Aapnu Gujarat
ગુજરાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે ઇઝરાયેલ પહોંચશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ ૨૬ જૂન મંગળવારથી છ દિવસ માટે ઈઝરાયલના પ્રવાસે જશે. વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદની તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. મુખ્યમંત્રી સાથે કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ઈઝરાયલ જઈ રહ્યું છે. મુખ્યમંત્રી અને આ પ્રતિનિધિમંડળના સમગ્ર ઈઝરાયલ પ્રવાસ દરમિયાન કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઈઝરાયલની અદ્યતન ટેકનોલોજી અને અનુભવો વિષયક જ્ઞાન-માહિતીનો વિનિયોગ કેન્દ્રસ્થાને રહેવાનો છે. ભારત અને ઈઝરાયલના રાજદ્વારી સંબંધોના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીની આ ઈઝરાયલ મુલાકાત સવેળાની અને મહત્વપૂર્ણ બની રહેશે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઈઝરાયલ જનારુ આ પ્રતિનિધિમંડળ ઈઝરાયલના કૃષિ પ્રધાન યુરી એરિઅલ, વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન ગીલ હસ્કેલ અને આર્થિક બાબતો તથા ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ઈલી કોહેન સાથે દ્ધિપક્ષીય બેઠકો યોજશે તથા ઈઝરાયલ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ, એબ્લિટ સિસ્ટમ્સ, મોબિલઆઈ કોર્પોરેશનની મુલાકાત લઈને મેક ઈન ગુજરાતના ભાગરૂપે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પારસ્પરિક સહયોગના અવસરોની સંભાવનાઓ ચકાસશે. આ યાત્રા દરમિયાન ગુજરાતનું પ્રતિનિધિમંડળ વોટર ટેકનોલોજિઝ અને ઈનોવેશન્સનો ગહન તાગ મેળવવા ઈઝરાયલમાં ડેન રિજિયન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોરેક ડિસેલિનેશન પ્લાન્ટ, નાનડેન જૈન ઇરિગેશનની મુલાકાત લેવાનું છે. ઈઝરાયલ પણ કૃષિ ટેકનોલોજી ક્ષેત્રે પોતાના નવિનતમ આવિષ્કારોથી આ પ્રતિનિધિ મંડળને માહિતગાર કરશે. ઉલ્લેખનીય છે કે કૃષિ ક્ષેત્ર એ ભારત અને ઈઝરાયલ વચ્ચેની ભાગીદારીનું મહત્વનું ક્ષેત્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેની પૂર્તતા માટે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા અને નફાકારકતા વધારવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે તેવા સમયે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રતિનિધિમંડળની આ મહત્વપૂર્ણ ઈઝરાયલ મુલાકાત યોજાઈ રહી છે. અન્ને એ નિર્દેશ કરવો જરૂરી છે કે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂની તાજેતરની ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલી પ્રધાનમંત્રીએ સંયુક્તપણે કૃષિ અને જળ ક્ષેત્રમાં પાંચ વર્ષ માટે સહયોગ આયોજનની ઘોષણા કરી હતી. તદઅનુસાર ૨૦૧૮થી ૨૦ના ત્રણ વર્ષ માટે આ જોઈન્ટ પ્રોગ્રામ શરૂ પણ થઈ ગયો છે તે અંતર્ગત ભારતમાં કિસાનો-ધરતીપુત્રોને ઈઝરાયેલી ખેતી અને જળ વ્યવસ્થાપન ટેકનોલોજી જ્ઞાનથી સજ્જ કરવા દેશવ્યાપી સેન્ટર ઓફ એક્સેલન્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારત વિશ્વમાં અનાજનું સૌથી વધુ ઉત્પાદન કરનારા રાષ્ટ્રો પૈકીનું એક છે અને અપૂરતા વરસાદ, કૃષિ અને જમીન પ્રાપ્યતાની સમસ્યાઓ ઉકેલવા માટે કૃષિ અને ખેતીવાડી ક્ષેત્રે ટેકનોલોજીમાં ઈનોવેશનને વેગ આપતા ભારત અને ઈઝરાયલ સાથે મળીને કાર્યરત થશે.

Related posts

वर्ल्ड हेरिटेजसिटी के दावे का ८ जुलाई को आखिरी फैसला

aapnugujarat

સેનિટેશન કાર્યક્રમ : ગુજરાતને તૃતિય એવોર્ડ એનાયત કરાયો

aapnugujarat

નારણપુરાના વેપારી સાથે ત્રણ કરોડથી વધુની ઠગાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1