Aapnu Gujarat
બ્લોગ

ગર્વથી કહો, આપણે ગુજરાતી!

ગુજરાતનું નામ મહાગુજરાત હોવું જોઈતું હતું ધૂરંધર સાહિત્યકાર, સોમનાથ મંદિરના પુનઃપ્રણેતા, વકીલ અને રાજનેતા કનૈયાલાલ મુનશીએ તો ઈ.સ. ૧૯૩૭માં આ નામનો ઉલ્લેખ કર્યો હતો અને જ્યારે ભાષાવાર રાજ્યોની સ્થાપનાનો વિચાર થયો ત્યારે જે આંદોલન ચાલ્યું તે આંદોલન પણ મહાગુજરાત ચળવળના નામે જ ઓળખાયું.ગુજરાતની તાસીર અનોખી છે. ગુજરાત એ ઈશ્વર જેવું છે. તેની ગોદમાં નિર્માણ અને પ્રલય બંને જન્મે છે, મોટા થાય છે અને પછી ચાલ્યા જાય છે. પરંતુ ગુજરાત સતત વિકસતું રહ્યું છે અને રહેશે. અહીં જ દેશને સ્વતંત્રતા અપાવવામાં મોટો ભાગ ભજવનાર મહાત્મા ગાંધીજી પણ જન્મે અને મોહમ્મદ અલી ઝીણાના વંશજો પણ અહીંના ઠક્કર પરિવારમાં પાનેલીમાં થયો હતો! ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો હોવાં જોઈએ તેની ચળવળના મુખ્ય નેતા ઈન્દુલાલ યાજ્ઞિક પણ ગુજરાતી અને તેનો વિરોધ કરનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતી!
ગુજરાતમાં સરદાર પટેલ જેવા નેતા પણ થયા અને ચીમનભાઈ પટેલ-નરેન્દ્ર મોદી પણ થયા જેમણે દિલ્લી દરબારમાં ગુજરાતનું નામ ગૂંજતું અને સંભળાતું કર્યું. તેમાંથી સરદાર પટેલ વડા પ્રધાન પદ સુધી ન પહોંચી શક્યા પણ નરેન્દ્ર મોદી પહોંચી ગયા. હવે તો દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષના પ્રમુખ અમિત શાહ પણ ગુજરાતી. વિશ્વના સૌથી ૨૦ ધનવાન વ્યક્તિઓમાં સ્થાન પામતા મૂકેશ અંબાણી પણ ગુજરાતી. ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર ઉર્જિત પટેલ પણ ગુજરાતી. ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજી, કરશન ઘાવરી, ચંદુ બોરડે, સલીમ દુરાની, અંશુમન ગાયકવાડ, વિકેટ કીપર તરીકે જાવેદ મિંયાદાદ જેવા બૅટ્‌સમેનને ચીડવનાર કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, અજય જાડેજા (જોકે તે ભારતીય ટીમમાં હરિયાણા તરફથી પ્રવેશ પામ્યો હતો), પાર્થિવ પટેલ, ઈરફાન પઠાણ, યુસૂફ પઠાણ, અક્ષર પટેલ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલપહજુ પણ કેટલાંક નામો રહી ગયા હોય તો નવાઈ નહીં. ફિલ્મ ઉદ્યોગ તો ગુજરાતીઓ ન હોત તો પાંગર્યો જ નહોત તેમ કહીએ તો ખોટું નથી. દાદાસાહેબ ફાળકેને પ્રથમ નાણાં ધીરનાર ગુજરાતી હતા- મયાશંકર ભટ્ટ. અને એટલે જ ‘રાજા હરિશ્ચંદ્ર’ બની. રણજીત સ્ટુડિયોવાળા ચંદુલાલ શાહ પણ ગુજરાતી. મોહનલાલ ગોપાળદાસ દવે ગુજરાતી હતા પરંતુ હિન્દી ફિલ્મોના પહેલા પટકથા લેખક. જાણીતા દિગ્દર્શકો મહેબૂબ ખાન, શંકર ભટ્ટ, મનમોહન દેસાઈ, ઈન્દ્રકુમાર, મહેશ ભટ્ટ, સંજય લીલા ભણશાળી, સંજય ગઢવી પણ ગુજરાતી અને અગ્રગણ્ય અભિનેતા સંજીવકુમાર પણ ગુજરાતી. સંગીતકાર કલ્યાણજી આણંદજી, હિમેશ રેશમિયા, શંકર જયકિશન પૈકીના જયકિશન, ઇસ્માઇલ દરબાર, અમિત ત્રિવેદી પણ ગુજરાતી, ગાયકોમાં કમલેશ અવસ્થી, શબ્બીર કુમાર, માતા ગુજરાતી હોવાથી લતા મંગેશકર-આશા ભોસલે વગેરે ગાયિકા બહેનો અને તેમના સંગીતકાર ભાઈ હૃદયનાથ મંગેશકર (પણ અડધાં ગુજરાતી) અલકા યાજ્ઞિક, આલિશા ચિનાઈ, ભૂમિ ત્રિવેદી પણ ગુજરાતી. અભિનેત્રીઓમાં આશા પારેખ, ડિમ્પલ કાપડિયા, અરુણા ઈરાની, અમીષા પટેલ, પ્રાચી દેસાઈ, ટેલિવિઝનમાં જાણીતા અભિનેતા-અભિનેત્રીઓનાં નામ લો તો તેમાં પહેલાં ગુજરાતીઓ જ આવે. તારક મહેતાના જેઠાલાલ દિલીપ જોશી, દયા ભાભી દિશા વાકાણી, બાઘા- તન્મય વેકરિયા, સુંદરલાલ મયૂર વાકાણી વગેરે સહિત અનેક ગુજરાતી કલાકારો ટીવી પર રોજબરોજ ચમકી રહ્યા છે.
હિન્દુ દેવીદેવતાઓનાં અશ્લીલ ચિત્રો દોરનારા એમ. એફ. હુસૈન અમદાવાદની એક રેસ્ટૉરન્ટમાં બેસતા અને પોતાનું એક ચિત્ર તેના માલિકને ભેટ આપ્યું હતું. આ હુસૈનનાં ચિત્રોનાં પ્રદર્શન માટે બી. વી. દોશીએ ‘અમદાવાદની ગુફા’ પણ બનાવી. ચિત્રકારોમાં રવિશંકર રાવલ, સોમાલાલ શાહ ખૂબ જ જાણીતાં નામો છે. તો ગુજરાતની આ ધરતીએ મૃણાલિની સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ જેવાં નૃત્યાંગના પણ આપ્યાં છે. મલ્લિકાના પિતા વિક્રમ સારાભાઈ ન હોત તો અંતરીક્ષ ક્ષેત્રે ભારતની જેટલી પ્રગતિ થઈ તેટલી ન થઈ હોત. ઈસરો તેમની જ દૂરંદેશીનું પરિણામ છે. પીઆરએલ, આઈઆઈએમ, સેપ્ટ જેવી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ સંસ્થાઓ પણ તેમનાં જ વિચારબીજથી રોપાયેલાં વૃક્ષો છે. ગીજુભાઈ બધેકા, મૂળશંકર ભટ્ટ, હરભાઈ ત્રિવેદી જેવા કેળવણીકારો પણ ગુજરાતનાં. શમ્મી કપૂર જેવા અભિનેતા પણ ભાવનગરના અને એટલે ગુજરાતના જમાઈ! સાહિત્યમાં નરસિંહ મહેતાને તો વિશ્વ સ્તરે ગાંધીજીએ જાણીતા કરી દીધા ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજન થકી. ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરની ઉપમા આપેલી.ગુજરાત જ્યારે રજવાડાંઓમાં વહેંચાયેલું હતું ત્યારે પ્રજાવત્સલ અને ગુજરાતી ભાષા-કલા માટે સદીઓ સુધી યાદ રહી જાય તેવાં કામો કરનારાં અને સમગ્ર ભારતમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય સમર્પિત કરી દેનારા રાજા પણ ગુજરાતી હતા. ભગવતસિંહજીનો ભગવદ્‌ ગો મંડળ આજે પણ ગુજરાતી શબ્દકોશ તરીકે પ્રથમ સંદર્ભિત ગ્રંથ છે. તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પ્રજા વાત્સલ્યના અનેક દાખલા છે. પરંતુ તે કરતાંય શિરમોર તેમણે સર્વપ્રથમ ભાવનગર રાજ્યને અખિલ ભારતીય સંઘમાં ભેળવી દીધું હતું તે સમર્પણનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મહારાજા સયાજીવાર ગાયકવાડે કલા-સંસ્કૃતિ માટે ખૂબ કરેલું પણ જે સમયે અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી તેવા સમયે ભીમરાવ આંબેડકરને શિષ્યવૃત્તિ આપી પરદેશ ભણવા મોકલ્યા હતા. ક્રાંતિકારી અને સાધુ મહર્ષિ અરવિંદ ઘોષને ક્રાંતિકારી પ્રવૃત્તિની જાણ છતાં તેમને નોકરીએ રાખેલા.