Aapnu Gujarat
બ્લોગ

ટોળાઓ દ્વારા થતી હત્યા,ચૂંટણી પહેલાં કેમ આવા સ્ટંટ થાય છે કે પછી બીજુ કંઈ….!!?

રાજસ્થાનના અલવર વિસ્તારમાં બનેલી ટોળાશાહીની એક વધુ ઘટનાએ સંસદને પણ ધ્રુજાવી દીધી છે. રકબર ખાન નામની વ્યક્તિ તેના એક સાથીદાર સાથે બે ગાયોને લઈને પગપાળા જઈ રહ્યો હતો, ત્યારે એક ટોળાએ તેમને ગાયોનો દાણચોર ગણીને તેના પર હુમલો કર્યો. તેનું પાછળથી મૃત્યુ થયું ત્યાં સુધીનો ઘટનાક્રમ કેટલાય સવાલો પેદા કરે છે.
પોલીસને, એ ઘટના સ્થળે બનાવને નજરે જોનાર એક નવલકિશોર નામની વ્યક્તિએ જાણ કરી. પોલીસ સ્થળ પર આવી અને રકબર ખાનને પોલીસ વેનમાં બેસાડ્યો. રકબર ખાનનો સાથી ત્યાંથી જીવ બચાવીને નાશી છૂટ્યો હતો. પોલીસવેનમાં બેઠેલા રકબર ખાનની નવલકિશોર નામની વ્યક્તિએ તસવીર પાડી. એના કહેવા મુજબ રકબર ખાન સ્વસ્થ જોવા મળ્યો હતો. તો પછી તેનું મૃત્યુ કઈ રીતે થયું? એ યક્ષ પ્રશ્ર્‌ન છે.
આ ઘટના એ જ જિલ્લામાં બની હતી જ્યાં એક વર્ષ પહેલાં ટોળાએ પેહલુખાન નામની વ્યક્તિને ત્યાં જ મારી નાખ્યો હતો અને એ જ શંકાને લઈને કે, એ ગાયોનો દાણચોર છે. આ બીજી ઘટના બનતા સરકાર આવા ગુનેગારોને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગઈ હોવાનું ચિત્ર ઊપસે છે.
પોલીસે રકબર ખાનના કિસ્સામાં વિવાદાસ્પદ ભૂમિકા ભજવી. બનાવ બપોરના એક વાગ્યે બન્યો અને ઈજાગ્રસ્ત, હુમલાનો ભોગ બનનાર રકબરને વીસ કિલોમીટર દૂર આવેલા હેલ્થ સેન્ટરમાં છેક ચાર વાગ્યે પહોંચાડ્યો અને ત્યાં પહોંચતાં ત્યાંના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંના પોલીસ વિભાગે એ કબૂલ પણ કર્યું છે કે, હુમલાનો ભોગ બનનાર શખ્સને હોસ્પિટલ પહોંચાડવામાં ખૂબ વિલંબ થયો છે અને તે અંગેના કારણો તપાસવા સમિતિ પણ રચવામાં આવી છે અને તેનો અહેવાલ આવતાં જ એ સરકારને પહોંચાડવામાં આવશે. આશ્ર્‌ચર્યની ખોટી વાત તો એફઆઈઆરમાંથી જાણવા મળે છે. એફઆઈઆરમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, બનાવના સ્થળથી તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
નજરે જોનારા ઘટનાના સાક્ષીના જણાવ્યા મુજબ, એ પોલીસવેનની સાથે જ હતો પણ વચ્ચે પોલીસ ટૂકડી ચા પીવા ઊભી રહી ત્યારે જ હું તેમનાથી છૂટો પડ્યો હતો. જો સાક્ષી સાચો હોય તો બે શંકાઓ પેદા થાય છે. પોલીસે ‘ટોળાં’ને સાચવવા રકબર સાથે કસ્ટડીમાં લઈ જઈ થર્ડ ડિગ્રીથી કામ લીધું હશે અને તેમ નહીં તો, ટોળાને જ જવાબદાર ઠેરવવા રકબર સાથે અસહ્ય વ્યવહાર કર્યો હશે. એ કંઈ પણ હોય પરંતુ પોલીસ તેની ફરજ ચૂકી, એની તો કોઈ ના પાડી શકે તેમ નથી.
હજુ એક દિવસ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાંથી રાજ્યોને એવી વિનંતી કરી હતી કે આવા કિસ્સાઓમાં સખત હાથે કામ લે અને જીવ બચાવી નાશી ગયેલા રકબરના સાથીએ કહ્યું કે, હુમલાખોરો એ વિસ્તારમાં વિધાનસભ્યનું નામ બોલી રહ્યા હતા.
લોકસભામાં વિપક્ષોએ આખી ઘટનાના મુદ્દે હોબાળો મચાવ્યો, ત્યારે ગૃહપ્રધાન રાજનાથસિંહે એવું કહ્યું કે, આવા બનાવો કંઈ હમણાં હમણાં નથી બનતા. સૌથી વધારે વરવું વર્તન ટોળાશાહીએ ૧૯૮૪માં બતાવ્યું હતું! આ મુદ્દે સંસદમાં રાજકારણ લાવવું એ શોભે નહીં! પણ આખરે તેમણે જે કહેવાનું હતું સભ્યોને એ જ કહ્યું કે, આ અંગે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની એક સમિતિ રચવામાં આવી છે, એ સરકારને જણાવશે કે ટોળાશાહી અને તેમના દ્વારા થતાં ઘાતકી કૃત્યો રોકવા શું કરવું જોઈએ! ગૃહપ્રધાને એમ પણ કહ્યું કે, જરૂર પડે તેના માટે નવો કાયદો પણ સરકાર ઘડશે!
છે ને, આશ્ર્‌ચર્યની વાત? આવાં કૃત્યો વિરુદ્ધ કૃત્યો કરનારા વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટે શું આપણા દેશમાં કોઈ જ કાયદો નથી? શું પ્રવર્તમાન કાયદાઓમાં તેમને પકડવાથી માંડી સજા અપાવવા સુધીની કોઈ જ જોગવાઈ નથી? ગૃહપ્રધાનની એવી જાહેરાતથી તો એવું જ લાગે છે. દેશમાં ટોળાશાહી દ્વારા કેટલાયને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ બની છે. એમાંથી કેટલા ગુનેગારોને પકડ્યા? કેટલાને સજા અપાઈ? પહેલાં તો ટોળાના હાકેમને પકડવાની હિંમત બતાવવાની જરૂર છે, બચાવવાની નહીં! સુપ્રીમ કોર્ટે પણ સરકારને તે અંગે એવી સૂચના આપી છે, એ પણ નવાઈ પમાડે છે!
ખરેખર તો, આવા બનાવો શા માટે બને છે, તેનાં કારણોના મૂળમાં જવું જરૂરી છે. કારણ કે કાયદો વ્યવસ્થા એ લોકો માટે અને દેશ માટે અગ્રતાક્રમે હોવા જરૂરી છે. આવું શા માટે થાય છે? આપણી ઈન્ટેલીજન્સ સંસ્થાઓ શું કરી રહી છે? કંઈ પણ હોય, પણ આવી ઘટનાઓથી સમાજનું વર્ગીકરણ થાય છે એ નક્કી.(જી.એન.એસ)

Related posts

તેલંગણામાં ગઠબંધનનો પ્રથમ ટેસ્ટ થઈ જશે

aapnugujarat

શ્રીમાન સાંસદો હવે તો જાગો મંત્રી મેનકાજી જગાડી રહ્યા છે…!!?

aapnugujarat

સમજવા જેવી વાત…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1