Aapnu Gujarat
બ્લોગ

મેરી કૉમ ભારતની મહિલાઓ માટે એક સફળ મિસાલ

આજે ભારતભરમાં ગંધાતા રાજકારણ, કાદવ-ઉછાળની ગંદી આક્ષેપબાજી, રામ-મંદિર અંગે નિવેદનબાજી અને પૂતળાબાજીની વરવી સ્પર્ધા ચાલી રહી છે, ત્યારે દિલ્હીમાં, હા હા દિલ્હીમાં-હૈયાને ટાઢક થઈ એવી ઘટના બની. બધા ભારતીયની છાતી ફૂલે અને ગૌરવ સાથે દુનિયામાં ટટ્ટાર ઊભા રહી શકે એવી ઝળહળતી ફતેહ એમ.સી. મૅરી કૉમે હાંસલ કરી છે. પ્રાઉડ ઑફ યુ મેગ્નિફિશન્ટ મૅરી. અને આ ઐતિહાસિક સફળતા અને મૅરીની સ્વસ્થતા વચ્ચે એક નામ યાદ આવે. દેવ આનંદનું.
એવરગ્રીન દેવ આનંદમાં એક વિશિષ્ટતા હતી. પોતાની ફિલ્મની રિલીઝ વખતે જે પત્રકાર મળવા જાય એને મોઢા પર કહી દેતા કે આ ફિલ્મ તો પૂરી થઈ ગઈ, નવી ફિલ્મની વાત કરીએ? આજના ખાનો અને ૧૦૦ કરોડ ક્લબવાળા રિલીઝ થનારી ફિલ્મ માટે જ બોલે પણ દેવ આનંદ તો દેવ આનંદ હતા. વર્તમાનમાં થોડા અને ભવિષ્ય કાળમાં વધુ જીવનારા, ભૂતકાળને તો ભુલાવી દે. આ ઍકટર-દેવ ફિલ્મ-મેકર યાદ આવવાનું કારણ છે એમ.સી. મૅરી કૉમ. દિલ્હીમાં વિમેન્સ વર્લ્ડ બૉક્સિગં ચેમ્પિયનશિપમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતને ઈતિહાસ રચ્યો, પરંતુ આ ગૌરવપ્રદ પથમાં સમય વિતાવવાને બદલે તેણે ઈરાદો જાહેર કરી દીધો કે આ સાથે જ મારી ટૉકિયો ઑલિમ્પિક્સની તૈયારી શરૂ થઈ ગઈ. ત્રણ સંતાનની ૩૫ વર્ષની માતામાં કેટલાં જોશ, ઉમંગ અને સ્પર્ધાત્મક ભાવના છે?
મણિપુર જેવા નાનકડા રાજ્યની વસતિમાં મૅરીની કૉમ જ્ઞાતિનું પ્રમાણ માત્ર એક ટકા. અનેક પડકાર અડચણ મૅરીએ ક્રિકેટઘેલાં રાષ્ટ્રમાં એટલી બધી નામના મેળવી કે ક્યારેક સ્ટેડિયમમાં ‘સચિન, સચિન’ના અવાજો સંભળાતા હતા, ત્યાં આજે ‘મૅરી મૅરી મૅરી’ ગુંજવા માંડ્યું છે.
‘મેગ્નિફિસન્ટ મૅરી’ માટે આ વખતની બૉક્સિગં સ્પર્ધા કે મેચ આસાન નહોતી. અપેક્ષા, ઈતિહાસ રચવાનો ભાર, કાબેલ અને યુવાન કોરિયન હરીફને પ્રતાપે બે રાત ઊંઘ વેરણ થઈ. પણ આ બધાની લેશમાત્ર અવળી અસર એની ચપળતા, સ્ફૂર્તિ કે તાકાત પર ન થઈ. એકદમ આસાનીથી મૅરીએ બાવીસ વર્ષીય હરીફ હન્ના ઓખોટાને મહાત કરી.
મૅરી કૉમનું મહત્ત્વ અને પ્રભાવ કેટલો એ આ વર્લ્ડકપ ચેમ્પિયનશિપમાં ઊડીને આંખે વળગતું હતું. આ સ્પર્ધામાં મૅરીના દબદબા સાથે સોનિયા ચહલે ભવિષ્ય માટે ઘણી આશા જગાવી છે. સોનિયાની પ્રેરણાય મૅરી જ. એટલે મૅરીના કોચે એકદમ યોગ્ય ઉપમા આપી. મારા માટે તો મૅરી બૉક્સિગંની મેરાડોના છે. એક લિજેન્ડ સાથે સરખામણી કંઈ નાનીસૂની સિદ્ધિ ગણાય?
