Aapnu Gujarat
બ્લોગ

પેટ્રોલ પંપો પર ગેરરીતિ અને ગ્રાહક જાગૃતિ

પાણી પછીનું આ યુગનું સૌથી અગત્યનું પ્રવાહી કદાચ પેટ્રોલ હશે. મોટા ભાગના શહેરોના પરિવારોમાં વ્યક્તિદીઠ વાહનો થઈ ગયાં હોવાથી પેટ્રોલ પંપની મુલાકાત અઠવાડિયે એક કે બે વખત લેવી જ પડે છે. સામાન્યમાં સામાન્ય વાહનચાલકને પણ એટલો ખ્યાલ હોય છે કે છેતરાવા માટેની સૌથી વધુ શક્યતાઓ અહીં રહેલી હોય છે. એક તો પેટ્રોલની બાષ્પશીલ પ્રકૃતિ, તેને આપતાં સાધનની ચોકસાઈ તેમજ પૂરી આપતા માણસની નિયત ભેગા મળીને સરવાળે ગ્રાહકમાં અવિશ્વાસ પ્રેરવા માટે કારણભૂત બને છે. અવારનવાર એવા કિસ્સા પણ પ્રકાશમાં આવે છે કે જેમાં પેટ્રોલ પંપના કર્મચારીઓ એક વાહનમાં ઈંધણ ભરાઈ ગયા પછી મીટરનો આંક પાછો શૂન્ય પર લાવ્યા વિના જ નવા વાહનમાં ઈંધણ ભરવા માંડે. આ ઉપરાંત અમુક પેટ્રોલ પંપ પરના કર્મચારીઓ પેટ્રોલ ભરવાનું શરૂ કર્યા પછી ગ્રાહકનું ધ્યાન ફંટાવવા માટે બીલ અથવા તો પેટ્રોલની સ્લીપ ધરે અને એ રીતે અપૂરતું ઈંધણ ભરે. બધા પેટ્રોલ પંપો કે બધા કર્મચારીઓ ગેરરીતિ કરતા હોય એમ માનવાને જરાય કારણ નથી, પણ પેટ્રોલ ચીજ એવી છે કે તેના વિતરણમાં નીતિ ટકાવી રાખવી અશક્ય નહીં તોય અઘરી અવશ્ય છે. ગ્રાહક સાવચેત રહેવા સિવાય ખાસ કશું કરી શકતો નથી. તે માત્ર ને માત્ર ઈંધણના મીટરના આંકડા પર નજર રાખવા સિવાય કશું કરી શકતો નથી. પણ મીટરના આંકડા જ ખોટી રીતે ફરતા હોય તો? મીટરમાં એક લીટર દેખાડતું હોય અને હકીકતમાં સાતસો કે આઠસો મિ.લી. જ ઈંધણ પૂરાયું હોય તો?મહારાષ્ટ્રના થાણેની પોલીસે પાડેલા વિવિધ દરોડાઓમાં સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાંના મોટા ભાગના પેટ્રોલ પંપના માલિકો અથવા મેનેજર છે. થાણે, પૂણે, ભિવંડી, નાશિક જેવાં શહેરોમાં ઓછામાં ઓછા અગિયાર પેટ્રોલ પંપો ગેરરીતિમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. થાણેના પોલીસ કમિશનર પરમ વીર સીંઘને આશંકા છે કે ઈંધણ પૂરવા માટેનાં મશીનને ફીટ કરતી કંપનીના ટેકનીશીયનો આમાં સંકળાયેલા છે. તપાસમાં જણાયા મુજબ આ ટેકનીશીયનો મુખ્ય ત્રણ પદ્ધતિઓ ગેરરીતિ માટે અપનાવે છે. સૌથી પ્રચલિત પદ્ધતિ મશીનમાં એક ઈલેકટ્રોનિક ચીપ બેસાડી દેવાની છે. તેને કારણે મશીન પર જે આંકડા દેખાય તેના કરતાં ઓછું ઈંધણ અપાશે. થાણેના એક પેટ્રોલ પંપમાં મીટર પાંચ લીટરનો આંકડો દેખાડતું હોય ત્યારે અપાયેલા ઈંધણનો વાસ્તવિક જથ્થો ૪.૮ લીટરનો હતો એમ જણાયું. અન્ય શહેરોમાં તે પાંચ લીટરની સામે ૪.૩ લીટર સુધીનો હોવાનું જણાયું. ટેકનીશીયનો મશીનના સોફટવેર સાથે ચેડાં કરતાં હોવાનું પણ જાણવા મળ્યું. તેઓ એવી કારીગરી કરતાં કે મશીન પર દેખાતો આંકડો આપવામાં આવેલા ઈંધણના જથ્થા કરતાં વધુ જ બતાવે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રભરમાં આશરે ૯૦ ટકા પેટ્રોલ પંપો પર એટલે કે આશરે છ હજાર પંપો પર આ ચાલી રહ્યું હોવાની સંભાવના છે. કુલ સાત ટીમો રાજ્યભરમાં વિવિધ સ્થળે પેટ્રોલ પંપો પર છાપા મારવા માટે રવાના કરવામાં આવી છે. ઓછામાં ઓછા એક વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું હોવાનું અનુમાન છે.