Aapnu Gujarat
બ્લોગ

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન સાથે આવી છે અસ્થિરતા

ભારતનાં પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલમાં થયેલી ચુંટણીઓમાં અપેક્ષા મુજબ જ ઇમરાનનાં પક્ષે જીત હાંસલ કરી હતી અને ત્યાંનાં વડા તરીકે શપથ પણ ગ્રહણ કર્યા છે.ભારત તરફથી સિદ્ધુ ત્યાં પહોંચ્યા હતા જે એક બીજી વિવાદાસ્પદ બાબત બની રહી છે હાલ તો જો કે પાકિસ્તાનની નવી સરકારનાં ભવિષ્ય અંગે ચર્ચા જરૂરી છે.
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન શક્ય બન્યું છે અને ૭૦ વર્ષ પછી એક નવા રાજકીય પક્ષનો ઉદય થયો છે. આ પક્ષ એક જ વ્યક્તિ આધારિત છે અને ક્રિકેટમાં સિદ્ધિને કારણે મળેલી લોકપ્રિયતા અને બાદમાં ચેરિટી વર્કને કારણે ઊભી થયેલા અપેક્ષામાંથી જન્મેલો પક્ષ છે. આઝાદી પછી બે પેઢી બદલાઈ ગઈ છે અને તદ્દન નવી પેઢી નવી અપેક્ષાઓ સાથે જૂનું ભૂલી જવા માગતી હશે અને તેના કારણે નવો પક્ષ ઊભો થયો હશે તે વાત સાવ સાચી નથી.
તેના કારણે જ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન આવ્યું છે, પણ સાથોસાથ અસ્થિરતા પણ આવી છે, કેમ કે આપરિવર્તન જૂની બે પેઢીની જગ્યાએ તદ્દન નવી રીતે વિચારનારી ત્રીજી પેઢીનું પરિવર્તન નથી. આ પરિવર્તન માત્ર બે પરિવારોના આધારે ચાલતી રાજકીય પદ્ધતિમાં નવી નેતાગીરી ઊભી કરવાના સેનાના પ્રયાસોને કારણે આવ્યું છે, પણ તેના કારણે અસ્થિરતા પણ આવી છે. સ્પષ્ટ બહુમતી કોઈને મળી નથી અને લાંબા ગાળે ઇમરાન ખાન દેશવ્યાપી ત્રીજું પરિબળ મજબૂત બનાવી શકે તેવા લક્ષણો પણ નથી. આ ઊભરો શમી જાય ત્યારે સ્થાપિત હિતો ફરીથી કબજો જમાવે તેવી પણ શક્યતા છે.આંકડાં જ અસ્થિરતા દેખાડે છે. પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પક્ષને ૧૧૫ બેઠકો મળી છે. પાકિસ્તાનની સંસદની પૂર્ણક્ષમતાએ બહુમતી સાબિત કરવાની હોય તો ૧૩૭ સાંસદો જોઈએ. જોકે અત્યારે ઇમરાન ખાનની સરકાર બની ગઇ છે કેમ કે કોમી એસેમ્બલી તરીકે ઓળખાતા સંસદના નીચલા ગૃહમાં હાલમાં ૩૩૦ જ સભ્યો છે. ઇમરાન ખાન પોતે પાંચ બેઠકો પરથી જીત્યા હતા એટલે ચાર ખાલી કરવી પડી છે એ જ રીતે બબ્બે બેઠકો પરથી જીતેલા નેતાઓઓ પણ અડધો ડઝન છે એટલે તે પણ ખાલી રહેવાની છે. બે બેઠકોની ચૂંટણી રદ થઈ હતી. આ રીતે એક ડઝન બેઠકો ખાલી પડી છે. તેથી અત્યારે ઇમરાન ખાન વજિર-એ-આઝમ બની ગયા છે પણ આગળ વિપક્ષો શું કરશે અથવા કરી શકશે તેના કારણે અસ્થિરતા વધી શકે છે.
પાકિસ્તાન મુસ્લિમ લિગ-નવાઝને ૬૪ બેઠકો, જ્યારે પાકિસ્તાન પિપલ્સ પાર્ટીને ૪૩ બેઠકો મળી છે. ઉદ્દામવાદી નેતા ફઝલુર રહેમાનની પાર્ટી મુત્તેહિદા મઝલિસ-એ-અમલ (એમએમએ)ની પાસે ૧૨ સાંસદો છે એટલે ત્રણેયનો સરવાળો ઇમરાનના પક્ષ કરતાં વધી જાય છે. બલોચિસ્તાનની અવામી નેશનલ પાર્ટી પણ વિપક્ષના જૂથમાં જોડાઈ છે.
