Aapnu Gujarat
બ્લોગ

વિશ્વનાં રહસ્યમય જંગલો

વિશ્વની સૌથી મોટી સમસ્યા શહેરીકરણની છે અને દરેક દેશમાં સિમેન્ટનાં જંગલો વધી રહ્યાં છે અને હરિયાળા જંગલોનો સફાયો થઇ રહ્યો છે.જો કે જંગલનું નામ પડતા જ ભયનું એક લખલખુ માણસની કરોડરજજુમાંથી પસાર થઇ જતું હોય છે કારણકે જંગલ એટલે ડરામણી જગા જ્યાં અનેક રહસ્યો ધરબાયેલા હોવાની કથાઓ પેઢી દર પેઢી ચાલતી જ આવતી હોય છે જો કે હાલમાં સેટેલાઇટનો જમાનો છે ત્યારે પૃથ્વી પરનું કોઇ સ્થળ એવું નથી જે છુપુ રહી જવા પામ્યું હોય પણ વિશ્વમાં આજે પણ એવા કેટલાક સ્થળો છે જ્યાં આધુનિક સભ્યતા પહોંચી નથી અહીનાં જંગલોમાં કેવા લોકો રહે છે કેવા જાનવર છે તે અંગે હજી ભાળ લગાવવી બાકી છે.
બ્રાઝીલમાં વહેતી અમેઝોનમાં સંખ્યાબંધ અંગુઠી આકારની ખીણો જોવા મળે છે.આ વિસ્તારોમાં ગાઢ જંગલો છે અને તે વિસ્તાર આજે પણ લોકો માટે રહસ્યમય જ છે.આ રચનાઓ કોણે કરી છે અને તેનો ઉદ્દેશ્ય શું છે તેનો પત્તો પુરાતત્વવિદો પણ લગાવી શક્યા નથી.કેટલાક તેને કબ્રસ્તાન ગણાવે છે તો કેટલાકને મતે તે રક્ષા માટે બનાવાઇ હતી.જો કે કેટલાક તો માને છે કે તે પરગ્રહવાસીઓનાં નિશાન છે જે જંગલોનો ઉગ્યા તે પહેલા તેમણે લગાવ્યા હતા.આ જંગલોમા વસતા પ્રાચીન લોકો દ્વારા તેને બનાવાઇ હોવાની થિયરી છે પણ સવાલ ઉભો થાય છે કે તેમની પાસે એ બનાવવા માટેનાં સાધનો કેવી રીતે આવ્યા હશે.આજે પણ એ પ્રકારનાં સાધનો નથી જે આટલી પરફેકટ રીતે રિંગ આકારની રચના કરી શકે.
મારીકોક્સી એ દક્ષિણ અમેરિકામાં વસતી પ્રજાતિ હતી જે કદમાં ૩.૭ મીટર ઉંચી હતી.કહેવાય છે કે આ પ્રજાતિ પાસે તીર બનાવવાની રીત હતી અને તેઓ ગામડા બનાવીને રહેતા હતા.૧૯૧૪માં જ્યારે દક્ષિણ અમેરિકાનાં જંગલોની માપણીનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે બ્રિટીશ સંશોધક કર્નલ પેર્સિવલ ફોકેટને આ પ્રજાતિનાં લોકોનો સામનો થયો હતો.આ પ્રજાતિનાં લોકોનાં આખા શરીર પર વાળ હતા જો કે તેઓ બોલી શકતા ન હતા માત્ર હુંકારાઓથી કામ ચલાવતા હતા.કર્નલે પોતાના પુસ્તક લોસ્ટ ટ્રેઇલ્સ, લોસ્ટ સિટીઝમાં પોતે અને તેમનો સહયોગી કેવી રીતે તેમનાં હુમલાથી બચ્યા હતા તેનું વર્ણન આપ્યું હતું.જો કે ત્યારે તેઓએ તેમનાં પર ગોળીબાર કર્યો એટલે બચી શક્યા હતા.જો કે ૧૯૨૫માં ફુકેટ જ્યારે એ ગુમ શહેરને શોધવાનાં અભિયાન પર ગયો ત્યારે પોતાના આખા દળ સાથે ગુમ થઇ ગયો હતો.કહેવાય છે કે તેમને મેરિકોક્સીઓએ મારી નાંખ્યા હતા જો કે આ પ્રજાતિનો બીજો કોઇ પુરાવો હાથ લાગ્યો નથી.
