Aapnu Gujarat
બ્લોગ

બાબા રામદેવના સુર બદલાયા

સ્વામી રામદેવે ટેલિવિઝન ચેનલ એનડીટીવીના યુવા કૉન્ક્‌લેવ કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ સર્વપક્ષીય અને અપક્ષ છે.એ પછી તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે ૨૦૧૯ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે ચૂંટણીપ્રચાર નહીં કરો?આ સવાલના જવાબમાં બાબા રામદેવે કહ્યું હતું, શા માટે કરું? નહીં કરું.એ કાર્યક્રમમાં બાબા રામદેવે એવું પણ જણાવ્યું હતું કે કાળા નાણાં, ભ્રષ્ટાચાર અને વ્યવસ્થામાં પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ સંબંધે તેમને નરેન્દ્ર મોદી પર ભરોસો હતો.એ ભરોસો હજુ કાયમ છે કે કેમ? એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે બાબા રામદેવે જણાવ્યું હતું કે હાલ આ મુદ્દે તેમણે મૌન રાખ્યું છે.આ બાબા રામદેવનો નવો અંદાજ છે અને રાજકીય રીતે નવું વલણ છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બાબા રામદેવ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સાથે એક પ્રકારે અંતર રાખી રહ્યા છે.મોદી સરકારથી અંતર જાળવવાનો સંકેત બાબા રામદેવે અગાઉ પણ આપ્યો હતો.’ધ ક્વિન્ટ’ નામની ન્યૂઝ વેબસાઈટ સાથેની ૨૦૧૬ના ડિસેમ્બરની વાતચીતમાં તેમને કેન્દ્રની એનડીએ સરકારના રાજગુરૂ ગણાવવામાં આવ્યા ત્યારે બાબા રામદેવે તેને ભૂતકાળની વાત ગણાવી હતી.જોકે, બાબા રામદેવ કથિત રીતે એટલા પોલિટિકલ છે કે તેમના કોઈ પણ રાજકીય નિર્ણયનો અંદાજ એક-બે નિવેદનોથી લગાવી શકાય નહીં.ભાજપના ’સંપર્ક ફૉર સમર્થન’ અભિયાન દરમ્યાન આ વર્ષની ચોથી જૂને બાબા રામદેવ પક્ષપ્રમુખ અમિત શાહને મળ્યા હતા.એ મુલાકાત પછી મીડિયામાં આપેલા એક નિવેદનમાં અમિત શાહે કહ્યું હતું, “બાબા રામદેવ સાથેની મુલાકાતનો અર્થ અમે લાખો લોકોને મળ્યા તેવો થાય. આગામી ચૂંટણી વખતે સંપૂર્ણ ટેકાનું વચન તેમણે આપ્યું છે.બાબા રામદેવનું ઉપરોક્ત નિવેદન બદલાયેલી રાજકીય પરિસ્થિતિનો સંકેત આપે છે કે તેઓ દબાણ બનાવવાની ભૂમિકા તૈયાર કરી રહ્યા છે?આ સવાલનો જવાબ મેળવતા પહેલાં ૨૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સફળતામાં બાબા રામદેવની ભૂમિકા પર નજર નાખવી પડશે.બાબા રામદેવ ૨૦૧૪ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીનું પારાવાર ગુણગાન કરવાની સાથે યુપીએ સરકારની ઝાટકણી કાઢતા જોવા મળ્યા હતા.એબીપી ન્યૂઝ ચેનલના સવાલોના જવાબ ૨૦૧૩ની ચોથી જૂને આપતાં બાબા રામદેવે કહ્યું હતું, નરેન્દ્ર મોદીમાં ત્રણ એવી બાબતો છે, જેને કારણે હું તેમને ટેકો આપું છું. મોદી સ્થાયી અને મજબૂત સરકાર આપી શકે છે.બાબા રામદેવે કહ્યું હતું,નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે, કાળા નાણાં, ભ્રષ્ટાચાર અને વ્યવસ્થામાં પરિવર્તનના મુદ્દાઓ પર સહમત છે.એ ઉપરાંત જેટલા સર્વે થયા છે તેમાં તેઓ મોખરે છે. મેં લાખો કિલોમીટરની યાત્રા કરી છે. નરેન્દ્ર મોદીને લોકોનું સમર્થન મળી રહ્યું છે.અહીં નોંધપાત્ર બાબત એ છે કે બાબા રામદેવ ૨૦૧૩ની ચોથી જૂને નરેન્દ્ર મોદીને દેશના આગામી વડાપ્રધાન ગણાવતા હતા ત્યારે નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણી સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા ન હતા.નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણી સમિતિના અધ્યક્ષપદની જવાબદારી ૨૦૧૩ની નવમી જૂને સોંપવામાં આવી હતી.એ દિવસથી શરૂ કરીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી બાબા રામદેવ દરેક મંચ પર તેમને ઈમાનદાર, રાષ્ટ્રવાદી અને કાળા નાણાં વિરોધી વલણ ધરાવતા નેતા ગણાવતા રહ્યા હતા.બાબા રામદેવે આ જ સંદર્ભમાં ૨૦૧૩ની ૨૯ ડિસેમ્બરે બેંગ્લુર પ્રેસ ક્લબમાં જાહેરાત કરી હતી કે તેઓ વોટ ફોર મોદી નામની ડોર-ટુ-ડોર પ્રચાર ઝુંબેશ શરૂ કરવાના છે.એ પ્રેમ નરેન્દ્ર મોદી અને બાબા રામદેવ વચ્ચે અચાનક પ્રગટેલો ન હતો.વાસ્તવમાં ૨૦૧૧ના એપ્રિલ-જૂનમાં અન્ના હઝારેના આંદોલનમાં બાબા રામદેવ જે જોરશોરથી રસ લઈ રહ્યા હતા તેના પરથી સ્પષ્ટ હતું કે તેઓ ખુદના માટે કોઈ મોટી રાજકીય ભૂમિકા શોધી રહ્યા છે.અલબત, ૨૦૧૧ની ચોથી જૂને દિલ્હીના રામલીલા મેદાનમાંથી બાબા રામદેવે જે રીતે મહિલાના વસ્ત્રો પહેરીને ભાગવું પડ્યું હતું તેની મીડિયામાં ખૂબ મજાક થઈ હતી, પણ રામદેવ તેમાંથી ટૂંક સમયમાં બહાર આવી ગયા હતા.એ અગાઉ ૨૦૧૦માં સ્વામી રામદેવ ભારત સ્વાભિમાન નામનો એક રાજકીય પક્ષ બનાવી ચૂક્યા હતા.એ પક્ષની રચના કરતી વખતે સ્વામી રામદેવે આગામી સામાન્ય ચૂંટણીમાં દરેક બેઠક પરથી પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારવાની વાત કરી હતી.જોકે, તેના એક વર્ષથી ઓછા સમયમાં સ્વામી રામદેવે તેમનો ઈરાદો બદલી નાખ્યો હતો અને ભાજપને સાથ આપવાનું નક્કી કર્યું હતું.સ્વામી રામદેવનો એ નિર્ણય ભાજપની રાજનીતિ માટે ફાયદાકારક સાબિત થયો હતો. વાસ્તવમાં ભાજપની ખરી વોટ બૅન્ક સવર્ણ મતદારો જ હતા.ગુજરાતનાં હુલ્લડમાં નરેન્દ્ર મોદીની વિવાદાસ્પદ ભૂમિકાના અનુસંધાને ભાજપ પ્રત્યેની મુસલમાનોની શંકા વધુ મજબૂત બની ચૂકી હતી.એ સંજોગોમાં તત્કાલીન યુપીએ સરકારને ઉખેડી ફેંકવા માટે રાજકીય રીતે દેશના પછાત અને દલિત વર્ગના લોકોનો ભરોસો જીતવો જરૂરી હતો.એ ભરોસાના નિર્માણમાં બાબા રામદેવે એક રીતે પૂલની ભૂમિકા ભજવી હતી, કારણ કે એ સમયે યોગના રસ્તે રામદેવ સેલિબ્રિટી બની ચૂક્યા હતા.તેમની યોગ શિબિરોમાં મધ્યમ વર્ગના હજ્જારો લોકો આવતા હતા. ટેલિવિઝન પરથી પ્રસારિત થતા તેમના યોગના કાર્યક્રમોને કરોડો લોકો નિહાળતા હતા.અધ્યાત્મ અને રાષ્ટ્રવાદના નામે બાબા રામદેવ એક રીતે હિંદુત્વનો ચહેરો બની ચૂક્યા હતા.કાળા નાણાં અને ભ્રષ્ટાચારના મુદ્દે તત્કાલીન યુપીએ સરકાર વિરુદ્ધ જે વાતાવરણ સર્જાઈ રહ્યું હતું તેને એક દિશા આપવાનું કામ બાબા રામદેવ કરતા હતા.બાબા રામદેવની ભૂમિકા એવી હતી કે જેને લીધે ભાજપ અને નરેન્દ્ર મોદીની ચૂંટણી સંબંધી મુશ્કેલીઓ આસાન બની રહી હતી.૨૦૧૪ની ચૂંટણીના બરાબર બે સપ્તાહ પહેલાં નવી દિલ્હીમાં આયોજિત એક મેગા યોગ કેમ્પમાં બાબા રામદેવે નરેન્દ્ર મોદીને મંચ પર આમંત્રિત કર્યા હતા.એ કાર્યક્રમમાં હજ્જારો લોકોને સંબોધતાં બાબા રામદેવે કહ્યું હતું,તમારે માત્ર મતદાન કરવા નથી જવાનું. બીજા લોકોને સમજાવવાના પણ છે.