Aapnu Gujarat
બ્લોગ

સંસદમાં ડ્રામેબાજી અને લોકતંત્રનાં ઉત્તમ કલાકાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે લોકસભામાં ફ્લોર ટેસ્ટ જીતી લીધી છે. વિપક્ષ પ્રેરિત અવિશ્વાસના પ્રસ્તાવનું પતન થયું છે. ચર્ચાને અંતે કરાયેલા મૌખિક મતદાનમાં પ્રસ્તાવનો ૩૨૫ વિરુદ્ધ ૧૨૬ મતોથી પરાજય થયો છે. સ્પીકર સુમિત્રા મહાજને જાહેરાત કરી હતી કે કુલ ૪૫૧ સભ્યો લોકસભા ગૃહમાં હાજર હતા અને એમાંથી ૩૨૫ જણે મોદી સરકારની તરફેણમાં મત આપ્યો હતો જ્યારે ૧૨૬ મત વિપક્ષી પ્રસ્તાવની તરફેણમાં પડ્યા હતા.
શિવસેના અને બીજુ જનતા દળના સભ્યો મતદાન વખતે ગેરહાજર રહ્યા હતા. પપ્પુ યાદવ નામના સભ્ય મતદાન પૂર્વે સભાત્યાગ કરી ગયા હતા.કેન્દ્રમાં પોતાની સરકાર વિરુદ્ધ તેલુગુ દેસમ પાર્ટી સહિતના વિપક્ષો તરફથી લોકસભામાં રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર લોકસભામાં રાતે ૧૧.૧૦ વાગ્યે યોજાયેલા મતદાન પૂર્વે સવારે ૧૧ વાગ્યાથી શરૂ કરાયેલી ચર્ચાને અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત આક્રમક રીતે જવાબ આપ્યો હતો.દોઢ કલાક સુધી કરેલા ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ સરકાર વિરુદ્ધ કરેલા આરોપોના જવાબ આપ્યા હતા, રાહુલ અને કોંગ્રેસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી તથા પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.
ભારતીય સંસદના સાત દાયકાના ઇતિહાસમાં ૨૭મી વાર અવિશ્વાસની દરખાસ્ત ૨૦ જુલાઈએ આવી હતી. પરંતુ ૨૦૦૩ પછી ૧૫ વર્ષે અવિશ્વાસની દરખાસ્ત આવી અને તેના પર આખો દિવસ અને મધરાત સુધી ચર્ચા થઈ. ૧૯૪૭થી આઝાદીના પ્રથમ પંદર વર્ષમાં પણ એક જ વાર અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ હતી અને તે જવાહરલાલ નહેરુની સરકાર સામે. ૧૯૬૩ જે. પી. કૃપલાણીએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.જોકે તે પછી લાલબહાદુર શાસ્ત્રી થોડો સમય જ વડાપ્રધાન રહ્યા, છતાં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત ૧૯૬૪માં આવી ગઈ હતી. તેમના ટૂંકા સમયગાળામાં જ ત્રણવાર અવિશ્વાસ રજૂ થયો. નહેરુના ગયા પછી કોંગ્રેસમાં કેવી આંતરિક ખેંચતાણ મચી હતી તેના અણસાર તેમાંથી મળવા લાગ્યા હતા. શાસ્ત્રી વધુ જીવ્યા હોત તો સત્તા પર રહી શક્યા હોત ખરા તે સવાલ પણ પૂછી શકાય તેવો છે. શાસ્ત્રીના અચાનક અવસાન પછી કોંગ્રેસમાં વારસા માટે ઘમાસાણ મચી હતી અને એક તરફ ઇન્ડિકેટ અને બીજી તરફ સિન્ડિકેટ. સત્તા લાંબો સમય કોંગ્રેસની, ખાસ કરીને ઇન્દિરા કોંગ્રેસની રહી પણ તેમાંથી છુટ્ટા થયેલા નેતાઓનો આંતરિક અસંતોષ શાંત પડવાનું નામ લેતો નહોતો.
૧૯૬૪થી ૧૯૭૫માં કટોકટી આવી ત્યાં સુધીમાં ૧૫ વાર અવિશ્વાસની દરખાસ્તો ઇન્દિરા ગાંધીની સરકાર સામે રજૂ થઈ. એક વર્ષમાં બબ્બેવાર સરકાર સામે અવિશ્વાસ વ્યક્ત થાય તેવી એ સ્થિતિ હતી.કટોકટી પછી મોરચા સરકાર આવી, ફરી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા અને તેમની હત્યા પછી રાજીવ ગાંધી. એ દસ વર્ષો ગાળો થોડો સ્થિર ગયો એ પછી ફરી પાંચ વર્ષમાં નરસિંહ રાવે ત્રણવાર અવિશ્વાસની દરખાસ્તો પસાર કરી. તે પછી મોરચા સરકારોનો એક દાયકો વળી પસાર થયો, તેમાં અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવાનો વારો આવે તે પહેલાં વી.