Aapnu Gujarat
ગુજરાત

વિશ્વ યોગ દિનની ઉજવણીમાં દિવ્યાંગો યોગા કરીને છવાયા

વિશ્વ યોગ દિવસની ઉજવણી દરમ્યાન આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં શાળા-કોલેજ, બાગ-બગીચા સહિતના સ્થળોએ લાખો લોકો યોગમાં જોડાયા હતા ત્યારે આ ઉજવણી વચ્ચે હજારો દિવ્યાંગોએ પણ બહુ સુંદર યોગ કરી ભારે આકર્ષણ જમાવ્યું હતુ અને સૌકોઇનું ધ્યાન ખેંચ્યુ હતું. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં જ એક હજારથી વધુ દિવ્યાંગોએ એકસાથે યોગ ક્રિયા કરી અનોખો રેકોર્ડ કર્યો હતો. તો બીજીબાજુ, ઇસરો રોડ પર આવેલા શિવાનંદ આશ્રમ ખાતે, અપંગ માનવમંડળ,વસ્ત્રાપુર અને મેમનગર વિસ્તારમાં આવેલી નવસર્જન ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કૂલ સહિતના વિવિધ સેન્ટરો પર પણ આજે સેંકડો દિવ્યાંગ બાળકો-વિદ્યાર્થીઓએ સામૂહિક યોગ કરી સમાજજીવનને એક અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં દિવ્યાંગોને બ્લુ ટુથથી કનેકટેડ હેડફોન આપવામાં આવ્યો હતો અને તેના મારફતે તેઓ યોગના સૂચનોને અનુસરી પરફેક્ટ યોગ કરતા જોવા મળ્યા હતા. તો, ઇસરો રોડ પર આવેલા શિવાનંદ આશ્રમમાં પ્રમુખ અધ્યાત્મનંદજી મહારાજ અને ટ્રસ્ટી અરૂણભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ ૨૫૦થી વધુ દિવ્યાંગોએ બહુ સુંદર યોગ કર્યા હતા. શિવાનંદ આશ્રમમાં દિવ્યાંગો માટે યોજાયેલા ખાસ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, આજના કાર્યક્રમમાં ભાગ લેનાર જુદી જુદી સંસ્થાઓના દિવ્યાંગોને ખુદ આશ્રમના નિષ્ણાત યોગાચાર્ય દ્વારા તેમની સંસ્થામાં જઇને આજના યોગ દિવસની ઉજવણી પહેલા દસ દિવસથી ખાસ તાલીમ અપાઇ હતી અને ત્યારબાદ તેઓને આજે યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સામેલ કરાયા હતા. એટલું જ નહી, શિવાનંદ આશ્રમ આજે સાંજે મહિલાઓ-યુવતીઓને સ્વાસ્થ્યપ્રદ તંદુરસ્ત જીવન અને માનસિક તાણ વિનાના મુકત જીવન જીવવાના વિષય પર ગુજરાત મેડિકલ કાઉન્સીલના ચેરમેન અને સોલા મેડિકલ કોલેજના ડીન ડો.નીતિન વોરા અને જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.વર્ષાબહેન દવે જેવા નિષ્ણાતોનો ત્રણ કલાકનો ખાસ માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓએ ભાગ લીધો હતો. દરમ્યાન મેમનગર વિસ્તારમાં પણ નવસર્જન ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કૂલ ખાતે ૭૫ દિવ્યાંગ બાળકોએ શાળાના શિક્ષકો સાથે યોગ દિવસની અનોખી ઉજવણી કરી હતી. શાળાના શિક્ષક નીલેશ પંચાલ સહિતના શિક્ષકોએ પણ દિવ્યાંગ બાળકોને યોગ ક્રિયાની મહત્વતા સમજાવી રોજિંદા જીવનમાં તેને પોતાની જીવનચર્યાના હિસ્સા તરીકે સામેલ કરવા શીખ આપી હતી. આ જ પ્રકારે વસ્ત્રાપુરના અપંગ માનવમંડળ ખાતે પણ દિવ્યાંગ બાળકોએ સુંદર રીતે યોગ કરી સમાજના અન્ય લોકોને પણ યોગક્રિયા દૈનિક જીવનમાં અપનાવવાની અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. આમ, વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં દિવ્યાંગો પણ પોતાના અનોખા યોગ સાથે છવાયેલા રહ્યા હતા. દરમિયાન અમદાવાદ રિવરફ્રન્ટ સુભાષબ્રિજ ઉપરાંત સુરેન્દ્રનગર, ગાંધીધામ, આણંદ, બોરસદ, તારાપુર, કડી, ભીલડી અને પાલનપુર સહિતના સેન્ટરો ઉપર મહેશ્વરી સમાજના ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરી ૪૫ મિનિટના યોગના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મહિલા બાળકો સહિતના લોકોએ ખુબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

Related posts

જાંબુઘોડાથી શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

aapnugujarat

૧૨ તળાવોને ઉંડા કરતી વેળા હજારો મેટ્રિક ટન માટી કઢાઇ

aapnugujarat

પાવાગઢનું મહાકાળી મંદિર ૧ જૂન સુધી બંધ રખાશે

editor

Leave a Comment

UA-96247877-1