Aapnu Gujarat
ગુજરાત

લોકરક્ષક દળના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો

લોકરક્ષક દળની પરીક્ષા રદ થઇ તેને લઇ અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જામનગર, કેશોદ સહિતના કેટલાય સ્થળોએ રોષે ભરાયેલા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ટ્રાફિક-રોડ ચક્કાજામ, સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજયા હતા. કેટલાક સ્થળોએ ઉમેદવારોએ રસ્તામાં ટાયરો સળગાવી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો અને ભાજપ સરકાર અને રૂપાણી સરકાર હાય…હાય…ના નારાઓ લગાવ્યા હતા. જેને લઇ મામલો ગરમાયો હતો, અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઇના સંખ્યાબંધ કાર્યકરોએ આ ઘટનાના વિરોધમાં ઉગ્ર દેખાવો યોજયા હતા અને શિક્ષણપ્રધાન ભૂપેેન્દ્રસિંહ ચુડાસમાના પૂતળાનું દહન કર્યું હતું. પોલીસે એનએસયુઆઇના કાર્યકરોની બળપ્રયોગ કરી અટકાયત પણ કરી હતી. તો રાજયમાં રાજકોટસહિતના અમુક સ્થળોએ ભારે નારાજગી વ્યકત કરી રહેલા ઉમેદવારોને પોલીસ દ્વારા જોરદાર લાઠીચાર્જ કરાતાં સમગ્ર રાજયમાં ભારે ટીકા અને આકરી નિંદા થઇ હતી. ઉમેદવારોએ સરકાર સામે સવાલ ઉઠાવ્યો હતો કે, તેમણે કરેલી મહેનત અને વેઠેલા માનસિક ત્રાસ અને હાલાકીનું વળતર શું? સરકાર પાસે આ પ્રશ્નનો જવાબ નહી હોવાનું સ્પષ્ટ થયું હતું. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં આજે સરકારી તંત્રની અને ખુદ ભાજપ સરકારની ચોતરફ આકરી ટીકા, નિંદા અને નાલેશી થઇ હતી. એક રીતે જોવા જઇએ તો, સરકાર પર વિપક્ષ સહિતના લોકોએ માછલા ધોયા હતા. એકબાજુ, પેપર લીક મામલે સરકાર બેકફુટ પર ધકેલાઇ હતી તો બીજીબાજુ, લોકરક્ષક દળની પરીક્ષા રદ થયા બાદ ગાંધીનગરમાં રાજયના ડીજીપી, લોકરક્ષક દળના ઉચ્ચ અધિકારીઓ, શહેર ક્રાઇમબ્રાંચ, એટીએસ, સાયબર સેલ અને સરકારના અધિકારીઓની બેઠકોનો દોર અને તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. બેઠકોમાં ડીજીપી શિવાનંદ ઝા, લોકરક્ષક દળ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય, ક્રાઇમબ્રાંચના એડિશનલ જોઇન્ટ સીપી જે.કે.ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં એક મહિલાનું નામ સામે આવતાં પોલીસ તેની પૂછપરછમાં જોતરાઇ હતી પરંતુ તેમછતાં સમગ્ર પ્રકરણમાં મુખ્ય ષડયંત્રકાર કોણ છે કે જેણે આખા સરકારી તંત્ર અને લાખો ઉમેદવારોને બાનમાં લઇ આટલુ ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું તે માટે ઉપરોકત તમામ ઉચ્ચ સત્તાવાળાઓના અધિકારીઓ તપાસની ચર્ચા વિચારણા કરવામાં વ્યસ્ત બન્યા હતા. પોલીસ અને સરકાર કક્ષાએથી ગુપ્ત રીતે મહત્વની નિર્દેશો જારી કરી દેવાયા હતા અને ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવાની આશા વ્યકત કરી હતી.

Related posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નોંધાયેલો વરસાદ..

editor

ડભોઈમાં ફેશન શોનું આયોજન કરાયું

editor

ભાવનગર ખાતે વિજયા દશમી પર્વ નિમીતે શસ્ત્ર પૂજન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1