પી. સિંહ, ચંદ્રશેખર, દેવગૌડા અને ગુજરાલે રાજીનામાં આપી દીધાં હતાં.મોરારજી દેસાઈ સામે ૧૯૭૯માં અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ ત્યારે તેમણે પણ ખ્યાલ આવી ગયો હતો કે તેમના જ સાથીઓ તેમને હરાવવા માટે તૈયાર થઈ ગયા છે. તેથી તેમણે પણ લોકસભાના ગૃહમાં તેનો સામનો કરવાના બદલે રાજીનામું આપી દેવાનું પસંદ કર્યું હતું. એ રીતે પ્રથમ સફળ અવિશ્વાસ દરખાસ્ત તેને કહી શકાય.જોકે સૌથી ચર્ચાસ્પદ અને સાચા અર્થમાં સફળ અવિશ્વાસની દરખાસ્ત અટલ બિહારી વાજપેયીની સરકાર સામે ૧૯૯૯માં આવી હતી. ૧૩ મહિનાના શાસન પછી જયલલિતા આડા ફાટ્યા. સુબ્રમણિયમ સ્વામી તેમને કોફી પીવા માટે સોનિયા ગાંધી પાસે લઈ ગયા હતા અને ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે વાજપેયીની સરકાર માટે ટકવું મુશ્કેલ છે. તે વખતે બીએસપીએ ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી હતી. બીએસપીના ચાર સભ્યો હોવાથી એવું લાગતું હતું કે કદાચ વાજપેયીની સરકાર ટકી પણ જાય. પરંતુ છેલ્લી ઘડીએ બીએસપીના નેતા માયાવતીએ સૌને ચોંકાવ્યા અને મતદાન ના કરવાનું નક્કી કર્યું હતું. બીજી બાજુ સૈફુદ્દીન સોઝે પણ પક્ષ સામે બળવો કર્યો અને વાજપેયી સરકારને બચાવવાની ના પાડી દીધી હતી. તે વખતે ફારૂક અબ્દુલ્લાનો નેશનલ કોન્ફરન્સ પક્ષ એનડીએમાં હતો, પણ સોઝ આડા ફાટ્યા. સૌથી વધુ વિવાદ થયો હતો કોંગ્રેસના ગિરિધર ગોમાંગના મતના કારણે. તેઓ સંસદસભ્ય હતા, પણ ઓડિશાના મુખ્યપ્રધાન તરીકે મોકલાયા હતા. મુખ્યપ્રધાન બન્યા પછી છ મહિનામાં તેમણે ધારાસભ્ય તરીકે જીતવાનું હતું. જોકે તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું નહોતું. તેના કારણે છેલ્લી ઘડીએ તેઓ લોકસભા ગૃહમાં આવીને બેસી ગયા અને મતદાન કર્યું. આ રીતે એક એક મતને ગણતરી કરવાની હતી ત્યારે બીએસપીના ૪, સૈફુદ્દીન સોઝ અને ગોમાંગના મતોના કારણે સરકાર હારી ગઈ હતી.નરેન્દ્ર મોદીની સરકાર સામે ૨૦મી જુલાઈએ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્તમાં એક એક મત ગણવાની જરૂર નહોતી. કેમ કે એનડીએ અને વિપક્ષ વચ્ચે બહુ મોટો તફાવત છે. મધરાતે મતદાન થયું ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું હતું. એનડીએની મોદી સરકારને ૩૨૫ મતો મળ્યા હતા. તેની સામે સમગ્ર વિપક્ષ ભેગા થયા ત્યારે પણ માત્ર ૧૨૬ મતો પડ્યા હતા. શિવસેનાએ મતદાન નહિ કરવાનું નક્કી કર્યું હતું, પણ તેનાથી ફરક પડવાનો નહોતો, કેમ કે વિપક્ષમાંથી બીજુ જનતા દળના સભ્યો પણ મતદાન કરવાના નહોતો. જયલલિતાના એઆઇએડીએમકેએ વાજપેયીની સરકારને પછાડી હતી, પણ અહીં તેમના મતો મોદી સરકારને મળ્યા હતા. માત્ર આંકડાં માટે નહિ, પણ લોકસભાના ગૃહમાં જે ઘટનાઓ બની તેના કારણે ૨૦૧૮નો અવિશ્વાસ મત વધારે યાદ રહેશે. રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને ગૃહને વચ્ચે થોડી મિનિટો માટે મુલતવી પણ રાખવું પડ્યું હતું. તેમણે રાફેલ વિમાનના સોદાના મુદ્દે વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન પર સીધા આક્ષેપો કર્યા અને સરકારે બચાવ કરવા માટે દોડવું પડ્યું હતું. એટલું જ નહિ, ભારત સરકારે અને ફ્રાન્સ સરકારે પોતપોતાની રીતે ગૃહની બહાર પણ આ મુદ્દે નિવેદનો આપવા પડ્યા હતા. ભારતીય સંસદમાં થયેલી ચર્ચાએ ફ્રાન્સ સહિતની વિદેશી સરકારોનું પણ ધ્યાન ખેંચાયું હતું.