લાઈફટાઈમ અચિવમેન્ટ મળે કે બાયોપિક બને એટલે એ વ્યક્તિની કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ હોય, કાં ધોની જેવા અપવાદમાં અસ્તાચળ ભણી હોય, પરંતુ પ્રિયંકા ચોપડાની સફળ બાયોપિક બાદ પણ મૅરીએ રમતમાંથી લેશમાત્ર રસ ગુમાવ્યો નથી.
શનિવારે મૅરી બૉક્સિગં રિંગમાં ઊતરી, ત્યારે મહિલા મુક્કાબાજોમાં તે પાંચ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી આયર્લેન્ડની કેટી ટેલરની સમકક્ષ હતી. અને ક્યુબાના પુરુષ મુક્કાબાજ સેવોનના છ ગોલ્ડ મેડલની બરાબરી કરીને ઈતિહાસ રચવાની અપ્રતિમ તક હતી. આ મેચ જીતીને મૅરી દુનિયાની સૌથી સફળ મહિલા મુક્કાબાજ બની, ને નવો ઈતિહાસ રચ્યો.
એક સમયે હોકીમાં ભારતનો સિતારો એકદમ બુલંદી પર હતો. ત્યાર બાદ ખૂબ લાંબો ગાળો આપણે ક્રિકેટ-ક્રિકેટ કર્યું. છેલ્લાં થોડા વરસોમાં ક્રિકેટના મોહપાશથી ધીરે-ધીરે છુટકારો મળતો લાગે છે. પી.ટી. ઉષા, ફોગાટ સિસ્ટર્સ જેવા અનેક સ્પોટ્‌ર્સ સ્ટાર્સ ઝળક્યા. વધુ આવકાર્ય પેટર્ન એ ઊભી થઈ રહી છે કે અંતરિયાળ ગામો, અને નાના-નાના રાજ્યોના ખેલાડી કૌવત બનાવી રહ્યાં છે. સગવડતાથી ફાટફાટ થતા શહેરની સરખામણીએ આ લોકો વધુ ઝળકી રહ્યાં છે.
પોતાની અનન્ય સિદ્ધિ બાદ મૅરીએ ભાવુક થઈને કહ્યું કે ભારતને આપવા માટે મારી પાસે સુવર્ણચંદ્રક સિવાય બીજું કંઈ નથી.
મૅરીએ મહામહેનતે કંડારેલી આ પગદંડી ભાવિ બૉકસર માટે અતિ મહત્ત્વની સાબિત થવાની. મૅરીએ રચેલા ઈતિહાસનો પૂરેપૂરો શ્રેય માત્ર ને માત્ર એની ધગશ, ફિટનેસ અને જીતવાની જીદને ફાળે જાય છે. મૅરી પોતાની સફળતા અને જોશ થકી ભાવિ પેઢીને બૉક્સિગં સહિતની ક્રિકેટ સિવાયની રમત ભણી જોવા માટે પ્રેરણા આપશે. આ વિશ્ર્‌વ-વિક્રમ મૅરીની મંઝિલ બનવાને બદલે સફર બની રહી. મૅરી કૉમ પર અગાધ-અતૂટ વિશ્ર્‌વાસ સાથે એટલું જ કહીએ, ૨૦૨૦ના ટૉકિયો ઑલિમ્પિક્સમાં ફતેહ હો!(જી.એન.એસ)

Related posts

क्या राजनीति करवा रही है मा दुर्गा और श्रीराम के बीच मनमुटाव..?

aapnugujarat

મહાભારત ના યુઘ્ઘ માં કૃષ્ણ-અજુઁન વચ્ચે નો સંવાદ

aapnugujarat

इमरान को भारत का निमंत्रण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1