Aapnu Gujarat
ગુજરાત

૨૬૦૦ કરોડના કૌભાંડમાં અમિત ભટનાગરને જામીન

દેશની ૧૯ જેટલી બેંકોને ૨૬૦૦ કરોડથી વધુનો ચુનો લગાડવાના ચકચારભર્યા કેસમાં વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. કંપનીના આરોપી ચેરમેન સુરેશ ભટનાગર અને તેમના બે પુત્રો એમ.ડી અમિત ભટનાગર અને જોઇન્ટ એમ.ડી સુમીત ભટનાગરના કૌભાંડોની સઘન તપાસ સીબીઆઇ દ્વારા ચાલી રહી છે ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટે આરોપી અમિત ભટનાગરને કંઇક અંશે રાહત આપી તેને ૨૦ દિવસના વચગાળાના જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે અમિત ભટનાગરની પુત્રીને વિદેશમાં વધુ અભ્યાસ અર્થે મોકલવાની નાણાંકીય વ્યવસ્થા કરવાના હેતુસર તેના હંગામી જામીન મંજૂર કર્યા હતા. જો કે, હાઇકોર્ટે સઘન અને કડક પોલીસ જાપ્તા હેઠળ આરોપીના જામીન મંજૂર કર્યા હતા. ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ જગાવનારા આ કૌભાંડમાં ભટનાગર પિતા-પુત્રોને ગત એપ્રિલ માસમાં ઉદયપુરથી ધરપકડ કર્યા બાદ અમદાવાદની મીરઝાપુર ગ્રામ્ય કોર્ટ સ્થિત સીબીઆઇ કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમના સાત દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી પિતા-પુત્રોને જેલમાં મોકલાયા હતા. ચકચારભર્યા આ કૌભાંડની વિગતો મુજબ, વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. કંપનીના આરોપી ડિરેકટરો સુરેશ ભટનાગર અને તેમના બે પુત્રો અમિત ભટનાગર અને સુમીત ભટનાગર દ્વારા દેશની ૧૯ જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી જુદા જુદા સમયે રૂ.૨૬૫૪ કરોડથી વધુની લોનો મેળવી હતી અને બાદમાં આ લોનોની રકમ બેંકોમાં ભરપાઇ કરવામાંથી હાથ ઉંચા કરી દીધા હતા. આરોપીઓ દ્વારા પબ્લીક અને બેંંકોના હજારો કરોડ ચ્યાંઉ કરી દેવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા થોડા મહિના પહેલાં જ તેમની વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં ઈડી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તેની રીતે તપાસનો દોર ચલાવાયો હતો. દરમ્યાન આ કેસમાં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિના આરોપી પિતા-પુત્રો સુરેશ ભટનાગર, અમિત ભટનાગર અને સુમીત ભટનાગર છેલ્લા ઘણા દિવસ સુધી નાસતા ફરતા રહ્યા હતા. પરંતુ આખરે આ ત્રણેય આરોપીઓને સીબીઆઇએ ગુજરાત એટીએસની મદદથી ઉદયપુરની પારસ હોટલમાંથી ઝડપી લીધા હતા અને અમદાવાદ લઇને આવી હતી. સીબીઆઇ દ્વારા કોર્ટ સમક્ષ પણ અગાઉ એવી ચોંકાવનારી માહિતી રજૂ કરાઇ હતી કે, આરોપીઓએ વિવિધ બેંકો સાથે છેતરપીડીં કરવામાં બહુ ચતુરાઇપૂર્વકની અને પ્લાનીંગ સાથેની મોડેસ ઓપરેન્ડી અપનાવી હતી. જેમાં રૂ.૧૦૦.૮૦ કરોડની સેનવેટ ક્રેડિટ સામે રૂ.૫૦૦ કરોડના બોગસ પરચેઝ ઇનવોઇસ રજૂ કરી ગંભીર પ્રકારની છેતરપીંડી આચરાઇ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આરોપીઓએ બેંકોમાં ઉંચી નેટવર્કીંગ કેપીટલ બતાવી બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ રજૂ કર્યા હતા. આરોપીઓએ બેંકના જાહેર સેવકોના મેળાપીપણામાં પબ્લીક મનીના કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે. સમગ્ર કૌભાંડમાં હજારો કરોડના ટ્રાન્ઝેકશન અને પબ્લીક મનીની વાત છે. ભટનાગર બંધુઓના કૌભાંડને પગલે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. દરમ્યાન આરોપી અમિત ભટનાગરે પોતાની પુત્રીને વિદેશ ભણવા જવા મોકલવાની હોવાથી પૈસાની વ્યવસ્થા કરવા હંગામી જામીન માંગતી અરજી કરી હતી, જે ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે આરોપીને ૨૦ દિવસના વચગાળાના જામીન આપ્યા હતા.

Related posts

Protest held by Gujarat Congress against farm laws

editor

અમદાવાદમાં પતંગ દોરીના સ્ટોલ ઉપર રસિયા ઉમટ્યા

aapnugujarat

ભરૂચ જિલ્લામાં એક લાખ પરિવારો ત્રણ દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1