Aapnu Gujarat
Uncategorized

સિંહ-સિંહણના મોત મામલે તપાસનો દોર શરૂ

ગીર જંગલમાં એશિયાટિક સિંહ ઉપર ફરી એકવાર આફત આવી ગઈ છે. ટુંકા ગાળાની અંદર જ ૧૨થી વધુ સિંહ-સિંહણના મોતથી ખળભળાટ મચી ગયો છે. હચમચી ઉઠેલી સરકારે આ મામલા આખરે તપાસનો આદેશ આપી દીધો છે. ફેફસામાં ઇન્ફેક્શન અને આંતરિક લડાઈમાં સિંહ-સિંહણના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. ઉંડી તપાસ બાદ જ વધુ કારણ જાણી શકાશે. બીજી બાજુ લોકેશન જાણીને તબીબી ચકાસણીની પ્રક્રિયા પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ધારી નજીક સરસિયાવિડીમાંથી તથા રુણિયા વિસ્તારમાંથી મૃતદેહ મળતા વન્યતંત્રની દોડધામ વધી ગઈ છે. ગીર જંગલના પૂર્વ વિભાગમાં આવતા દલખાણીયા રેન્જમાં છેલ્લા ૧૧ દિવસમાં ૧૧ સિંહોના મૃતદેહ મળી આવવાની ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજયભમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને વન્ય અને પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. ૧૧ સિંહોના મોતના પ્રકરણમાં ઇન્ફાઇટ, બિમારી અને કુદરતી મોત સહિતના કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે તો બીજીબાજુ, માત્ર ૧૧ જ દિવસમાં ૧૧ સિંહોના મોતને લઇ વનવિભાગ અને રાજય સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ એવા આ મામલામાં સરકાર અને વનવિભાગના અધિકારીઓ બચાવની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે પરંતુ ખુદ ગુજરાત હાઇકોર્ટે સિંહોના રક્ષણ, જતન અને તેમના સંવર્ધન માટેના અસરકારક પગલાં લેવા સહિતના અગાઉ મહત્વના આદેશો જારી કર્યા હોવાછતાં આજે સિંહોનો અકાળે ખાત્મો બોલી રહ્યો છે, જેને લઇ વન્ય અને પર્યાવરણ પ્રેમીઓ સહિત ગુજરાતના પ્રજાજનોમાં આઘાતની લાગણી પ્રસરી ગઇ છે. છેલ્લા ૧૧ દિવસમાં ૧૧ સિંહોના મોતને લઇ રાજયભરમાં ખળભળાટ મચ્યો છે ત્યારે વનવિભાગના અધિકારીઓ અને સરકારના સત્તાવાળાઓ જુદા જુદા કારણો સાથે બચાવ કરતાં જોવા મળ્યા હતા. જે વન્ય અધિકારીઓ ગઇકાલે જે કારણ રજૂ કરતા હતા, તેનાથી વિપરીત કારણો આજે સરકારના સત્તાવાળાઓ રજૂ કરી બચાવ કરતાં હતા, જેને લઇ ગંભીર પ્રશ્નાર્થ અને શંકા જન્મી રહ્યા છે. ૧૧ સિંહોના મોત પ્રકરણમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ભારે વિવાદ બાદ આખરે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વનવિભાગની પ્રાથમિક તપાસમાં ૧૧ સિંહોના મોતમાં ૬ સિંહબાળ, ૩ માદા સિંહણ અને ૨ નર સિંહનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે. ૩ બાળસિંહોના ઈન્ફાઈટમાં, ૩ના સારવારમાં, ૨ના બીમારીમાં અને ૩ના ફેફ્‌સા અને લીવરમાં સંક્રમણને કારણે મોત થયા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાયું હતું. તમામ સિંહોના પેનલ પીએમ કરવામાં આવ્યા છે, તેમજ ટીસ્યુના નમૂના જૂનાગઢ, દાંતીવાડા અને બરેલી વેટરનરી લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમછતાં મોતનું સાચુ કારણ જાણવા માટે વન વિભાગના નિષ્ણાંત અધિકારીઓ અને વેટરનરી કામે લાગ્યા છે. ઘટનાને ગંભીરતાથી લઇ આજે ગુજરાત વન વિભાગના પીસીસીએફ, વાઇલ્ડ લાઇફના અક્ષય સક્સેના, વિજીલન્સના આર.એલ મીના, સીસીએફ વાઇલ્ડના એ.સી. પટેલ સહિતના અધિકારીઓનો કાફલો ધારી ખાતે દોડી આવ્યો હતો, ૧૧ સિંહોના મોત અલગ અલગ જગ્યાએ થયા હોઇ તે તમામ સ્થળોએ અને તેની આસપાસના સ્થાનો પર પણ સઘન તપાસ ચલાવાઇ રહી છે.

Related posts

ખાંભા શિકાર કેસ : નાસતા ફરતા બે શિકારીઓ જબ્બે

aapnugujarat

ભાવનગરના ખેડૂતો પર દમન કરનાર પોલીસ કર્મીઓ સામે FIRનો હુકમ

aapnugujarat

સોમનાથમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1