હેમચંદ્રાચાર્ય જેવા સાધુએ ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ તૈયાર કર્યો. મૂકસેવક રવિશંકર મહારાજે ભટકેલા લોકોને માર્ગ પર પાછા લાવવાની સેવા કરી. પૂ. મોટાએ મૌન મંદિર સ્થાપ્યું. સ્વામી દયાનંદ સરસ્વતી જેમણે આર્ય સમાજ રચ્યો તેઓ પણ ગુજરાતી! જલારામ બાપા પણ ગુજરાતી. સંતો જેસલ તોરલ, પાનબાઈ, ગંગા સતી, બજરંગદાસ બાપા, પ્રમુખ સ્વામી, પણ ગુજરાતી. સ્વામીનારાયણ સંપ્રદાય પણ ગુજરાતમાં જ સ્થપાયો. આ સંપ્રદાયે દેશ-વિદેશમાં હિન્દુ ધર્મને પ્રસરાવ્યો છે. આજે મોરારીબાપુ યુએઈથી લઈને રોમ સુધી રામકથાને લઈ ગયા છે તો રમેશભાઈ ઓઝા ભાગવતના સારને દેશવિદેશમાં ફેલાવી રહ્યા છે.જોકે અગાઉ જેમ કહ્યું કે ગુજરાતએ નિર્માણ અને પ્રલયને પોતાની ગોદમાંથી જન્મ આપતું રહ્યું છે તેમ ગુજરાતે રાષ્ટ્રને દિશા પણ આપી છે. નવનિર્માણ આંદોલનનાં મંડાણ અહીંથી જ થયેલા અને હિન્દુત્વનું મોજું દેશવિદેશમાં પ્રસરાવનાર રામમંદિર માટેની રથયાત્રા અહીંના સોમનાથ મંદિરથી જ નીકળેલી. અને અત્યારે દેશભરમાં જાતિવાદને ફેલાવનાર પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન અને તે પછી દલિત આંદોલન પણ ગુજરાતમાંથી જ શરૂ થયાં ને! ગુજરાતે પારસીઓ, યહૂદીઓ એમ બધા જ પંથના લોકોને આશરો આપ્યો. સૌ પ્રથમ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો થોમસ રે પણ સુરત બંદરે જ આવેલો. ગુજરાત અને ગુજરાતીને તેની આ ઉદારતા ક્યારેક નડે પણ છે.ગુજરાતે અનેક મહામારીઓ, મુસીબતો અને કુદરતી આપત્તિઓ જોઈ છે. તેણે મચ્છુ ડેમ હોનારત પણ જોઈ છે અને છપ્પનિયો દુષ્કાળ પણ. જોકે દુષ્કાળ તો દર ત્રણ વર્ષે ગુજરાતમાં પડતો જ હોય છે. પાણીની તંગી અહીંની કાયમી સમસ્યા રહી છે. આજે પણ છે. અહીં કચ્છનો ભૂકંપ પણ આવ્યો અને કંડલામાં વાવાઝોડું પણ. ૧૯૮૩નું વાવાઝોડું પણ જોયું છે. ૨૦૧૫ અને ૨૦૧૭માં બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂર પણ જોયાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ૧૯૬૯, ૧૯૮૫ અને ૨૦૦૨નાં કોમી રમખાણો પણ જોયાં છે. ગુજરાતે ઘણો સંઘર્ષ કર્યો છે કેન્દ્ર સામે. અને એમાંથી માર્ગ કાઢતા કાઢતાં વિકાસ પણ કર્યો છે. રસ્તા, વીજળી અને પાણીની બાબતમાં ગુજરાત પહેલાં કરતાં અને આજના ભારતનાં અન્ય રાજ્યો કરતાં ઘણું સુખી છે અને આજે ગુજરાતી પોતાની અસ્મિતાને જાણતો થયો છે. તેથી જ તે ગુજરાતી હોવામાં ગૌરવ અનુભવે છે. હા, ગુજરાતી જો ઉદાસીન હોય તો સૌથી વધુ પોતાની ભાષા પ્રત્યે. આ બાબતે તે પરભાષાને અને પરભાષાના શબ્દોને અપનાવવા વધુ આતુર જણાય છે. આશા છે કે ભવિષ્યમાં આ ખામી પણ દૂર થશે.

Related posts

વિશ્વમાં ૬ કરોડ મજૂરોની છીનવાઈ રોજીરોટી

editor

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1