Aapnu Gujarat
ગુજરાત

નગ્ન સત્ય : દારૂબંધીની વાતો કરનારા જ દારૂના ધંધામાંથી અઢળક કમાય છે..!!

બુધવારના રોજ અમદાવાદ પોલીસ અચાનક હરકતમાં આવી હતી. પોલીસનાં ધાડેધાડા રસ્તા ઉપર ઉતરી ગયા હતા. કારણ અમદાવાદ સોલા સિવિલમાં ચાર વ્યક્તિઓ ભરતી થઈ અને તેમના પરિવારે કહ્યુ કે તેમણે દેશી દારૂ પીધા પછી તેમની આ સ્થિતિ થઈ છે. ખુદ પોલીસે પણ માની લીધુ કે અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો છે, પણ તમામના સદનસીબે મોડી રાત્રે ચિત્ર સ્પષ્ટ થયુ કે લઠ્ઠાકાંડ નથી કારણ હોસ્પિટલમાં ભરતી થયેલા લોકાનો શરિરમાં ઈથાઈલ અને મીથાઈલ નામનું એક પણ કેમિકલ ન્હોતુ, છતાં આ ચારે દર્દીઓએ દેશી દારૂ સાથે અન્ય કોઈ કેમિકલનું પણ સેવન કર્યુ હોવાનો અંદાજ છે. જેનો રીપોર્ટ સાંજ સુધી આવે તેવી સંભાવના છે.
બુધવારના રોજ થયેલી ઘટના લઠ્ઠાકાંડ નથી તેવુ માનવા પાછળનું કારણ એવુ છે કે માત્ર ચાર વ્યક્તિઓને દેશી દારૂની અસર થઈ છે. લઠ્ઠાકાંડ થયો હોત તો અનેક લોકો હોસ્પિટલ પહોંચ્યા હોત કારણ કોઈ પણ દારૂના અડ્ડા ઉપર માત્ર ચાર વ્યક્તિ જ દારૂ પીવા જાય તેવુ શક્ય નથી. ૨૦૦૯ માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે ટોપટપ લોકો હોસ્પિટલ આવવા લાગ્યા હતા અને બે દિવસમાં અમદાવાદમાં ૧૫૦ લોકોના ઝેરી દારૂને કારણે મોત થયા હતા. આમ ઝેરી દારૂની અસર મોટી સંખ્યામાં લોકોને થતી હોય છે.
દેશી દારૂ જલદી બનાવવા માટે દેશી દારૂ બનાવનાર તેમાં મીથાઈલ નામનું કેમિકલ ઉમેરતા હોય છે. જેના કારણે દેશી દારૂ બનવાની પ્રક્રિયા ઝડપી બને છે. પરંતુ જો દારૂમાં મીથાઈલનું પ્રમાણ વધી જાય તો ઝેરી દારૂ બની જાય છે. અમદાવાદ અને સુરતમાં થયેલા લઠ્ઠાકાંડમાં આ પ્રકારનું કેમિકલ ઉમેરવામાં આવ્યુ હતું. અમદાવાદ સોલા હોસ્પિટલમાં જે ચાર દર્દીઓ આવ્યો તેમણે સોમવારના રોજ આ દારૂ પીધો હતો. મીથાઈલની અસર વધારે હોય તો તે શરીરમાં ગયા પછી ૧૨ થી ૨૪ કલાક પછી જ અસર કરે છે, પણ સવાલ એવો છે કે જો લઠ્ઠાકાંડ હોત તો ચાર કરતા વધુ વ્યક્તિઓને તેની અસર થઈ હોત પણ સદનસીબે તેવુ થયુ નથી.
ગુજરાતમાં દારૂને મામલે સરકાર અને પ્રજા બંન્ને દંભી છે. ૧૯૬૦ સુધી ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્ને એક હતા ત્યારે ગુજરાતની સીમામાં વસતા લોકો દારૂ પીતા જ હશે, પણ ૧૯૬૦માં ગુજરાત અલગ થયુ અને એકદમ દારૂબંધી આવી ગઈ, પણ તે માત્ર કાગળ ઉપર એટલા માટે રહી કે ગુજરાતની પચાસ ટકા કરતા વધુ પ્રજા રોજ અથવા વારે તહેવારે દારૂ પીવે છે. ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે દારૂ પીનારી વ્યક્તિ સામાજીક પડદો રાખે છે અને મજુર વર્ગને બાદ કરતા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના જાહેરમાં દારૂની બદી ઉપર ભાષણ આપે છે અને ખાનગીમાં પ્યાલી ઠપકારે છે. જ્યાં સુધી ગુજરાતના મજુર વિસ્તારોનો સવાલ છે ત્યાં સુધી આ વિસ્તારમાં ક્યારેય દારૂ ખરેખર બંધ થયો જ નથી.
