માટે કુલર આપવામાં આવ્યું…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1