નવી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા એ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ પણ લોકોને જણાવ્યું હતું કે તેમનું અને બાબા રામદેવનું લક્ષ્યાંક એક જ છે.આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં મોટો સવાલ એ છે કે નરેન્દ્ર મોદીથી અંતર રાખવાની જરૂર હોવાનું બાબા રામદેવ હવે શા માટે અનુભવી રહ્યા છે?અલબત, એનડીટીવીના કાર્યક્રમમાં બાબા રામદેવ નરેન્દ્ર મોદીની કોઈ ટીકા કરવાથી દૂર રહ્યા હતા એ પણ હકીકત છે.બાબા રામદેવના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદીની ટીકા કરવાનો અન્ય લોકોને મૌલિક અધિકાર છે.બાબા રામદેવ તેમનું વલણ બદલી રહ્યા હોય તો તેનું મૂલ્યાંકન વ્યવહારુ રીતે પણ કરવું પડશે. બાબા રામદેવની પતંજલિ આયુર્વેદનો બિઝનેસ હજારો કરોડો સુધી પહોંચી ગયો છે.ન્યૂ યોર્ક ટાઈમ્સે ’ધ બિલ્યનેર યોગી બિહાઈન્ડ મોદીઝ રાઈઝ’ શિર્ષક હેઠળ એક અહેવાલ તાજેતરમાં પ્રકાશિત કર્યો હતો.તેમાં બાબા રામદેવે જણાવ્યું હતું કે તેમના ઉદ્યોગસમૂહનું વેચાણ ૨૦૨૫ સુધીમાં ૧૫ અબજ ડોલરના આંકડે પહોંચાડવાનું તેમનું લક્ષ્યાંક છે, જે વર્તમાન નાણાકીય વર્ષમાં ૧.૬ અબજ ડોલર સુધીનું છે.મોદી સરકારના શાસનકાળમાં બાબા રામદેવનું બિઝનેસ સામ્રાજ્ય કેટલું વિસ્તર્યું છે તેની એક ઝલક રોઈટર્સના એક ઈન્વેસ્ટિગેટિવ અહેવાલમાંથી મેળવી શકાય છે.એ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૪માં મોદી સરકારની રચના પછી પતંજલિ સમૂહે દેશભરમાં ૨,૦૦૦ એકર જમીન ખરીદી છે અને એ ખરીદી એકદમ સસ્તા ભાવે કરવામાં આવી છે.તેમાં આસામથી માંડીને મહારાષ્ટ્ર સુધીનાં ભાજપશાસિત રાજ્યોની જમીનનો સમાવેશ થાય છે.બાબા રામદેવે હરિદ્વારમાંની તેમના ’પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’નું ઉદ્ઘાટન ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવ્યું હતું.એ ઉપરાંત મોદી સરકારે તેના કાર્યકાળમાં યોગ અને આયુર્વેદને જે રીતે પ્રોત્સાહન આપ્યું છે તેનાથી બાબા રામદેવના બિઝનેસ પણ આડકતરી રીતે ફાયદો થયો છે.આ પરિસ્થિતિમાં એ સમજવું મુશ્કેલ નથી કે હજારો કરોડો રૂપિયાના બિઝનેસ ગ્રુપનું સંચાલન કરતી વ્યક્તિ માટે નરેન્દ્ર મોદીની તરફેણ કરવાનું ૨૦૧૪માં હતું એટલું શક્ય નથી.તેનું કારણ એ છે કે એક રાજકીય પક્ષ સાથેનો ગાઢ સંબંધ ભવિષ્યમાં તેમના માટે સમસ્યા સર્જી શકે છે.આ બધાની વચ્ચે હકીકત એ પણ છે કે બાબા રામદેવ ભારતીય રાજકારણને રગેરગથી વાકેફ છે.સમાજવાદી પાર્ટી જેવા પ્રાદેશિક પક્ષના અખિલેશ યાદવ હોય કે બિહારના લાલુપ્રસાદ યાદવ હોય, બાબા રામદેવ બધાની દોસ્તી કરતા રહ્યા છે.હાલમાં તેમણે જે સ્ટ્રેટેજી અપનાવી છે તેનું કારણ એ જ છેકે તેઓ ભાજપને દબાણમાં રાખવા માંગે છે બાકી કાળા નાણાં મામલે તેમણે જે રીતે યુપીએ સરકારનો વિરોધ કર્યો હતો અને મનમોહનસિંહ પર જેટલાં વાકબાણ ચલાવ્યા હતા તેટલા ચારવર્ષ બાદ કાળાનાણાં મામલે સંગીન કામગીરી નહી થઇ હોવા છતા મોદી સરકાર સામે તેમણે કોઇ ફરિયાદ કરી નથી તે દર્શાવે છે કે તેમને મોદીનાં ટેકાની જરૂર છે જ.

Related posts

વિજ્ઞાનનો ચમત્કારઃ હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય!!

aapnugujarat

General Knowledge

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1