ગુજરાતના મજુરો માટે સાંજનો દારૂ તેમના જીવનનું અનિવાર્ય ભાગ છે, મજુરી કરી આવ્યા પછી કે દારૂના અડ્ડા ઉપર અથવા દારૂની થેલી પોતાના ઘરે લાવી ઠપકારી જાય છે અને ખુદ પોલીસ પણ જાણે છે કે મજુર વિસ્તારમાં દારૂ અટકાવી શકાય તેમ નથી. જ્યારે પણ મજુર વિસ્તારમાં પોલીસે દેશી દારૂ ઉપર ભીંસ વધારી છે ત્યારે લઠ્ઠાકાંડની શક્યતા વધી જાય છે કારણ જ્યારે દેશી દારૂ પીનારને દારૂ મળતો નથી અથવા મોંઘો મળવા લાગે છે ત્યારે તે નશો કરવા માટે કોઈ પણ પ્રકારના અન્ય જોખમી કેમિકલનો પણ ઉપયોગ કરે છે. જ્યા સુધી સવાલ ગુજરાત સરકારનો છે ત્યાં સુધી સરકાર કોઈ પણ પક્ષની હોય, ગુજરાતમાં ગાંધીજી જન્મયા હતા એટલે તમામ રાજકિય પક્ષોએ જાહેરમાં તો દારૂબંધીની જ વાત કરવાની હોય છે. પણ તમામ નેતાઓ જાણે છે કે પ્રજાના જીવનમાંથી દારૂ નામનુ તત્વ હટાવવુ શક્ય નથી.
દારૂબંધીને કારણે પોલીસના પણ મોટા ખર્ચાઓ સચવાઈ જાય છે. ગુજરાતમાં દારૂનો ધંધો કરનાર પોલીસની મંજુરી વગર દારૂનો ધંધો કરી શકતો નથી. કોઈ પોલીસને પૈસા આપ્યા વગર પાંચ પચ્ચીસ દિવસ દારૂનો ધંધો કરી જાય પણ વધુ દિવસ ધંધો કરવો હોય તો પોલીસને સાથે લેવી જ પડે છે. પોલીસને દારૂના ધંધામાંથી પૈસા મળે છે તેના કારણે તે પોલીસ અધિકારી પોતાની બદલી માટે ક્યારેક નેતાને તો ક્યારેક સિનિયર અધિકારીને તો ક્યારેક વચેટીયાને બદલી માટે પૈસા આપે છે. આ ઉધાડુ નગ્ન સત્ય છે કે દારૂના ધંધામાં નેતા, અધિકારીઓ અને સામાજીક કાર્યકરો અને ખેસ ધારણ કરનાર અથવા બુટલેગરને નડી શકે તે બધા જ કમાય છે.
આમ છતાં દારૂના મામલે પ્રજા અને સરકારની સ્થિતિ રેતીમાં માથુ નાખનાર શાહમૃગ જેવી છે. દારૂ પીનાર જાહેરમાં મને દારૂ વગર ચાલતુ નથી તેવુ બોલવા તૈયાર નથી અને સરકાર ગુજરાતમાં ક્યાંય દારૂ મળતો નથી તેવુ જ કહ્યા કરે છે. પરંતુ ગુજરાતમાં હેલ્થ પરમીટના નામે મધ્યમ-ઉચ્ચ મધ્યમ અને વગદારો જેમની સંખ્યા લગભગ ૬૦ હજારની છે જેમને દારૂની પરમીટ આપવાના નવા નિયમના નામે સરકારે રોકી રાખી છે. છેલ્લાં ચાર મહિનાથી જેમની પરમીટ રીન્યુ થઈ નથી તેવા રોજ બુટલેગર પાસેથી દારૂ ખરીદી પીવે છે. પણ નશાબંધી અને ગૃહ વિભાગ વચ્ચે પરમીટ રીન્યુ કરવાની ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફરતી રહી છે.

Related posts

કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા ચોક્કસ ક્ષેત્રોમાં નિયત પેરામીટર મુજબ નર્મદા જિલ્લાના સર્વાંગી પરિવર્તનનો “એક્શન પ્લાન” ઘડી કાઢવા કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા

aapnugujarat

હિંમતનગરનાં ગ્રામ્ય વિસ્તારોમાં યુ.જી.વી.સી.એલ ની બેદરકારી આવી સામે

aapnugujarat

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ૧૫ ઇલેક્ટ્રિક બસ દોડાવાશેઃ આર.સી.ફળદુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1