બલોચિસ્તાનમાં બલોચિસ્તાન અવામી પાર્ટી સાથે પ્રાંતિય સરકારમાં તે જોડાઈ પણ છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ વિપક્ષની સાથે જોડાણ કરી શકે છે.હારી ગયેલી નવાઝ સરકારના નેતા અને ભૂતપૂર્વ સ્પીકર અયાઝ સિદ્દિકેના નિવાસસ્થાને આ ચારેય પક્ષના સિનિયર નેતાઓની બેઠક મળી હતી. સંયુક્ત રીતે ઇમરાનની સરકારનો સામનો કરવાની સ્ટ્રેટેજી માટે ચારેય પક્ષોએ એકઠા થવા સહમત થયા હતા. જોકે ફઝલુર રહેમાને પહેલાં એવું કહ્યું હતું કે ચૂંટણીના પરિણામોનો બહિષ્કાર કરવો અને સંસદમાં જવું નહિ, પણ બાદમાં તેમને મનાવી લેવાયા કે વિપક્ષે સંયુક્ત રીતે મોરચો માંડવો.
બીજી બાજુ ઇમરાન ખાનને મોટા ભાગના અપક્ષોએ ટેકો આપી દીધો છે. ભારતની જેમ જ અપક્ષોની ખરીદી થઇ હતી પ્રાઇવેટ વિમાનો મોકલીને અપક્ષોને એકઠા કરવામાં આવ્યા હતા ભાવતાલ થયા હતા અને સોદાબાજી પણ થઇ હતી.આવી સોદાબાજી પંજાબ પ્રાંતમાં સરકાર બનાવવા માટે પણ થઈ હતી.ત્યાં ૧૭થી વધુ અપક્ષો જીત્યા છે અને અહીં પણ નવાઝ અને ઇમરાનના પક્ષ વચ્ચે બે જ બેઠકોનો ફરક છે. ઇમરાન પાસે ૧૨૯ સભ્યો છે, જ્યારે શાહબાઝ શરીફ પાસે ૧૩૧, પણ ૧૦ અપક્ષોનો ટેકો મેળવીને ઇમરાનના પક્ષે અહીં સરકાર બનાવવાની પુરી તૈયારી કરી લીધી છે. શરીફના પક્ષમાંથી જ છુટ્ટા પડેલા અને પીએમએલ-ક્યુ એવો અલગ પક્ષ બનાવનારા ચૌધરી સુઝાત હુસૈને પણ પીટીઆઇને ટેકો આપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સરકાર બનાવવા સાથે લાહોરમાં પંજાબની સરકાર બનાવવી પણ ઇમરાન માટે જરૂરી છે. ઇમરાન પહેલેથી જ રાષ્ટ્રીય નેતા રહ્યા છે, પણ તેમના પક્ષની સરકાર માત્ર ખૈબર પખ્તુનખ્વાં જેવા નાના પ્રાંતમાં જ બની શકી હતી. હવે સૌથી મોટા અને અગત્યના પંજાબ પ્રાતમાં પણ સરકાર બને તો રાષ્ટ્રીય કક્ષાએ તેમની સરકારની અસ્થિરતા એટલી ઓછી થાય.જોકે અસ્થિરતા ઓછી થાય તેમ લાગતું નથી. ફઝલુર રહેમાન જેવા ઉદ્દામવાદીની પાર્ટી પણ તાલિબાન ખાન કહેવાતા ઇમરાન સાથે રહેશે તેવું મનાતું તેવું બન્યું નથી. જોકે બીજી રૂઢીચૂસ્ત પાર્ટીઓ ઇમરાન સાથે રહેશે. ઇસ્લામાબાદમાં ચાર પક્ષોના નેતાઓ ભેગા થયા તે પછી લાહોરમાં જમાત-એ-ઇસ્લામીના વડા સિરાજુલ હકે જુદો સૂર કાઢ્યો હતો. તેમણે એવું નિવેદન આપ્યું કે પીટીઆઇની સરકાર બને તેમ લાગે છે ત્યારે તેને કામ કરવા માટેની તક આપવી જોઈએ. ફઝલુર રહેમાનની સાથે રહેવાના બદલે સિરાજુલ હકે આ રીતે ઇમરાનની તરફેણ કરી છે.
