Aapnu Gujarat
ગુજરાત

પાકિસ્તાનની જેલમાં બધ કુલદીપ યાદવની બહેનને નોકરી આપવા હુકમ

શહેરના ચાંદખેડા વિસ્તારના રહેવાસી અને હાલ પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ નાનકચંદ યાદવને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે મહત્વના આદેશ મારફતે કુલદીપની બહેન રેખા યાદવને વળતર પેટે નોકરી આપવા ભારત સરકારને ફરમાન કર્યુ છે. જેને પગલે યાદવના પરિવારને કંઇક અંશે રાહત મળી છે પરંતુ હજુ સુધી કુલદીપ યાદવને ભારત પરત લાવવા મામલે કોઇ સંકેતો પીડિત પરિવારને મળ્યા નથી. આ કેસની વિગત એવી છે કે, કુલદીપની બહેન રેખા યાદવે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી રજૂઆત કરાઇ હતી કે, તેનો ભાઈ કુલદીપ છેલ્લા ૨૪ વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે, આ અંગે ભારત સરકારને અનેક રજૂઆત કરવા છતાં ભારત સરકારે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. આ સંજોગોમાં હાઈકોર્ટે કુલદીપને ભારત પરત લાવવા માટે આદેશ આપવો જોઈએ અને પરિવારને વળતર ચુકવવું જોઈએ. આ અંગે હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેખાને નોકરી આપવા માટે આદેશ કર્યો હતો. જેથી રેખા યાદવની ભાઈને વતન લાવવાની પ્રક્રિયા પર હાલ પૂરતી બ્રેક લાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૮૯માં દિલ્હીમાં નોકરી માટે જવાનું કહીને ઘરેથી ગયા બાદ આવ્યો ન હતો. કુલદીપ યાદવ જૂન ૧૯૯૪થી જાસૂસીના આરોપસર પાકિસ્તાનના કબજામાં છે. કુલદીપને જાસૂસી કરવાના આરોપસર ૨૫ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. ૨૦૦૭માં કુલદીપના માતા માયા દેવીએ એક અંગ્રેજી વેબસાઈટને જણાવ્યા મુજબ, તે ૧૯૮૯માં નવી દિલ્હીમાં નોકરી માટે જવાનું કહીને ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પરંતુ તેણે ક્યાં નોકરી મળી છે તે અંગે કંઈ કહ્યું નહોતું. કુલદીપે ગુજરાત યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેણે પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા એક માછીમાર સાથે પત્ર મોકલ્યો ત્યારે ખબર પડી કે કુલદીપ પાકિસ્તાનની જેલમાં બંધ છે. આ અંગે તા.૧ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ ભારતીય હાઈ કમિશન દ્વારા મોકલવામાં આવેલા એક પત્ર દ્વારા જાણ થઈ કે, કુલદીપ પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ છે. જ્યાં એક સમયે ‘સરબજીત’ને પણ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વકીલ એમ.કે પૌલ અને ફેમિલીએ કુલદીપને મુક્ત કરાવવા માટે એક લાંબી લડત શરૂ કરી હતી. વર્ષ ૨૦૧૪માં ગુજરાત હાઈકોર્ટે પાકિસ્તાન સમક્ષ આ મુદ્દો ઉઠાવી યાદવને વતન પરત લાવવા કાર્યવાહી કરવા વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલે કુલદીપ યાદવની માતા માયાદેવીએ એડવોકેટ કિશોર પૌલ દ્વારા ૨૦૦૭માં અરજી કરી હતી. આ અરજીમાં આ અગાઉ વચગાળાના હુકમમાં કોર્ટે કુલદીપ યાદવની માતાને પ લાખ રૂપિયા ચૂકવવા પણ સરકારને આદેશ કર્યો હતો. કુલદીપની પાકિસ્તાનમાંથી મુક્તિ કરાવવા માટે તેના પરિવારે વાજપેયી સરકાર, મનમોહન સરકારથી લઈ વર્તમાન મોદી સરકારને મદદ માટે અનેકવાર રજૂઆત કરી છે. આમ છતાં હજુ સુધી કુલદીપ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો છે. કુલદીપને વર્ષ ૧૯૯૬માં સજા કરવામાં આવી હતી. આમ તેણે ૨૨ વર્ષ જેલમાં પસાર કરી લીધા છે અને ૨૫ વર્ષ પૂર્ણ થવામાં ત્રણ વર્ષ બાકી રહ્યા છે.

Related posts

ગુજરાત : એએપી, બસપ કરતા તો નોટાને વધુ મતો

aapnugujarat

ગુલબર્ગ કેસમાં વિહિપના નેતા અતુલ વૈદ્યને જામીન મળ્યાં

aapnugujarat

Gujarat govt’s U-turn in helmet case; not passed any order to make it voluntary

aapnugujarat

Leave a Comment

UA-96247877-1