હાલમાં જ આંદામાનનાં સેન્ટીનેલી પ્રજાતિનાં આદિવાસીઓ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પોતાના વિસ્તારમાં આવેલા એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો.અરબી સમુદ્રનાં આ ટાપુ પર સાંઇઠ હજાર વર્ષથી આ આદિવાસી પ્રજાતિ રહેવાનું કહેવાય છે તેઓ ત્યારથી માંડીને અત્યારસુધી આધુનિક સભ્યતાથી દુર છે.ત્યાં કોઇ જઇ જ શકતું નથી તેમનાં કિનારાની નજીક જનારા જ નહી તેમની કિનારા પર આવેલા વિમાન કે હેલિકોપ્ટર પર પણ તેઓ હુમલો કરીને તેને નષ્ટ કરી દે છે.કહેવાય છે કે આ ટાપુ પર પાંચસો જેટલા લોકો રહે છે.તેમની પાસે લોખંડનાં હથિયારો છે અને તેમનું આરોગ્ય પણ સારૂ હોવાનું જણાયું છે.ખરૂ રહસ્ય તો એ છે કે તેઓ ૨૦૦૪ની સુનામીમાં બચી કેવી રીતે ગયા કારણકે ત્યારે આંદામાનનાં મોટાભાગનાં ટાપુઓ પર ભારે વિનાશ વેરાયો હતો.હાલમાં પણ આ સેન્ટીનેલિઝ આદિવાસી પ્રજાતિ એક રહસ્ય છે અને સરકારે પણ તેમને તેમનું જીવન તેમની રીતે ગુજારવા દેવા માટે આ ટાપુ પર જવાનો પ્રતિબંધ લગાવ્યો છે.
કોસ્ટારિકાનાં જંગલોમાં એવા અનેક પથ્થરો વિખેરાયેલા જોવા મળે છે જેનો આકાર સંપુર્ણ રીતે ગોળ છે.આ પથ્થરોની કોતરણી પ્રાગૈતિહાસિક લોકોએ કરી હોવાનું મનાય છે.જો કે પુરાતત્વ વિદોને એ સમજાતું નથી કે તેમણે કેમ આ પ્રકારનાં પથ્થરો બનાવ્યા હતા અને કેવી રીતે બનાવ્યા હતા.આ પથ્થરો ૨.૪મીટરની પરિધિ ધરાવે છે અને સંપુર્ણ ગોળ છે.જો કે આ પથ્થરોનો કોઇ ધાર્મિક વિધિમાં ઉપયોગ થતો હોવાનાં કોઇ પુરાવા અહીથી મળ્યા નથી. આ ઉપરાંત આ પથ્થરો જે રીતે પરફેકટ ગોળાઇમાં કપાયા છે તે પણ એક રહસ્ય જ છે કારણકે તેમની પાસે તેના સાધનો હોવાની શક્યતા નહીવત છે.આ ઉપરાંત પહાડો પરથી તેને જંગલમાં કેવી રીતે લવાયા હશે તે પણ રહસ્ય છે.આ ઉપરાંત તેમને બનાવવાનાં સ્રોત તો આ જગાની આસપાસ માઇલો સુધી મળતા નથી.
પેરૂવિયન એમેઝોન એક એવી નદી છે જે તેમાં પડનાર દરેક વસ્તુને મોતને ઘાટ ઉતારે છે આ નદીનાં પાણીનું તાપમાન ૯૩ ડિગ્રીની ઉપર રહેતું હોય છે અને સપાટી પર ધુમાડો તો સદાય ઉઠતો જ રહેતો હોય છે.અહી વસતા સ્થાનિક આદિવાસીઓ તેના કિનારે ધાર્મિક વિધિઓ કરે છે.આ નદી એક રહસ્ય જ છે કારણકે વિશ્વની બીજી કોઇ નદીનું પાણી આટલું ઉકળતું નથી.
ઇક્વાડોરનાં ઉંડા જંગલોમાં ૨૦૧૨માં એક છુપુ શહેર મળી આવ્યું હતું.આ શહેર જાયન્ટોની ખોવાયેલી સિટી હતી.આ શોધમાં અહીનાં સ્થાનિક આદિવાસીઓએ સહકાર આપ્યો હતો કારણકે તેમને વિશ્વાસ હતો કે અહી એક ગુમ થઇ ગયેલું શહેર છે.અહી સંશોધકોને ૭૯ મીટર ઉંચા અને ૭૯મીટર પહોળા પિરામીડ આકારનાં સ્થાપત્યો મળી આવ્યા હતા.સંશોધકો માને છે કે અહી પહેલા વિશાળ કદનાં લોકો રહેતા હશે.અહી કેટલાક સાધનો અને અન્ય અવશેષો પણ મળી આવ્યા હતા.જે એટલા વિશાળ હતા કે તેનો ઉપયોગ માનવી તો કરી શકે તેમ જ નથી.ગ્વાટેમાલાનાં જંગલોમાં ૧૯૫૦માં એક વિશાળ કદની માથાની પ્રતિમા મળી હતી.આ મુર્તિનાં હોઠ પાતળા હતા અને નાક વિશાળ હતું.૨૦૧૨માં આ પ્રતિમા ફરી એકવાર ચર્ચામાં આવી હતી જ્યારે માયા સંસ્કૃતિ અંગે ડોક્યુમેન્ટ્રી તૈયાર કરનારા ગ્વાટેમાલાનાં સંશોધક હેકટર માઝીયાએ જણાવ્યું હતું કે આ પ્રતિમા હિસ્પાનિક સભ્યતા પહેલાની છે અને તે માનવજાતે નહી પણ પરગ્રહવાસીઓએ બનાવી હતી.જો કે આ વિસ્તારમાં આ માથુ આવ્યું કઇ રીતે અને તેને કોણે બનાવ્યું હશે તે પણ એક રહસ્ય જ છે.