ભારતમાં વિપક્ષની મોરચા સરકારો બનતી હોય છે તે રીતે પાકિસ્તાનમાં મોરચા સરકાર બને કે નહિ? આ સવાલનો જવાબ એ છે કે પાકિસ્તાની સેનાની ઇચ્છા ના હોય તો શક્ય નથી. મોરચા સરકાર બને તો ફરી એકવાર નવાઝ અને ભુટ્ટો પરિવારની પકડ જ મજબૂત થાય. સત્તા હાથમાંથી જતા જોઈને કદાચ નવાઝ અને ભુટ્ટો પરિવાર એક થવા તૈયાર થાય પણ ખરા, પણ બીજા પક્ષો તેમને ટેકો ના આપે તે જોવાનું કામ સેના કરી શકે છે. તેથી અત્યારે તો સંયુક્ત રીતે વિપક્ષમાં રહીને મોરચો માંડવા માટે નવાઝ અને ભુટ્ટો ભેગા થયા છે અને તેમની સાથે એમએમએ અને અવામી નેશનલ પાર્ટી જોડાઈ છે, પણ આ મોરચો સત્તા માટે એક થઈ શકે તેવું જાણકારોને લાગતું નથી.
બિલાવલ ભુટ્ટોની ઉંમર નાની છે અને તેને સિંઘમાં પોતાનું સ્થાન ટકાવી રાખવાની ચિંતા છે. સિંઘમાં ઘણા વખતે મોહાજિર કોમી મુવમેન્ટ નબળી પડી છે, તેથી શહેરી વિસ્તારમાં પણ ફરી સ્થાન જમાવવાની પીપીપીની ગણતરી છે. શરીફ પરિવારની સરકાર પંજાબમાં બને તેમ લાગતું નથી, પણ સિંઘમાં પીપીપીની સરકાર બની રહી છે. કોઈના ટેકા વિના સ્વતંત્ર રીતે સરકાર બનાવી શકશે. સિંઘમાં પણ પીપીપી સામે સંયુક્ત મહાગઠબંધનની રચના થઈ હતી, પણ ચૂંટણીમાં તેને સમર્થન મળ્યું નથી. તેના કારણે સતત ત્રીજી ટર્મ માટે પીપીપીની સરકાર સિંઘમાં બનશે. બિલાવલ ભુટ્ટો માટે પોતાનો ગઢ જાળવવો વધારે જરૂર છે. રાષ્ટ્રીય રાજકારણ કેવી રીતે આકાર લે છે તે પણ તેને જાણવામાં રસ હશે.
ઇમરાન ખાને આવ્યા પછી જે નિવેદનો કર્યા છે તેનો અર્થ એ કે ભારતે બહુ હરખાવા જેવું નથી. તમે એક ડગલું ચાલો અને બે ડગલાં ચાલીશું એવી ઘસાયેલી રેકર્ડ જ તેમણે વગાડી છે. ભૂતકાળના અનુભવો કહે છે કે ભારત સાથે સારા સંબંધોની વાતો કરનારા નેતા ખાનગીમાં ભારત વિરોધી વધારે થાય છે. દુનિયાને દેખાડવા માટે સારી વાતો કર્યા પછી સ્થાનિક પ્રજાને ખુશ કરવા માટે પોતે કેટલાક ઉદ્દામવાદી થઈ શકે છે તે દેખાડવાની નેમ નેતાની હોય છે.
ઇમરાન ખાને બે દાયકામાં પોતાની રૂઢિચૂસ્ત અને ધાર્મિક કટ્ટર તરીકેની છાપ ઊભી કરી છે. તેને વળગી રહેવું તેના માટે જરૂરી બનશે. જમાતે ઇસ્લામી જેવા પક્ષનો ટેકો હોય ત્યારે સ્થાનિક ધોરણે પણ નીતિઓ નક્કી કરવામાં તેમના પર મર્યાદાઓ આવશે. અર્થતંત્રમાં તાત્કાલિક કશું થઈ શકે તેમ નથી એટલે ભારત સામે આકરું વલણ દાખવીને લોકોનું ધ્યાન બીજે દોરવાના પ્રયાસો પણ થશે.
સરવાળે પૂરતી બહુમતી ના હોવાથી રાજકીય અસ્થિરતા ઉપરાંત નીતિગત અસ્થિરતા પણ ઇમરાનની સરકારમાં રહેશે. સેનાને પૂછ્યા વિના આમ પણ કશું કરવાનું નથી, ત્યારે સાથી પક્ષોની ડિમાન્ડ પણ સરકારે માનીને ચાલવી પડશે. પાકિસ્તાનમાં રાજકીય ઉપરાંત આ રીતે સામાજિક અને આર્થિક અસ્થિરતા પણ અકબંધ રહેશે એમ અત્યારે તો લાગે છે.ઈમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ તેના પ્રથમ સંબોધનમાં દેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની યોજના અંગે માળખું રજૂ કર્યું હતું. ઈમરાન ખાને જે યોજના રજૂ કરી તેમાંથી ઘણી યોજના એવી છે જે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આપને જણાવીએ કે, ઈમરાન ખાને પીએમ મોદીની કઈ યોજનાઓની કોપી કરી છે.