રાહુલ ગાંધીએ છેલ્લે ઇમોશનલ ભાષણ આપ્યું. પ્રેમભાવના અને દુશ્મનોને પણ ગળે લગાવવાની વાત કરી અને કોંગ્રેસ તથા હિન્દુ પરંપરાનું માહાત્મ્ય શું છે તેની વાત કરી. તે પછી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યા અને કશોક ઇશારો કર્યો. વડાપ્રધાન થોડી ક્ષણો માટે સમજી શક્યા નહોતા. તેઓ વડાપ્રધાનને ઊભા થવા માટે અને ભેટવા માટે કહી રહ્યા હતા. વડાપ્રધાન ઊભા ના થયા ત્યારે રાહુલ ગાંધી તેમને નીચા નમીને ભેટ્યા.આ દૃશ્યો સતત ટીવી પર ચાલતા રહ્યા. આગામી દિવસોમાં પણ ચાલતા રહેશે. તેના કાર્ટૂનો અને મીમ્સ બનશે. તેની કોમેડી થતી રહેશે. હગોપ્લોમસી અને ભેટનાટક સહિતના શબ્દો આવશે. સાથોસાથ બંને નેતાઓ કરેલા ભાષણમાં વપરાયેલા કેટલાક શબ્દો પણ ગુંજતા રહેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ચોકિદાર નહિ, પણ ભાગીદાર છે. સામો જોરદાર જવાબ આપતા વડાપ્રધાને કહ્યું કે પોતે ગરીબો, વંચિતો, પિડિતોના દુઃખના ભાગીદાર છે. સાથોસાથ તેમણે નામદાર શબ્દને પણ યાદ કર્યો. નામદાર સામે હું તો કામદાર છું એમ પણ તેમણે કહ્યું. નામદાર સામે પોતે નાચીજ નજર ક્યાથી મિલાવે તેવો કટાક્ષ પણ કર્યો. ચોકિદાર, ભાગીદાર, નામદાર, કામદાર પછી સામો વાર કરીને કહ્યું કે સામે બેઠેલા સોદાગર છે. કોન્ટ્રેકટર છે. આ રીતે ચોકિદાર, ભાગીદાર, નામદાર, કામદાર અને સોદાગર જેવા શબ્દો પણ ભારતીય રાજકારણની ડિક્શનરીમાં ઉમેરાયા.નાગરિકો ઇચ્છે તો પોતાની રીતે પણ એક શબ્દ ઉમેરી છે – કલાકાર. સંસદમાં બેઠેલા આ નેતાઓ કલાકાર જેવા વધારે લાગતા હતા. લોકોની સમસ્યા ઉકેલાય એમાં કોઈને રસ નહોતો. સૌને રસ હતો પોતાનું પરફોર્મન્સ કેવું રહેશે. પોતે કેવા જોરદાર વક્તા સાબિત થશે. નેતા જે કંઈ કરે તે અભિવૃદ્ધિ કરીને કરે એટલે નેતા જ્યારે અભિ-નેતા બને ત્યારે જોવા જેવું થતું હોય છે. કલાકાર પોતાની ભૂમિકામાં જાન રેડી દે તેવું આ નેતાઓ કરતા હતા. પોતાનો અભિનય ખીલી ઊઠે તે માટે દિવસભર જહેમત કરતા રહ્યા હતા. રાહુલ ગાંધીના વર્તન પછી ભાજપના નેતાઓએ પ્રતિસાદમાં કરેલું વર્તન પણ કલાકારોની ઇર્ષા યાદ અપાવે તેવું હતું. કલાકારો એક બીજા સામે છવાઈ જવા આતુર હોય છે. કોઈ કલાકારના અભિનયથી તાળીઓ ગુંજી ઊઠે ત્યારે બીજા કલાકારો ઇર્ષા અનુભવતા હોય છે. જાહેરમાં એકબીજાનું અભિવાદન કરે અને અભિનંદન પણ આવે, પણ એકબીજાના પરફોર્મન્સની ઇર્ષા પણ કરે તેનું નામ કલાકાર. ભારતીય લોકસભામાં પણ કંઈક એવું જ થયું. પોતપોતાના કલાકાર આત્માને બહાર લાવવા મધરાત સુધી નેતાઓ મથતા રહ્યા હતા.

Related posts

આજનું જ્ઞાન

aapnugujarat

बैरक नंबर 12: नीरव, माल्या और चौकसी के लिए तैयार

aapnugujarat

रियल एस्टेट की मंदी से संकट में घिरे बैंक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1