અમેરિકાનાં નાયબ રાષ્ટ્રપતિ નેલ્સન રોકફેલરનો પુત્ર માઇકલ રોકફેલર ૧૯૬૧માં ગુમ થઇ ગયો હતો તે ન્યુગિનીનાં જંગલોમાં આદિવાસીઓની ચિત્રકલા અંગે અભ્યાસ માટે ગયો હતો.તેણે પોતાની આ યાત્રા દરમિયાન લગભગ તેર જેટલા ગામડા જોયા હતા.જો કે ત્યારબાદ આગળનાં અભિયાન દરમિયાન તેની નૌકા પલ્ટી મારી ગઇ હતી અને તે ગુમ થઇ ગયો હતો અને તેને શોધવા માટે આરંભાયેલા અભિયાનોને પણ કોઇ સફળતા હાથ લાગી ન હતી.કહેવાય છે કે તે જંગલોમાં પહોચી ગયો હતો જયાં અસ્મત પ્રજાતિનાં આદિવાસીઓ રહે છે જેણે તેને મારીને ખાઇ નાંખ્યો હશે.
૨૦૧૧માં બે બ્રિટીશ પ્રવાસીઓ બ્રાઝીલનાં મેમુસ પ્રાંત પહોચ્યા હતા જ્યાં તેમણે કેટલીક તસ્વીરો લીધી હતી જેમાં પરગ્રહવાસીઓની હાજરી જોવા મળી હતી.આ તસ્વીરો જાણીતા પેરાનોર્મલ રાઇટર માઇકલ કોહેને લીધી હતી.તેમાં જે લોકો દેખાય છે તે હાલની માનવજાત સાથે કોઇ પ્રકારે નિકટતા ધરાવતા નથી.આ વિસ્તારમાં આ પહેલા પણ યુએફઓ દેખાયાની ચર્ચાઓ છે.આ વિસ્તારની જૈવ વિવિધતાને કારણે એલિયનોને તેમાં રસ હોવાનું ચર્ચાય છે.આ વિસ્તારમાં એલિયનોની શોધ માટે આર્મી મોકલાઇ હતી અને સરકારે પણ આ વાતને ખાનગી જ રાખી હતી.જો કે ત્યારબાદ હોલિવુડનાં નિર્માતાઓ કોહેન પાછળ પડી ગયા હતા અને તેમનાં ફુટેજનો ઉપયોગ કરવા માટે વિનંતીઓ કરી હતી જેનો કોહેને સ્વીકાર કરી લીધો હતો.હોન્ડુરાનનાં લા મોસ્કવીટા જંગલોમાં મંકી ગોડની છુપી નગરી મળી આવી હોવાનો દાવો ૨૦૧૧માં સંશોધકોની એક ટુકડીએ કર્યો હતો.આ શહેર આઝટેક દ્વારા ૧૫૨૦માં નષ્ટ કરાયું હતુ કારણકે ત્યારે અહી ભયંકર રોગચાળો ફાટી નિકળ્યો હતો અને ત્યારથી અહી કોઇએ પગ મુક્યો ન હતો.એવું કહેવાય છે કે અહી વસતા લોકો પર આઝટેક ગોડનો કહેર વરસ્યો હતો જેણે તે લોકોને મોતને ઘાટ ઉતારવા પ્લેગને મોક્લ્યો હતો.આ સમગ્ર અભિયાન અંગે જાણીતા સંશોધક ડગ્લાસ પ્રેસ્ટને એક પુસ્તક લખ્યું છે.જો કે આ શોધ કરનાર ટીમનાં સભ્યોને પણ રહસ્યમય રોગ લાગુ પડ્યા હતા અને તેમનો ચહેરો નામશેષ થઇ ગયો હતો.આ જગાની શોધ કરવા માટે જ્યારે ટુકડી ગઇ ત્યારે તેમને ખતરનાક સાપોનો પણ સામનો કરવો પડ્યો હતો.તેઓ ત્યાંથી કેટલીક વસ્તુઓ લાવ્યા હતા અને ત્યાં ફરી નહી જવાનો નિર્ણય કર્યો હતો.કારણકે જ્યારે તેઓ ત્યાં હતા ત્યારે મંકીગોડે તેમની પાસેથી તે વસ્તુઓ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો તેવો દાવો તે ટીમનાં સભ્યોએ કર્યો હતો.આ જંગલોમાં ખરેખર કેવા રહસ્યો ધરબાયેલા છે તે કોઇ જાણતું નથી.

Related posts

ટ્રમ્પની નીતિઓ વિશ્વ માટે વિનાશક

aapnugujarat

ભારત નવી ગોલ્ડન ગર્લ : મનુ ભાકર

aapnugujarat

સમજવા જેવું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1