સ્વચ્છ ભારતની જેમ ઈમરાને સાફ પાકિસ્તાનની યોજના કરી છે. ઈમરાનના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા દેશને સ્વચ્છ રાખવો જરુરી છે. આગામી પાંચ વર્ષમાં ઈમરાને પાકિસ્તાનની જનતાને અપીલ કરી છે કે, દેશને સ્વચ્છ બનાવે.ભારતની આયુષ્યમાન યોજનાની જેમ મફતમાં હેલ્થ ઈન્શ્યોરન્સ આપશે ઈમરાન ખાન. ઈમરાને તેના ભાષણમાં જણાવ્યું કે, પાકિસ્તાનની સામાન્ય જનતાના પરિવારને ૫ લાખ પાકિસ્તાની રુપિયા સુધી મફત ઈલાજ ઉપલબ્ધ કરાવશે. આ માટે ઈમરાન સરકાર હેલ્થ કાર્ડ ઈશ્યૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આયુષ્યમાન યોજના અંતર્ગત દરેક ગરીબ પરિવારને ૫ લાખ રુપિયાનો વાર્ષિક ઈલાજ મફતમાં થઈ શકે તેવી મોદી સરકારે જાહેરાત કરી છે.પાકિસ્તાનના વડાપ્રધાને દેશના દરેક પરિવારને ઘર આપવાનું વચન આપ્યું છે. ઈમરાનના જણાવ્યા મુજબ આ માટે આગામી વર્ષોમાં તેમની સરકાર ૫૦ લાખ નવા મકાન બનાવશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં મોદી સરકાર પહેલેથી જ આ પ્રકારની યોજના પર કામ કરી રહી છે.ઈમરાન ખાને તેના ભાષણમાં પીવાના પાણીની સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમની સરકાર એ સુનિશ્ચિત કરશે કે, પાકિસ્તાનના દરેક નાગરિકને પીવાનું સાફ પાણી મળી રહે. ભારતમાં મોદી સરકાર પહેલેથી જ દેશના ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે સ્વજલ યોજના પર કામ કરી રહી છે.પાકિસ્તાનમાં વધી રહેલી બેરોજગારી પર કાબૂ મેળવવા ઈમરાન ખાને યોજના રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, પોતાનો વ્યવસાય શરુ કરવા તેમની સરકાર વ્યાજ મુક્ત લોન આપશે. આ માટે ઈમરાન ખાને પાકિસ્તાનની જનતાને ઈમાનદારીથી ટેક્સ ચૂકવવા અપીલ કરી છે. ભારતમાં પણ મોદી સરકાર મુદ્રા યોજના અંતર્ગત યુવાનોને ગેરંટી ફ્રી લોન ઉપલબ્ધ કરાવી રહી છે.પાકિસ્તાનની ગણતરી વિશ્વના એવા દેશોમાં કરવામાં આવે છે જ્યાં યુવાઓ પાસે રોજગારની તકનો અભાવ છે. જેનું સૌથી મોટું કારણ યોગ્ય શિક્ષણનો અભાવ છે. ઈમરાન ખાનના જણાવ્યા મુજબ તેની સરકાર યુવાનોમાં સ્કીલ ડેવલપ કરવા વિશેષ યોજનાની શરુઆત કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં મોદી સરકારે સ્કીલ ઈન્ડિયા અંતર્ગત આ પ્રકારની યોજના ઘણા લાંબા સમયથી અમલમાં મુકી છે.

Related posts

દહીંની કિંમત.. અચુકથી વાંચજો..!

aapnugujarat

પંજાબની પુત્રી, યુપીની વહુ અને દિલ્હીની દમદાર નેતા શીલા દીક્ષિત

aapnugujarat

ભાજપ મિશન ર૦૧૯નો બંગાળથી આરંભ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1