સરકારનું તોલમાપ ખાતું ખરેખર આ તમામ બાબતો પર દેખરેખ રાખતું હોય છે અને પેટ્રોલ પંપના મીટરની તપાસણી પણ તેમના અધિકારક્ષેત્રમાં આવે છે. જો કે, આ ઠગો તોલમાપ ખાતાના અધિકારીઓને પણ ભૂલાવામાં નાખી શકે છે. ઈંધણ ભરવાનાં સાધનો બનાવતી દેશભરની કુલ છ કંપનીઓ અત્યારે થાણે પોલીસની નજર હેઠળ છે. મહારાષ્ટ્ર રાજયમાં હજી આ ગેરરીતિની ખબર પડી છે અને પોલીસ કાર્યરત થઈ ગઈ છે. આ સિવાયનાં કેટલાં અને કયા કયા રાજ્યોમાં આ કૌભાંડ ચાલી રહ્યું હશે એનો અંદાજ લગાવવો અત્યારે મુશ્કેલ છે.પોલીસે પાડેલા છાપાઓને કારણે થાણે અને પાલઘરના પેટ્રોલ ડીલર્સ એસોસિયેશને રાજ્યના ખોરાક અને પુરવઠા મંત્રી સાથે મુલાકાત કરી હતી. તેમણે એવી માગણી કરી હતી કે પોલીસના છાપા દરમ્યાન કોઈ પણ કર્મચારી કે ડીલર પર શારિરીક હુમલો કરવામાં ન આવે તેમજ માત્ર શંકાના આધારે કોઈની ધરપકડ કરવામાં ન આવે. ચકાસણી માટે પોલીસ દ્વારા લઈ જવામાં આવેલા મશીનના પૂરજાઓને બદલે વૈકલ્પિક પૂરજા ગોઠવીને પેટ્રોલ વિતરણનું કામકાજ ચાલુ રાખવા દેવા માટે પણ તેમણે વિનંતી કરી છે. અગાઉ મે મહિનામાં થાણે પોલીસે બે જણની ધરપકડ કરી હતી, જેઓ ઉત્તર પ્રદેશમાં ચાલતા આ જ પ્રકારના કૌભાંડમાં સંકળાયેલા હતા. થાણે પોલીસે તેમની સોંપણી ઉત્તર પ્રદેશની પોલીસને કરી હતી. આ ધરપકડને પગલે મળેલા પગેરાને થાણે પોલીસે દબાવ્યું હતું અને મહારાષ્ટ્રમાં છાપા માર્યા હતા. જે રીતે આ તપાસમાં કડીઓ મળી રહી છે એ જોતાં આજે મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ છે એમ આવતી કાલે બીજાં રાજયોમાં તે ચાલતું હોવાના સગડ મળે તો નવાઈ નહીં.શહેરમાં રહેતા મોટા ભાગના પરિવારોના બજેટનો એક મોટો હિસ્સો પોતાનાં વાહનોના ઈંધણ પાછળ ખર્ચાતો હોય છે. ગ્રાહક તરીકે તેમને બધેથી માર પડતો હોય છે. વધેલી કિંમતો હોય કે વેરા, છેવટે બધો ભાર ગ્રાહકની કેડ પર જ આવતો હોય છે. આ સંજોગોમાં પોતે ખર્ચેલા નાણાંની સામે તેને છેતરપીંડીને કારણે એટલી માત્રામાં વસ્તુ ન મળે એ સંજોગો બહુ વિચિત્ર છે. એ હકીકત છે કે ગેરરીતિ આચરવા માટેના નવા રસ્તા ખૂલતા જાય છે અને આ રસ્તા ખોલનારા કોઈ રીઢા ગુનેગારો હોતા નથી. એ રીતે નવાસવા લોકો જાણ્યેઅજાણ્યે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કરે છે. ગુનાખોરીનો આ પ્રકાર લૂંટ, હત્યા કે દાદાગીરી જેવો દેખીતો નથી, પણ સીધોસાદો છે, જેમાં જે તે સાધન સાથે સહેજ ચેડાં જ કરવાનાં હોય છે. ટેકનીશીયન પ્રકારના લોકો ઝડપી નાણાંની લાલચે ગુનેગારમાં પરિવર્તીત થઈ જાય છે.પ્રામાણિકતાની કે નીતિની ઠાલી વાતો કરવી એક બાબત છે, અને પોતાની પાસે કોઈ વિશેષ આવડત હોય અને તેનો આસાનીથી દુરૂપયોગ થઈ શકે એમ હોય ત્યારે તેનો વ્યવહારમાં અમલ કરવો એ બીજી બાબત છે. હા, કોઈ રેકોર્ડ બુકમાં વિક્રમ નોંધાવવા માટે તે કરવાનું હોય તો એ કરવું આસાન છે.

Related posts

લાખો રૂપીયા તને મુબારક, બસ મારે તો માત્ર મારા પતિનો પ્રેમ જ જોઇએ

aapnugujarat

૮૪ ટકા ભારતીય પાર્ટનરને પાસવર્ડ આપે છે : અહેવાલ

aapnugujarat

ગર્વથી કહો, આપણે ગુજરાતી!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1